ડાકોર મંદિરમાં શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાયા

- હોળી નિમિત્તે શ્રીજીને શ્વેત વસ્ત્રો સાથે કિંમતી આભૂષણોથી સજાવાયા

- દર્શન ખુલતા કેસૂડાના જળનો છંટકાવ કરી અબીલ-ગુલાલ સાથે હોળી મનાવી

- મંદિરના દ્વાર ખુલ્યા તે સાથે જ દર્શન માટે ઘુમ્મટમાં ધસારો થયો

- માત્ર મંદિર પરિસર જ નહીં પણ આખા નગરના માર્ગો ઉપર યાત્રિકોની ભીડ


નડિયાદ, તા.09 માર્ચ 2020, સોમવાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડજીના મંદિરમાં આજે સોમવારે ફાગણ સુદ પૂર્ણિમાના ઐતિહાસિક અવસર ટાણે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. જેને કારેણે ડાકોર નગર રણછોડમય બન્યું હતું.પરોઢિયે સવા ચાર વાગ્યે મંગળા આરતી સમયે શ્રીજીના  દર્શન માટે  યાત્રિકોનો ભારે ધસારો થયો હતો. સવારથી મોડી રાત્રે દર્શન બંધ થતા સુધીમાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. સંઘોમાં આવેલા યાત્રાળુઓ  સવારે શણગાર આરતી અને ત્યારબાદના સમયગાળામાં દર્શન માટે   ઉમટી પડયા  હતા. પૂનમના દિવસો દરમ્યાન  અંદાજે લાખો  શ્રધ્ધાળુઓએ  ભગવાન જગન્નાથના દર્શન માટે શિશ નમાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો. 


ફાગણી પૂનમના અવસરે રાજા રણછોડના દર્શનની ઝાંખી માટે અમદાવાદ,વડોદરા,સુરત અને ગુજરાત બહારના અન્ય સ્થળોએથી શ્રધ્ધાળુઓનો મહેરામણ ડાકોરખાતે ઉમટયો હતો. પૂનમની આગલી રાતથી જ મંદિરને જોડતા માર્ગો પરના આડબંધોમાં શ્રધ્ધાળુઓનો જમાવડો થવા લાગ્યો હતો. જેને કારણે સવાર થતા સુધીમાં તો મંદિરથી લઈ છેક વલ્લભનિવાસ સુધીના આડબંધો  દર્શનાર્થીઓના રસાલાથી ખીંચોખીંચ થઈ ગયા હતા.

ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તેમજ  જય રણછોડ, માખણચોરના નાદ સાથે  રાત આડબંધોમાં વીતાવ્યા બાદ વહેલી સવારે સવા ચાર વાગ્યે મંગળા આરતી વખતે જેવા મંદિરના દ્વાર ખુલ્યા તે સાથે જ દર્શન માટે ઘુમ્મટમાં ધસારો થયો હતો. મંગળા આરતી બાદ શ્રીજીને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સોમવારે હોળીનો ઉત્સવ હોવાથી શ્રીજીને સફેદ વસ્ત્રો સાથે માળા, બાજુબંધ, મુરલી, છડી, મુગટ તથા તિલક સહિતના કિમતી આભૂષણોના સુંદર શણવાર સજવામાં આવ્યા હતા. રંગોના અવસર ટાણે શ્રીજીએ પિચકારી પણ ધારણ કરી હતી. સવારે ૮ વાગ્યે ત્રણ ભોગ પછીના દર્શન ખુલ્યા બાદ પિચકારીમાંથી કેસૂડાના જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અબીલ-ગુલાલ સાથે સપ્ત રંગોથી રંગોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે શ્રીજી સન્મુખ આ લ્હાવો મળતા શ્રધ્ધાળુઓ હરખઘેેલા બન્યા હતા. આજે દિવસભર મંદિરમાંથી અબીલ-ગુલાલનો છંટકાવ કરવામાં  આવ્યો હતો. 

