
ચીનનો કોરોના વાઇરસ સમગ્ર વિશ્વ માટે ગંભીર સમસ્યા સાથે શિરદર્દ બની રહ્યો છે. વિશ્વના ૫૩ દેશોમાં ઘાતક કોરોના વાઇરસની અસરો જોવા મળી છે. અમેરિકામાં કોરોના ફેલાવવાની આશંકા છે. સાનફ્રાંસિસકોમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે. દક્ષિણ કોરિયા, ઇરાન, ઇરાક, ઇટલી જેવા અનેક દેશોમાં કોરાના વાઇરસના મામલા બહાર આવી રહ્યા છે. ગ્લોબલ ઇકોનોમી સ્લોડાઉન થઇ રહી છે. કાચુ તેલ, મેટલ, એગ્રી સહિત મોટા ભાગની કોમોડિટીઝ ઘટાડા તરફ આગળ વધી રહી છે. કોરોનાની અસરથી એક માત્ર સોનુ આજકાલ રોકાણકારો માટે સબસલામત સેફ હેવન લાગતાં બજારમાં લાલઘૂમ તેજી સતત આગળ વધી રહી છે. કોરોના વાઇરસને કારણે અમેરિકાના શેર બજાર ડાઉજોન્સ સૂચકાંકમાં પાંચ ટકાના ઘટાડાની સાથે સાથે ભારતીય શેર બજાર પણ ગયા અઠવાડિયે ભારે ધબધબાટી સાથે તૂટીને ઇતિહાસ બનાવી રહ્યા છે. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં સેન્સકોડમાં ૧૬૨૪ પોઇન્ટનો સૌથી મોટો કડાકો શેરબજારમાં થયો હતો.
કોરોના વાઇરસને લીધે શેરબજાર ભારે વેચવાલીની અસરથી કોમોડિટી બજાર પણ સરેરાશ બે ટકા તૂટયું છે. કાચા તેલમાં પણ વાયદો ત્રણ ટકા તૂટીને સ્થાનિક બજારોમાં ભાવો ૩૨૧૯ પ્રતિ બેરલના સ્તરે નીચા આવ્યા છે. વૈશ્વિક સ્તરે પણ કાચા તેલના ભાવો ૧.૨ ટકાના ઘટાડા સાથે ૫૦ ડોલરની આસપાસ ભાવો ઘટાડા તરફી જઈ રહ્યા છે. ભારત કાચા તેલનું સૌથી મોટું આયાતકાર રહ્યું છે. આજકાલ ભારતની કાચાતેલની આયાત અમેરિકા પાસેથી દશ ગણી વધારે છે. બે વર્ષ અગાઉ દૈનિક ૨૫૦૦૦ બેરલ કાચા તેલની આયાત થતી હતી. જેમાં આજે નોંધપાત્ર વધારા સાથે અઢીલાખ બેરલની દૈનિક આયાત અમેરિકાથી થઇ રહી છે. ઓપેક દેશો ઉપર સંપૂર્ણ આધારિત થવાય નહિ તે હેતુથી વિવિધતા લાવવા માટે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારતની કાચા તેલની કુલ ૧૧.૧૪ કરોડ ટન તેલની ખરીદી પૈકી મોટાભાગની ખરીદી ઇરાકથી થાય છે. ભારત ઇરાક પાસેથી વર્ષે દહાડે સરેરાશ સાડા ચારથી પાંચેક કરોડ કાચા તેલની ખરીદી કરે છે.
કોરોના વાઇરસને કારણે LME ઉપર મેટલ કોમોડિટી પણ તૂટી રહી છે. ચીનમાં મેટલનો સૌથી વધુ ઉપયોગ થાય છે ચીનમાં આજકાલ ધંધા રોજગાર ઠપ્પ હોવાથી માંગ શૂન્ય થઇ જતાં મેટલ ચીજોની માંગમાં નોંધપાત્ર ઘટાડાની અસરથી ભાવો ઉપર પ્રેસર વધી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં એલ્યુમિનીયમની કિંમતો સરેરાશ એક ટકો તૂટીને ૧૬૭૬ ડોલર પ્રતિ ટન જે ૪૦ મહિનાના નીચા સ્તરે પહોંચી ગઈ છે. સાથે નીકલની બજાર દોઢ ટકા ઘટીને ૧૨૧૮૫ ડોલર અને તાંબુ એક ટકો તુટીને ૫૫૫૨ ડોલરના નીચા ભાવે છે. વુહાન સહિત ચીનના મોટાભાગના શહેરોમાં બજારો તથા ઉદ્યોગો બંધ પડયા છે.
