ખેડા તાલુકાનાં ગામડાંઓમાં પશુઓ ચોરી જતી ટોળકીથી ગ્રામજનોમાં ફફડાટ


ખેડા, તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર

ખેડા  તાલુકાના ગામડાઓમાં પશુ તસ્કરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કોઇ અજાણ્યા ચોર ઇસમો પશુ લઇ જતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ખેડા તાલુકાના ખુમારવાડ પંથકમાં ઘણા સમયથી પશુતસ્કરોનો ત્રાસ ચમરસીમાએ  પહોંચ્યો છે. ખેડા કેમ્પ રીઝર્વ પોલીસ મથકથી ખુમરવાડ, બાવળા, ગોઠાજ જવાના રસ્તે મોડી રાત્રે ડાલુ જેવા સાઘનોમાં પાંચથી છ વ્યક્તિઓની સશસ્ત્ર ટોળકી આવે છે. જે  ગ્રામજનોના ઘર આંગણેથી ભેંસ,પાડી,વાછરડાને ઉઠાવી જાય છે.

આ વિસ્તારમાં રોડ ઉપર અથવા આંતરીક ગામડામાં રસ્તાના ચીલા ઉપર છુટા છવાયા રહેતા ખેડુત પરિવારોના ઘરના વાડામાંથી પશુ ઉપાડતા હોય  છે. 

અને તે સમયે જે ઘરમાલિકો સામે થાય તો  તસ્કરો ધોકા,પાઇપ કે અન્ય શસ્ત્રથી હુમલો કરે છે. 

આવા ભયના માહોલ વચ્ચે પશુમાલિકો ઘરની બહાર નિકળે તો જાનનુ જોખમ ઉભું થતું હોવાથી તેમની નજર સામેજ તેમના કિંમતી પશુઘનને ડાલા જેવા સાઘનોમાં ઉપાડી જાય છે.

દિવસે દિવસે વઘતા જતા આવા પશુચોરીના  કિસ્સાથી સ્વયમ રક્ષણ માટે નાગરિકો વિવિધ નુસખા અપનાવી રહ્યા છે.

જે પૈકી મુખ્ય રોડ પાસે થી તાજેતરમાં એક પાડીની ચોરી થતા રહીશોએ વાડાની બંને સાઇડો ઉપર ભયજનકનું બોર્ડ જાતે ચિતરીને લગાવ્યુ છે.જેમાં ખોપડી અને ક્રોસ ,હાડકાનુ ચિત્રાંકન કરી લખાણમાં અહી વીજળી કરંટ હોવાનું ડેન્ઝર બોર્ડ લગાવ્યું છે.

 જે  દર્શાવે છે કે તંત્ર પાસે રખાયેલી સુરક્ષાની આશા કેટલી ઠગારી છે.

જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત થયેલી

આ અંગે ખેડા-માતર સહકારી યુવા આગેવાનના જણાવ્યા અનુસાર અનેક પશુઓની ઉઠાંતરી થાય છે.તેમ છતા પોલીસ ચોપડે ગુનાની નોંધ કરાતી નથી.આ માટે કોણ આગળ આવશે.તે યક્ષ પ્રશ્ન છે. થોડા સમય પૂર્વે ખેડા પટેલવાડીમાં  યોજાયેલ પોલીસના લોકદરબાર કાર્યક્રમમાં પણ આ અંગે  જિલ્લા પોલીસ વડાને વિસ્તારના આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી.

પોલીસ ફરીયાદ નોંધવાના બદલે સાદી અરજી લે છે

આ બાબતે ગ્રામજનો ના મતે પોલીસ તંત્રને ફરિયાદ કરીએ તો પણ કેસ નોંધતા નથી.કારણ કે અનેક કિસ્સાઓની પોલીસ કેસમાં નોંધણી થાય તો ક્રાઇમરેટ ઉંચા અને રેકર્ડ થાય તેથી પોલીસ દ્વારા ફરીયાદની સાદી અરજી સ્વીકારવામાં આવે છે. આવા કારણોસર અનેક પિડીત લોકો ફરિયાદ કરવાનુ ટાળે છે અને લોકોમાં પોલીસની કાગળની કામગીરી બાબતે હતાશા જોવા મળી રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39nb2rP
Previous
Next Post »