આણંદ, તા.09 માર્ચ 2020, સોમવાર
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ અંગે ખાસ સતર્કતા લેવામાં આવી રહી છે. આણંદ નગરપાલિકા સંચાલિત જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસના સંભવિત દર્દીઓ માટે સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે બહારથી આણંદ જિલ્લામાં આવેલ કુલ ૭૩ પ્રવાસીઓ પૈકી ૩૦ પ્રવાસીઓના ઓબ્ઝર્વેશન પૂર્ણ થયા છે જ્યારે ૪૩ પ્રવાસીઓ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે.
કોરોના વાયરસને લઈને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવી રહી છે. કોરોના વાયરસ સામે લડવા માટે જિલ્લામાં પેટલાદ સિવિલ હોસ્પિટલ, આણંદ સિવિલ હોસ્પિટલ, કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ સહિત આણંદની ત્રણ ખાનગી હોસ્પિટલ મળી કુલ ૬ હોસ્પિટલોમાં આયસોલેશન વોર્ડની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં આઈએમએ સાથે મીટીંગ કરાઈ હતી તેમજ જિલ્લાના તમામ મેડીકલ ઓફિસર મળી કુલ ૧૮૦ ર્ડાક્ટરોનો વર્કશોપ યોજી તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સેટકોમના માધ્યમથી પેરામેડિકલ સ્ટાફને પણ માર્ગદર્શિત કરાયા હતા. સાથે સાથે મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસર અને કોમ્પ્યુટનીટી હેલ્થ ઓફિસરને તાલીમ આપી કોરોના વાયરસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં બહારથી આણંદ ખાતે આવેલ ૭૩ જેટલા પ્રવાસીઓની તપાસ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ આણંદ તાલુકાના કુલ ૪૨ પ્રવાસીઓ આણંદ ખાતે આવતા તે પૈકી ૨૨ પ્રવાસીઓના ઓબ્ઝર્વેશન પૂર્ણ કરાયા છે જ્યારે ૨૦ પ્રવાસીઓ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે. ઉપરાંત આંકલાવના ૨, બોરસદના ૫, ખંભાતના ૧૫, પેટલાદના ૨, સોજિત્રાના ૧, તારાપુરના ૧ અને ઉમરેઠ તાલુકાના ૫ પ્રવાસીઓ મળી કુલ ૭૩ પ્રવાસીઓ પૈકી ૩૦ પ્રવાસીઓના ઓબ્ઝર્વેશન પૂર્ણ થયા છે જ્યારે ૪૩ પ્રવાસીઓ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે.
કેટલાંક સ્થળે બેડ અને વેન્ટીલેટર મુકાયા
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને લઈને આણંદ નગરપાલિકા હોસ્પિટલ ખાતે ૨૫ બેડની સુવિધાવાળુ આયશોલેશન વોર્ડ શરૂ કરાયું છે તથા ૧૦ બેડની સુવિધાવાળુ વેન્ટીલેટર સાથેના અલગ વોર્ડની સુવિધા ઉભી કરાઈ છે. આ સાથે જિલ્લામાં ૩૨ ફોરેન્ટેન વોર્ડ તૈયાર કરાયા છે. ૮ નાપામાં, ૧૪ આંકલાવ સીએચસી અને ૧૦ વાસદ સીએચસી મળી આણંદ જિલ્લામાં ૩૨ ફોરેન્ટેન બેડ અને ૨૫ આઈસોલેશન બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. વધુમાં તેઓએ ચાઈના, જાપાન સહિતના દેશોમાં આવતા દર્દીઓને અલગથી રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IyrOs3
ConversionConversion EmoticonEmoticon