કોરોના વાઇરસને કારણે પશ્ચિમ એશિયામાં સૌથી વધારે ગભરાટ છે. સાઉદી આરબે હજ ઉપર પ્રતિબંધ લગાવતાં એર ઉદ્યોગને પણ ભારે ધક્કો લાગી રહ્યો છે. ભારતીય બજારોમાં લગભગ ૮૦ ટકા સુધી ફાર્મા ઇન્ગ્રીડિએન્ટસ ચીનથી આયાત થાય છે. જેમાં જેનરિક દવાઓ સૌથી વધુ આવે છે. ચીનથી આવતી દવાનો સપ્લાય બંધ થઇ જતાં ભારતીય બજારોમાં દવાઓના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત ભારતમાંથી નિકાસ થતા મસાલા ચીજો સુકા મેવા તેમજ અન્ય ખાધ પદાર્થોના ચીનના વેપારો હાલમાં સંપૂર્ણ બંધ થઇ જતાં લોકલ સ્તરે માલની ખપત ઓછી થતાં ભાવો ઉપર પ્રેસર વધતાં બજારો સતત તૂટી રહી છે. જેમ કે ભારતથી જીરાના માલોની નિકાસ પૈકી ૨૫થી ૩૦ ટકા ચીનની નિકાસ અટકી જતાં જીરા બજારમાં માલોનો ભરાવો વધવાની સાથે સાથે આ વર્ષે રવિ સીઝનમાં દોઢાથી વધારે ઉત્પાદન થવાની ગણત્રીએ જીરાના હાજર તથા વાયદામાં ગભરાટના મોજાના કારણે બજાર મંદી તરફી આગળ વધી રહી છે.
આ વર્ષે કૃષિ પાકોમાં તેલીબીયાં, દાળો, મસાલા ચીજોનું ઉત્પાદન વિક્રમજનક ઉત્પાદન સાનુકૂળ આબોહવાને કારણે રોગરહિત રહ્યું છે. દાળોમાં સૌથી વધુ વપરાશ ધરાવતા ચણામાં છેલ્લા દશેક વર્ષમાં ભારતે સ્વાવલંબન સાથે ઉત્પાદન બમણું કરીને ૧.૧૨ કરોડ ટનની આસપાસ મોખરે છે. બમ્પર ઉત્પાદનની સામે વપરાશ નહિ હોવાથી ખેડૂતોને ટેકાના ભાવો કરતાં નીચી કિંમતો મળી રહી છે. ચણામાં હજુ પણ દશેક ટકા બજાર તુટવાની શક્યતાઓ પ્રવર્તી રહી છે. ચણાના ટેકાના ભાવો કરતાં ૧૮થી ૨૦ ટકા નીચે ૪૮૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે બજાર હાલમાં છે. ચણા વાયદો ૪૦૦૦થી નીચે ચાલી રહ્યો છે.
ગવાર ગમમાં એડીશનલ સર્વેલન્સ માર્જીન લાગતાં બજાર ઘટાડા તરફી રહી છે. વાયદો લગભગ ૨.૫ ટકાના ઘટાડા સાથે છ હજારની સપાટીએ નીચે છે. જ્યારે ગવાર સીડ વાયદો પણ છેલ્લા બે મહિનામાં ૪૨૦૦થી તુટીને ૩૬૦૦ની આસપાસ નીચે મંદી તરફી સતત રહ્યો છે. ધાણામાં પણ સુસ્ત માંગને કારણે છેલ્લા બે માસમાં વાયદો ૭૦૦૦થી તુટીને ૬૦૦૦ નીચે જઈ રહ્યો છે. આજ સ્થિતી એરંડા બજારમાં છે. એરંડા વાયદો છેલ્લા બે માસમાં ૪૩૦૦થી તુટીને ૩૮૦૦ સુધી નીચે રહ્યો છે. ડુંગળીના પાકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહિ મળી રહ્યા હોવાથી સરકારે ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કરીને બજાર તુટતુ અટકાવવા પ્રયાસ કર્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TdTPLv
ConversionConversion EmoticonEmoticon