
રહેઠાણના વીજ વપરાશકારોને વીજકરમાં રાહત ન આપીને સરકારે અન્યાય કર્યો: માત્ર વીજ વપરાશના ચાર્જ પર વીજકર લેવાને બદલે બિલની સંપૂર્ણ રકમ પર વીજકર લઈને કરાતો અન્યાય દૂર ન કર્યો
ગુજરાત સરકારે ખેડૂતો માટે બજટમાં રૂા.૭૪૨૩ કરોડની પઆળવણી કરી. ખેડૂતોને શૂન્ય વ્યાજ દરે ધિરાણ આપવાની જોગવાઈ કરી. ખેડૂતોને માટે મરજિયાત કરાયેલા પાક વીમાનું પ્રીમિયમ ભરવા રૂા.૧૧૯૦ કરોડની ફાળવણી કરી. પાકનો સંગ્રહ કરવા ખેડૂતો ગોદામ બનાવી શકે તે માટે ગોદામદીઠ રૂા.૩૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાયને સાચવણી થાય તે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને ગાયદીઠ રૂા.૯૦૦નો નિભાવ ખર્ચ આપવાનીજ ાહેરાત કરી. આમ વર્ષ એક ગાયદીઠ રૂા.૧૦,૮૦૦ની સહાય આપી શકાય તે માટે રૂા.૫૦ કરોડની જોગવાઈ કરી. ખેડૂતો માટે પાકને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે હળવા વાહનની ખરીદી પર રૂા.૫૦,૦૦૦થી રૂા.૭૫,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી. ખેડૂત ખાતેદારને અકસ્માત વીમાનો લાભ આપવાની જાહેરાત કરી. ફૂડ પ્રોસેસિંગના એકમોને સહાય આપવા રૂા.૩૪ કરોડની જોગવાઈ કરી.
છતાંય ખેડૂતોના પાયાના પ્રશ્નો ઉકેલાયા નથી. ખેડૂતોની ફરિયાદો ઓછી થતી નથી. ખેતી વાડી માટે ખેડૂતોને નવા જોડાણ આપવાની સંખ્યા છેલ્લા બજેટમાં ૧.૨૫ લાખ હતી,તે આ વરસે વધારીને ૧.૫ લાખ કરવી જોઈએ તેને બદલે આ સંખ્યાઘટાડીને ૧ લાખ કરી દેવામાં આવી છે. દર વર્ષે કૃષિ જોડાણ માટે નવી ૮૦,૦૦૦ અરજીઓ આવે છે તે જોતાં નવા જોડાણ આપવાની સંખ્યા ઘટાડીને ખેડૂતોને સરકારે અન્યાય કર્યો હોવાની છાપ ઊભી થઈ છે. ખેડૂતોને વીજ જોડાણ આપવા માટે સરકાર એક જોડાણ દીઠ રૂા. ૧.૫ લાખનો ખર્ચ કરે છે. આ આંકડાને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો ખેડૂતો માટે કરવામાં આવેલી ફાળવણીમાં એક ઝાટકે રૂા. ૩૭૫ કરોડનો કાપ મૂકી દેવામાં આવ્યો છે.
ખેડૂતોને તેમના પાકની બજાર કિંમત એક સરખી જ મળે છે. પરંતુ તત્કાળમાં કૃષિ વીજ જોડાણ લેનારા ખેડૂતો પાસેથી યુનિટદીઠ ૮૦ પૈસા લેવામાં આવે છે. જ્યારે મીટર આધારિત વીજ જોડાણ ધરાવનારા ખેડૂતો પાસેથી યુનિટદીઠ વીજદર પેટે ૬૦ પૈસા લેવામાં આવે છે. આ ભેદ રાખવો ન જોઈએ. તેનાથી અમુક ખેડૂતોને અન્યાય થાય છે.
નહેરના માધ્યમથી પાણીનો પુરવઠો આપવામાં પણ ભેદ રાખવામાં આવી રહ્યો હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જે ખેડૂતો કાયમી ધોરણે નહેરના પાણી નથી મેળવતા તેમને પ્રતિપાણ એટલે કે એક વાર ખેતરમાં પાણી પીવડાવવાના રૂા. ૩૬૦ ચૂકવવા પડે છે. આ જ રીતે કાયમી સિંચાઈના પાણી મેળવતા ખેડૂતો પાસે પ્રતિપાણ રૂા. ૫૦૦ લેવામાં આવે છે. આ ભેદ પણ ખેડૂતોને કઠી રહ્યો છે. દલીલ આખરે ખેડૂતોને તેમની ઉપજના બજારમાં મળતા ભાવ સમાન છે, પરંતુ તેમને પાક લેવા માટે કરવા પડતા ખર્ચ અસમાન છે. આ બાબતથી ખેડૂતો નારાજ છે.
સરકારે વીજ કરમાં રાહત આપવાની જાહેરાત કરી છે. કોલ્ડ સ્ટોરેજ ચલાવનારાઓ પાસેથી વીજબિલ પર પહેલા ૨૦ ટકાના દરે વીજકર-ઇલેક્ટ્રિસિટી ડયૂટી લેવામાં આવતી હતી. હવ વીજકર ઘટાડીને ૧૦ ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. આજ રીતે ધાર્મિક સ્થળો એટલે કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, નમાઝ પઢવાના સ્થાનકો, સમાધી, સ્મશાનગૃહ, દરગાહ, કબ્રસ્તાાન જેવા સ્થલોના વીજ વપરાશ પર ૨૫ ટકાના દરે જે વીજકર લેવામાં આવતો હતો તે વીજકર ઘટાડીને ગ્રમ્ય વિસ્તારમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારમાં ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે. આમ ૧૦ ટકાથી માંડીને ૧૭.૫ ટકાની રાહત આપવામાં આવી છે. આ બે કેટેગરીમાં મળીને રૂા. ૮.૭૧ કરોડની રાહત આપવામાં આવી છે. તદુપરાંત ૮૧૫ ધર્મશાળાઓના વીજબિલ પર લેવાતા વીજ કરમાં રૂા. ૧.૪૫ કરોડની રાહત આપવામાં આવી છે.
આ જ રીતે દુકાનો, કોચિંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લર, પ્રોવિઝનલ સ્ટોર, સ્ટેશનરીની દુકાન, મોબાઈલની દુકાન સહિતની સંખ્યાબંધ કેટેગરીમાં આવતી દુકાનો અને વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના પ્રોફેશનલ્સના એકમોના વીજબિલ પર લેવામાં આવતો વીજ કર ૨૫ ટકાથી ઘટાડીને ૨૦ ટકા કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ રહેઠાણની કેટેગરીના વીજ વપરાશકારના બિલ પર લાગતા વીજ કર પર કોઈ જ ઘટાડો કરવાનું પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું નથી. આમેય રહેઠાણના વીજવપરાશ કારના વીજવપરાશના દર પર જ વીજ કર લાગવો જોઈએ. તેને બદલે બિલની સંપૂર્ણ રકમ પર વીજ કર વસૂલીને તેમને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અન્યાય પણ બજેટના માધ્યમથી દૂર કરવામાં આવ્યો નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39cGhWc
ConversionConversion EmoticonEmoticon