હોળી રમો પણ હૈયાહોળી ટાળજો


પ્રાચીન સમયમાં હોળી રમવા માટે ખાસ પ્રકારના આર્યુવેદિક રંગ, અબીલ, ગુલાલ અને કેસુડાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે સમયની સાથેસાથે હોળીનું સ્વરૂપ પણ બદલાતું ગયું છે હવે હોળીમાં ત્વચા અને વાળને નુકસાન પહોંચાડતા ઓઇલ અને કેમિકલવાળા રંગોનો વપરાશ થવા લાગ્યો છે. જો આ પ્રકારના રંગોથી હોળી રમવામાં આવે તો એક જ દિવસમાં વાળ અને ત્વચાને એટલું નુકસાન થઈ જાય છે જેની ભરપાઈ આખા વરસ સુધી નથી થઈ શકતી. આ સંજોગોમાં પહેલાં તો શક્ય હોય ત્યાં સુધી નિર્દોષ રંગોથી જ હોળી રમવી જોઈએ અને જો આવો આગ્રહ સંપૂર્ણપણે શક્ય ન હોય તો મિત્રો સાથે હોળીની ધિગામસ્તી કરતા પહેલાં કેટલાક સાવચેતીના પગલાં ખાસ લેવા જોઈએ. નીચે દર્શાવેલી ટિપ્સનું પાલન કરીને સલામત હોળી રમવાથી એની ખુશી બમણી થઈ જાય છે.

બને ત્યાં સુધી કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ રંગોમાં લેડ ઓક્સાઇડ અને કોપર સલ્ફેટ જેવા કેમિકલ રહેલા હોય છે જે ત્વચાના સંપર્કમાં આવે તો ઇન્ફેક્શન અને ઉઝરડા પડી જાય છે. આ ઇન્ફેક્શન વધી જાય તો એલર્જી  થઈ શકે છે જેને દુર કરવામાં દમ નીકળી જાય છે.

જી હોળી રમતી વખતે કોન્ટેક્ટ લેન્સ પહેરવાને બદલે ચશ્માં પહેરવાનો વિકલ્પ વધારે યોગ્ય અને સલામત છે. વળી, આંખમાં કલર કે પાણીના ફુગ્ગાં ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે એનાથી આંખમાં ઇન્ફેક્શન થઈને અંધત્વ પણ આવી શકે છે.

હોળી રમવા માટે નીકળતી વખતે ચહેરા પર સનસ્ક્રીન અથવા તો ઝીંક ઓક્સાઇડ ધરાવતું બેરિયર ક્રીમ ખાસ લગાવી દેવું જોઈએ. બને ત્યાં સુધી રંગોથી રમતી વખતે આખી બાયના ટી-શર્ટ અને કુરતા પહેરવા જોઈએ અને નખના મુળમાં વેસેલાઇન લગાવી દેવું જોઈએ જેથી રંગ આ મુળમાંથી ત્વચાની અંદર ન જઈ શકે.

હોળી રમતી વખતે માથામાં તેલ નાખવાનો વિકલ્પ બહેતર છે. જોકે વધારે પડતું તેલ નાખવાથી સમસ્યા થઈ શકે છે કારણ કે તેલમાં રંગને બાંધી રાખવાનો ગુણ રહેલો હોય છે. આ સમસ્યાથી બચવા શક્ય હોય તો માથામાં તેલને બદલે જેલ નાખવી જોઈએ અને વાળ વ્યવસ્થિત રીતે બાંધીને રાખવા જોઈએ. હોળી રમતા પહેલાં અને પછી માથામાં મોશ્ચરાઇઝર લગાવવું જોઈએ જેથી રંગ માથાની ત્વચામાં ન ઉતરી શકે.

જો તમારા ચહેરા અને ત્વચા પર સિન્થેટીક રંગ લાગ્યો હોય તો એને કાઢવા માટે કેરોસીન કે પછી ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરવાને બદલે આ રંગ આપમેળે ઝાંખો થઈને નીકળી જાય એની રાહ જોવી જોઈએ. ત્વચા પર જો આ રંગ કાઢવા માટે કેરોસીન કે ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા આળી બની જાય છે, એલર્જી થાય છે અને ઉઝરડા પડી જતા વધારે નુકસાન થાય છે.

ચહેરા અને શરીર પરથી રંગ કાઢવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ, પણ ત્વચાને વધારે પડતી ઘસવી ન જોઈએ. ઘણીવાર સ્ટીમ લેવાથી પણ ત્વચાના છિદ્રો ખુલી જતા રંગ સાફ કરવામાં સરળતા રહે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IvY4vJ
Previous
Next Post »