ધૂળેટીના રંગ આફતરૂપ બને ત્યારે...


ગયા વર્ષે હોળીના દિવસે માનસી પર એક આફત આવી ગઈ. કોઈએ તેના ચહેરા પર ફૂગ્ગો ફેંક્યો. એમાં રસાયણમિશ્રિત રંગ ભર્યો હતો. પરિણામે, તેનો ચહેરો દાઝી ગયો. એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવી પડી. ત્યાં ઉપચાર કરવાથી જખમ તો સઝાઈ ગયો, છતાં પણ એના ચહેરા પર ડાઘા તો રહી જ ગયા.

ઘણીવાર આવા બનાવ બને છે. તમારે ક્યારેક કોઈ સાથે દુશ્મનાવટ હોય, તો એ હોળીના તહેવારે આ રીતે વેર વાળવાની કોશિશ કરે છે, છતાં કેટલીકવાર અજાણતાં પણ આવો બનાવ બની જાય છે.

હીરેનની જ વાત કરીએ. એની ત્વચા પર રંગ લાગે તો એલર્જી થઈ જતી. હીરેનના મોટા ભાઈનાં લગ્ન થોડા જ સમય પહેલાં થયાં હતાં. એનાં ભાભીને હીરેનની આ તકલીફની જાણ નહોતી. એણે હોળીના દિવસે હીરેનના ચહેરા ને રંગી નાખ્યો. બીજા દિવસે હીરેનનો આખો ચહેરો સૂજી ગયો અને ઉઝરડા પણ થઈ ગયા. આખરે ખૂબ જ ઈલાજ કર્યા બાદ એને સારું થયું.

કૃતિ સોસાયટીની છોકરીઓ સાથે આખો દિવસ હોળી રમી. સાંજે એણે ચહેરો ધોયો, છતાં રંગ ગયો નહીં. એણે ખૂબ સાબુ ઘસ્યો, છતાં ફાયદો ન થયો. એનાથી વિપરીત સાબુ ઘસવાથી એની ત્વચામાં બળતરા થવા લાગી. છેવટે કંટાળીને એણે રંગ કાઢવાનું કામ પડતું મૂક્યું.

આમ બને ત્યારે થાય છે કે ચહેરાને રંગથી બચાવી શકાય એવો કોઈ ઉપાય હો, તો કેવું સારું!

જોકે આની સાથોસાથ એક સાચી વાત એ પણ છે કે હોળીમાં રંગે રમતાં હો, ત્યારે તમે ચહેરા પર રંગ લાગતો બચાવી ન શકો. જો ઈચ્છતાં હો કે હોળીમાં રંગે રમ્યા બાદ રંગ તમારા ચહેરા પર લાગેલો ન રહે અને તેની કોઈ અસર ન થાય. તો તે માટે સૌપ્રથમ નીચે જણાવેલ ઉપાય કરવા પડશે.

સૌપ્રથમ ચહેરાને સાબુથી ધોઈ નાખો. પછી સહેજ તેલ અથવા કોલ્ડક્રીમ લગાવો અને મસ્તીથી રંગે રમો.

તમને તેલ લગાવવાનું ન ગમતું હોય તો તમે તેના બદલે પાઉડર લગાવી શકો. એનાથી પણ તમારો ચહેરો રંગથી બચાવી શકશો.

હોળી રમ્યા બાદ સ્નાન કર્યા પછી તમારો ચહેરો તરત સાફ થઈ જાય, તે માટે તમે ચહેરા પર કુદરતી ગુંદર લગાવી લો. તે સુકાઈ જાય ત્યારે પાઉડર લગાવી પછી રંગથી રમો.

ચહેરા પર કુદરતી ગુંદર લગાવી પછી લાલ ગુલાલ લગાવી લો અને મોજથી રંગે રમો. આમાં બનશે એવું કે તમને કોઈ રંગશે નહીં, છતાં જો કોઈ રંગે, તો સ્નાન કરતી વખતે રંગ સહેલાઈથી નીકળી જશે. 

આ રીતે તમે થોડી સમજદારી વાપરી આવા અનેક ઉપાય અજમાવી શકો છો. એનાથી તમે હોળી પર અજાણતાં બનતી દુર્ઘટનાથી બચી શકશો.

હોળીના દિવસે પહેરવામાં આવતાં કપડાં બહુ જૂનાં કે સિલાઈમાંથી ફાટી જાય તેવાં ન હોવાં જોઈએ, કેમકે  હોળીની રંગીલી ટોળી સાથે ખેંચતાણ થાય, ત્યારે આવાં કપડાં એક જ ઝટકે ફાટી જવાનો ભય રહે છે. સ્ત્રીઓએ ઘેરા રંગની બ્રા ને પેન્ટીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

હોળીના દિવસે પોલિએસ્ટર કે ટેરીકોટનનાં કપડાં પહેરવાં વધારે સારાં, કેમકે આવાં કપડાં પર રંગોની અસર થતી નથી.