ફાગણી પૂનમના આ અલૌકિક પ્રસંગે અમદાવાદ, વડોદરા તથા ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં મહેરામણ ઉમટયો હતો. જેઓ નગરની વિવિધ ધર્મંશાળાઓમાં ઉતારો લીધો હતો, તો ઘણાં સંઘોએ તો નગરના માર્ગો પર જ્યાં પણ જગ્યા મળી ત્યાં રાત  વીતાવી દીધી હતી.  આજે સવારે શ્રૂંગાર આરતી અને ત્યારબાદ આખા દિવસ દરમ્યાન  ધજા લઈને  સંઘોમાં આવેલા યાત્રાળુઓનો દર્શન માટે ધસારો રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી  ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર મંદિરમાં  દર્શનાર્થીઓનો ધસારો ચાલી રહ્યો છે.પૂનમના આ દિવસો દરમ્યાન  લાખો ભાવિકોએ  દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.ફાગણી પૂનમના આ અવસરે માત્ર મંદિર પરિસર જ નહીં પણ આખા નગરના માર્ગો ઉપર યાત્રિકોની ભીડ જોવા મળી હતી.  

રણછોડરાયને બે કિલોનો હાયડાનો હાર પહેરાવાયો

હોળીના અવસર ટાણે આજે રાજા રણછોડરાય મહારાજને અન્ય  આભૂષણાની સાથે હાયડાનો મોટો હાર પહેરાવવામાં આવ્યો હતો.જેનું વજન આશરે ર કિલો જેટલું હતું.દર વર્ષે હોળીના અવસરે પહેરાવવામાં આવતા હાઈડાના આ હારનો અનેરો મહિમા છે. આભૂષણોની જેમ આ હાર પણ શ્રીજીની શોભામાં વધારો કરે છે.

શ્રીજીના દર્શનનો સમય વધતા શ્રદ્ધાળુઓએ મન ભરી દર્શન કર્યા

ફાગણી પૂનમ પર લાખોની સંખ્યામાં આવનાર યાત્રિકોને ધ્યાનમાં લઈ મંદિરના સત્તાવાળાઓ તરફથી ફાગણ સુદ તેરસથી લઈ ફાગણ વદ પડવા સુધી શ્રીજીના દર્શનના સમયમાં ખાસ્સો વધારો ર્ક્યો હતો. જેને કારણે યાત્રિકો એકંદરે સરળતાથી દર્શન કરી શક્યા હતા. મંદિરને જોડતા માર્ગો પર બેરીકેટ સિસ્ટમથી યાત્રિકોને મંદિર સુધી લઈ જવામાં આવ્યા હતા. એ પછી મંદિરમાં પગથિયા પર થઈ ઘુમ્મટમાં શ્રી હરિના દર્શન કર્યા બાદ સીધા ઉત્તર તરફના દરવાજેથી તેઓને બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી  હતી. જેને લઈ મંદિરમાં દાખલ થયા બાદ યાત્રિકો  દર્શન કરી સીધા મંદિરની બહાર નીકળી શકતા હતા. 

કોરોના અને બોર્ડ પરીક્ષાના કારણે યાત્રાળુઓ ઘટયા

યાત્રાધામ ઘામ ડાકોરમાં કોરોના વાઇરસનો ભય જોવા મળ્યો હતો.જેથી ગત વર્ષ કરતા આ વર્ષે યાત્રાળુઓમાં સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત કોરોના વાયરસના કારણે વહીવટી તંત્ર દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ બંધ રાખવામાં આવ્યો હતો.જેની વિપરીત અસર પડી હતી.અને યાત્રાળુઓમાં યાત્રા બંધ રહી હોવાનો ખોટો મેસેજ ગયો હતો.આ ઉપરાંત ફાગણી પૂનમ અને ધો-૧૦ અને ધો-૧૨ બોર્ડની પરીક્ષા સાથે આવી હતી.જેથી પરીક્ષાના કારણે પણ આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોધાયો હોવાની શક્યતા દેખાઇ હતી.

ઠેર ઠેર લગાવેલા આડબંધ જાળી-પતરાં વિઘ્નરૂપ બન્યા

યાત્રાધામ ડાકોરમાં સોમવારે ફાગણી પૂનમ પર સતત ચાર  દિવસ સુધી નગરના  માર્ગો પર ઠેરઠેર લગાવવામાં આવતી લોખંડના આડબંધો તથા જાળી અને પતરાં  નગરજનો ઉપરાંત  યાત્રિકો માટે પણ માથાના દુઃખાવારૂપ પુરવાર થયા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ix9GPd
Previous
Next Post »