પરિશ્રમ મોટો કે પ્રારબ્ધ


છગનને આગળ ભણવાની ખાસ ઈચ્છા થતી ન હતી. પણ દસમું પાસ કરવું ફરજિયાત હતું. આ તો તેના પિતાને ઘરની કરિયાણાની દુકાન હતી એટલે ચિંતા જેવું ન હતું પણ ઘરમાં સૌની ઈચ્છા તેને આગળ ભણાવવાની

બરવાળા નામે નાનું ગામ. આ ગામમાં બે જિગરજાન મિત્રો રહે. એકનું નામ મગન ને બીજાનું છગન. બંનેય ભણવામાં સામાન્ય પરીક્ષા આવે કે તરત ભગવાન યાદ આવે. ને આવે ટાણે છગન તો મોટો ભગત જ જાણે બની જતો. આખો દિવસ ભગવાનની પુજા ને આરતી. કોઇ'દી નકોરડા ય ખેંચી લે. અને એની ભગવાન પાસે દરરોજની માત્ર એક જ માંગણી ભગવાન ! આ વર્ષે પાસ કરાવી દે. ને કદાચ આટલા વર્ષોથી નસીબ સાથ આપતું હતું કે તે પાસ થઇ જતો. વર્ષોનો આવો જ ક્રમ.

મગન છગન કરતા થોડોક અલગ હતો. તે ભગવાનમાં તો માનતો જ હતો. પણ સાથે એમે ય માનતો કે મહેનત તો કરવી જ જોઇએ. કહેવાય છે ને ''સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય.'' જો કે અહીં પરસેવો પાડવાનો હતો નહિં બસ સાચી લગનથી મહેનત કરવાની હતી.

આ વખતે બંને દસામાંમાં હતા. અત્યાર સુધી તો બધું ઠીક પણ આ વખતે બોર્ડની પરીક્ષા હતી. બંને પહેલેથી જ ડરી ગયેલા. બધા જ વિષયો અઘરા લાગે. શું કરવું ને શું ન કરવું કશી જ ખબર ન પડે. ભૂગોળ પાકું કરતા ગણિત ભૂલાય ને ગણિત યાદ રાખવા જતા અંગ્રેજી હવા થઇ જાય. બંને માથા પકડે ને ભગવાનને યાદ કર્યા કરે - ''ભગવાન સાચવી લે જો હો !''

છગનને આગળ ભણવાની ખાસ ઈચ્છા થતી ન હતી. પણ દસમું પાસ કરવું ફરજિયાત હતું. આ તો તેના પિતાને ઘરની કરિયાણાની દુકાન હતી એટલે ચિંતા જેવું ન હતું પણ ઘરમાં સૌની ઈચ્છા તેને આગળ ભણાવવાની. હંમેશા એમ જ કહે દિકરા અમે તો ન ભણી શક્યા તું ખૂબ ભણજે. બધાને છગનના મનની વાત થોડી ખબર હોય. આખો દિવસ ભણેસરીની જેમ ચોપડીમાં ઘૂસી રહે પણ આ બધું તો પરાણે મન વગર બધું નકામું પણ પિતાજીની આગળ બોલાય નહિ. એમણે તો, છગનને ચોપડી પકડેલો જોઇને જ રાજીના રેડ થઇ જાય. પણ આવી સ્થિતિમાં જો તે નપાસ થઇ જાય તો ? આ પ્રશ્ને જ તે ડરી જતો ને ચોપડા ફેંકી દેવાનું મન થઇ આવતું. પણ કરે શું ? આ વખતે તો ફડક ખૂબ જ વધુ હતી. નપાસ થશે તો વહાલ કરતા પિતા ય બદલાઇ જશે ને બેસાડી દેશે. દુકાનમાં ને આપણી કાયમી સ્વતંત્રતા પર ચોકડી.

મગનની બાબત થોડીક અલગ હતી. તેનું ઘર-પરિવાર સામાન્ય હતું. ને ભણવું તેના માટે ખૂબ જ જરૂરી હતું. આમાંથી જ આગળ જતા રોજી-રોટી મેળવવાની હતી. જો કે યાદ તો તેને ય છગનની જેમ કશું જ રહેતું ન હતું. છતાંય જ્યારે પણ વાંચવા બેસે ત્યારે બે લીટી અચુક બોલે, ''હે ભગવાન બીજું તો કશું નહિં પણ હું જે વાંચુ તે યાદ રહે તેવું કરજે ને પરીક્ષા વખતે હું બધું સાચું લખી શકું તેવી શક્તિ આપજે.'' ને આ સાથે જ પૂર્ણ વિશ્વાસ રાખી તે વાંચવા મંડતો. યાદ રહેશે કે નહિ તેવો પ્રશ્ન મનમાં ન ઊઠવા દે. બીક લાગે તરત જ બોલે. ભગવાન યાદ અપાવી દેશે.

આ બાજુ જેમ જેમ પરીક્ષાના દિવસો આવતા ગયા તેમ તેમ છગનની ભક્તિ જાણે પરાકાષ્ટાએ પહોંચી. આખો દિવસ મંત્ર ને જાપ. પણ ચોપડી અડે નહિ ને પકડે તો ઘડીકમાં મૂકી દે. આ તો મને આવડે જ છે. વળી ભગવાન તો બેઠા જ છે ને.

બસ હવે, મહિનાઓના દિવસો થયા ને પરીક્ષાનો દિવસ અંતે આવી જ ગયો. બંનેએ પરીક્ષા આપી છગન માથું ખંજવાળે પણ અધૂરા વાંચન અને અપૂરતા પ્રયત્નોના લીધે તેને કશું યાદ આવે નહીં. તો આ તરફ મગન બધા જ પેપરોના જવાબો સારી રીતે લખી શક્યો. અંતે પરિણામનો દિવસ આવ્યો. છગન નપાસ થયો. મગનને પ્રથમ નંબર ન મળ્યો પણ ઘણા સારા માર્ક સાથે પાસ થયો તેની મહેનત રંગ લાવી. છગન ભગવાન પર ગુસ્સે થતો હતો. તો મગન ભગવાનનો આભાર માનતો હતો. મિત્રો ! બંનેએ ભગવાનની સમાન રીતે પુજા કરી પણ, છગને માત્ર પુજા કરી ને મગને પુજા સાથે વાંચન-લેખનને પણ એટલું જ મહત્વ આપ્યું. તેથી જ તેને પરીક્ષાની બીક ન લાગી ને બધું જ બરાબર યાદ આવ્યું. માટે જ માત્ર ભક્તિ ન કરો પણ થોડીક મહેનત કરો તો ભગવાનનો સાથ મળશે જ.

- અમૃતા ચાવડા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QdPUMW
Previous
Next Post »