નડિયાદ, તા.06 માર્ચ 2020, શુક્રવાર
ફાગણ માસ અંતિમ પડાવમાં પહોંચવાની તૈયારીમાં છે ત્યારે વાતાવરણમાં એવો પલ્ટો આવ્યો છે જાણે અષાઢના ઓળા ઉતરવાની તૈયારી ચાલતી હોય ! છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે આકાશમાં વાદળો ગોરંભાયા છે. પવનો સાથે અંશતઃ વાદળછાયા હવામાનના કારણે વાતાવરણમાં સાધારણ ઠંડક પ્રસરી છે. બેવડા વાતાવરણના અનુભવ વચ્ચે શરદી, તાવ અને વાયરલની બીમારીનું ચક્કર શરૂ થયું છે.
તો આવું વાતાવરણ ખેતીપાક માટે પણ નુકસાનકર્તા હોવાથી ઉનાળુ પાકનું વાવેતર કરી રહેલા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. આજે વહેલી સવારે જીલ્લાના કેટલાંક સ્થળોએ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
નડિયાદ સહિત ચરોતરમાં ઘણાં લોકો પલ્ટાયેલા વાતાવરણના ચક્કરમાં આવી ગયા છે. છેલ્લા બે દિવસથી શર્દી, માથાનો દુઃખાવો અને તાવના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાનું તબીબો જણાવે છે. બાળકો લઈ મોટેરાઓ આ બીમારીમાં સપડાયા છે. જેમાં બાળકો અને વૃધ્ધોની સંખ્યા વધુ છે. શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે વાતાવરણમાં આવેલો આ પલ્ટો બીમારીને પોતાની સાથે લાવ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આકાશમાં ઘેરાયેલા વાદળોના કારણે શરીરના સાંધા તથા માથાના દુઃખાવા જેવી બીમારીની ફરિયાદો વધી હોવાનું જાણકારોનું મંતવ્ય છે. ગત્ રોજ સાંજે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
ચરોતરના ધરતીપુત્રો ઉનાળુ પાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે અચાનક વરસાદ અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ગ્લોબલ વોર્નીંગના કારણે વાતાવરણમાં આવતા આવા પલ્ટા પર્યાવરણ અને આરોગ્ય માટે હાનિકર્તા ગણાય છે. આજે દિવસ દરમ્યાન સૂર્યનારાયણ અને વાદળો વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલુ રહ્યો હતો. ગઈકાલથી પવનની ઝડપ વધીને કલાકના લગભગ આઠ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાવા લાગ્યા છે. આના કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકો ગરમીમાં ઘટાડો થયાનું અનુભવે છે. ત્રણ દિવસ પહેલાં તાપમાનનું પ્રમાણ થોડું ઉંચુ હતું. તેમાં સાધારણ ઘટાડો થયો હોવાનું ચરોતરવાસીઓ જણાવી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vJsFTO
ConversionConversion EmoticonEmoticon