જે સ્ત્રીઓના વાળ લાંબા હોય, તેમણે વાળનો અંબોડો અથવા ફિટ ચોટલો બાંધી લેવો જેથી રંગ વાળની અંદર ન જાય.

હોળી રમતી વખતે તમારું મોં બંધ રાખો. જેથી રંગ મોઢામાં ન જાય. આ રંગ મોઢામાં થઈને પેટમાં જાય, ત્યારે વધારે ઘાતક સાબિત થાય છે. નાક અને કાનમાં પહેલાં તેલ ચોપડી દો. જેથી રંગ ત્યાં ચોંટે નહીં.

ખ હોળી રમ્યા પછી રંગાયેલા શરીરને ચોખ્ખા ગરમ પાણીથી ધોવું જોઈએ. રંગ કાઢવા માટે કેરોસીન કે મોંઘા રાસાયણિક ડિટર્જન્ટ પાવડર વગેરેનો ઉપયોગ ક્યારેય ન કરવો. પણ હલકા હાથે શરીર પર પ્યુમિક પથ્થર ઘસવો. ચહેરા પર લાગેલો રંગ કાઢવાં ચણાના લોટના ઉબટણનો ઉપયોગ કરવો. તમારી મરજી હોય, તો થોડાં ટીપાં સરસિયું લઈ તેમાં થોડી હળદર અને મેંદી ભેળવી તૈયાર કરેલા મિશ્રણનો ઉપયોગ પણ ઉબટણ તરીકે કરી શકો છો. આ ઉબટણનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાની કોમળતા જળવાઈ રહેશે અને તે શુષ્ક પણ નહીં થઈ જાય.

ખ શરીર પરથી રંગ ધોયા પછી આખા શરીરને નરમ રૂંછાવાળા રૂમાલથી હલકા હાથે લૂછીને કોંરું કરો. બહુ  ઝડપથી ઘસીને શરીર કોરું ન કરવું. પછી ગુલાબજળ અને ગ્લીસરીન ભેગું કરીને તે મિશ્રણ આખા શરીર પર ચોળી થોડી વાર પછી તેને હૂંફાળા પાણીથી ધોઈને લૂછી નાખો. પછી ગરમ કર્યા વિનાના દૂધમાં રૂનું પૂમડું પલાળીને તેનાથી તમારો ચહેરો સાફ કરો. લગભગ એક કલાક પછી તમારી ત્વચા પર ક્લીન્ઝિંગ મિલ્ક કે કોલ્ડક્રીમની માલિશ કરો. હોળીના દિવસે ગ્લીસરીનવાળા સાબુથી નહાવું વધું સારું.

ખ માથાના વાળને ધોતાં પહેલાં બરાબર ખંખેરી નાખો, જેથી વાળમાં ચોંટેલો સૂકો રંગ ખરી જાય. પછી કોઈ સારા શેમ્પુથી બે-ત્રણવાર તમારા વાળ ધુઓ.

ખેંચતાણ કે દોડાદોડીમાં તમારા કીમતી કપડાંને ઘેરો રંગ લાગી જાય, તો તેને તરત જ કોઈ સારા ડિટર્જન્ટથી ધોઈ નાખો. કપડાં પર પેઈન્ટ, ગ્રીસ કે ડામરના ડાઘા પડયા હોય, તો તેમને સાફ કરવા પેટ્રોલ, કેરોસીન અથવા ટર્પન્ટાઈનનો ઉપયોગ કરી તથા તેવાં કપડાંને તડકે સૂકવો.

એક ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે ધૂળેટી રમી લીધા પછી નહાવા માટે પાણી ગરમ કરવા ઘરમાંના હીટરનો ઉપયોગ ન કરવો.

ધૂળેટી રમ્યા પછી ગરમ પાણીએ નહાવા માટે પાણી ગરમ કરવા બાથ રૂમમાંના હીટરનો ઉપયોગ ન કરવો. કેમકે હોળી રમીને આવ્યા પછી ઘરનાં બધાંના શરીર અને કપડાં તથા ઘરની ફરસ વગેરે પણ ભીંની થઈ ગયાં હોય છે. આથી કરંટ લાગવાનો ભય રહે છે.

હોળી ધૂળેટી પરસ્પર પ્રેમ વધારતો તહેવાર છે. એટલે યોગ્ય તો એ જ છે કે એ દિવસે કોઈની સાથે બોલાચાલી ન થઈ જાય તે માટે પોતાના સ્વભાવને કાબૂમાં રાખી અબીલ-ગુલાલથી જ હોળી રમવી અથવા તો કેસૂડાનાં ફૂલોનો રંગ નુકસાનકારક નથી હોતો અને એનાથી કોઈને કોઈપણ જાતની તકલીફ કે માનસિક તાણ પણ નથી થતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VVqNlL
Previous
Next Post »