
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૧૭૦૦ ડોલર ઉપર ગયા પછી ઝડપી ગબડી નીચામાં ૧૫૨૦ ડોલર થઈ જતાં વિકલી કડાકાનો નવો રેકોર્ડ સર્જાયો
વિશ્વબજારમાં કોરોના વાયરસનો વ્યાપ વધવા છતાં સોનાના ભાવોમાં અઠવાડીયા દરમિયાન ૧૬૫ ડોલર પ્રતિ ઔંસનો ઘટાડો નોંધાતા સોનું નીચામાં ૧૫૨૦ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થતું હતું.
૭ વર્ષ બાદ સોનાએ ૧૭૦૩ ડોલર પ્રતિ ઔંસની સપાટી તાજેતરમાં તોડયા બાદશુક્રવારે ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં ૧૫૨૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરતું હતું. ૨૦૧૯ના વર્ષના સોનાના ભાવો કરતા ૨૦૨૦માં સોનાના ભાવમાં કડાકોે નોંધાયો છે ત્યારે શેરબજાર કકડભૂસ થતા લાલ પટ્ટાની રેન્જમાં આવ્યું છે. સોનામાં નફારૂપી વેચવાલીએ સોનાના ભાવો ઘટાડયા છે.
ગોલ્ડમેનસાચ જણાવે છે કે 'સોનું કોરોના વાયરસના ચેપથી મુક્ત છે' ગોલ્ડમેન સાચના છેલ્લા રીપોર્ટમાં જેરૂ કયુરી જણાવે છે કે વૈશ્વિક નાણાકીય કટોકટી તથા મંદીએ કિંમતી ધાતૂની માંગમાં ઉછાળો લાવ્યો છે તથા તેલના ૩૦-૩૦ ડોલર પ્રતિ બેરલના કકડભૂસ થયેલા ભાવને કારણે નવી કટોકટી ઉભી થઈ છે.
તેલના ભાવોના જબ્બર નરમાઈને કારણે કોમોડીટીના જંગલમાં નવો દાવાનળ ભભૂકી ઉઠયો છે તથા સોવરેન બોન્ડના વળતરમાં નકારાત્મક વલણ જોવા મળતા બજારમાં નવી કટોકટીની ભીતી સર્જાઈ છે. અમેરીકી બોન્ડનુ ંવળતર છેલ્લા ૭ વર્ષની નીચી સપાટી ૦.૬૦% વળતર ડોલરને નરમ કરે છે અને સોનાના ભાવને ઉંચે જવા ટેકો આપે છે.
સોનાના ભાવ પર પ્રભાવ પાડતા નીચેના કારણો જવાબદાર બને છે.
(૧) કોરોના વાયરસનો ભય.(૨) તેલના ૩૦ ટકા જેટલો ઘટેલા ભાવો.(૩) છેલ્લા દશ વર્ષ બાદ અમેરીકા બોન્ડનું વળતર ૦.૫૦% થતા અમેરીકન અર્થતંત્ર માટે તેલના ઘટતા ભાવોના સહયોગે સારા લક્ષણ નથી દેખાતા તથા વૈશ્વિક મંદી સૌ દેશના બારણે દસ્તક દઈ રહી છે.(૪) શુક્રવારે બજારમાં નવુ પેનીક નોંધાયું ત્યારે ચીન વિશ્વમાં સોનાની ખાણો ખરીદવા નીકળ્યું છે.અમેરીકામાં ૨૦૦૧થી ૨૦૧૯ સુધીમાં સોના રોકાણમાં કેટલું વળતર મળ્યું તે જોઈએ.
૨૦૦૧માં ૨.૫ ટકા, ૨૦૧૨માં ૨૪.૭ ટકા ૨૦૦૩માં ૧૯.૬ ટકા, ૨૦૦૪માં ૫.૩ ટકા, ૨૦૦૫માં ૨૦ ટકા, ૨૦૦૬માં ૨૩ ટકા, ૨૦૦૭માં ૩૦.૯ ટકા, ૨૦૦૮માં ૫.૬ ટકા, ૨૦૦૯માં ૨૩.૪ ટકા, ૨૦૧૦માં ૨૯.૫ ટકા, ૨૦૧૧માં ૧૦.૧ ટકા, ૨૦૧૨માં ૭ ટકા, ૨૦૧૩માં- ૨૮.૩ ટકા નકારાત્મક વળતર ૨૦૧૪માં- ૧.૫ ટકા, ૨૦૧૫માં ૧૦.૪ ટકા, નકારાત્મક વળતર, ૨૦૧૬માં ૯.૧૨ ટકા, ૨૦૧૭માં ૧૩.૬ ટકા, ૨૦૧૮માં- ૨.૧ ટકા નકારાત્મક વળતર ૨૦૧૯માં ૧૮.૯ ટકા તથા ૨૦૨૦માં આશરે ૮ ટકા વળતર મળશે અને આ સર્વે વર્ષ ન્યુ સરેરાશ વળતર ૧૦.૪ ટકા મળ્યું છે.
આમ વિશ્વબજારમાં સોનાના રોકાણકારોને સારું એવું વળતર મળતા સૌ કોઈ સલામત એવા સ્વર્ગ સમા સોનામાં રોકાણ કરીને પોતાની મૂડીને ફુગાવાથી બચાવી રહ્યા છે. વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં મોટી પ્રતિ ઔંસની વધઘટ નોંધાઈ છે અને શુક્રવારે ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં ચાંદીનો ભાવ ૧૪૫૦થી ૧૪૫૫ સેન્ટ પ્રતિ ઔંસ ક્વોટ થતો હતો.
છેલ્લા ૪ વર્ષથી ચાંદીની ખાણોનું ઉત્પાદન સતત ઘટાડા તરફ રહ્યું છે. ત્યારે ચીન, ભારત, યુરો ઝોન તથા ઉત્તર અમેરિકાથી ચાંદીની માંગ વધી રહી છે અને લાંબા ગાળે ચાંદીની અછત વર્તાશે. પરિણામે ચાંદીના ભાવો ઉંચકાશે.
ચાંદીના ભાવમાં વધવાથી ઉત્પાદન વધતું નથી તે પણ સમજવું જરૂરી છે. ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં લાંબા ગાળાના ચાંદીના સોદાઓ વધતા જાય છે અનેલાંબા ગાળે ચાંદીના ભાવો ઉછળીને ૫૦ ડોલરને પાર કરે તેવી શક્યતા છે.સ્થાનિક બજારમાં સોનાનો ભાવ જીએસટી વગર વૈશ્વિક બજારની નરમાઈએ રૂ.૪૧૦૦૦ પ્રતિ દસ ગ્રામની અંદર ઉતરી ગયા.બુધવારે વાયદો તથા હાજર સોનાનો વગર બીલના ભાવ વચ્ચે રૂ.૧૦૦૦ પ્રતિ દસ ગ્રામ ઉંચે ક્વોટ થતો હતો તે ગુરુવારે સવારે ગાળો ઘટતા વાયદા અને હાજર સોનાના ભાવ વચ્ચે રૂ.૮૦૦ પ્રતિ દસ ગ્રામનો રહ્યો.
ભારતમાં કોરોનો વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે ઘરાકીની અછત, પૈસાની નાણા ભીડ, મોંઘવારી વિગેરેના કારણે લોકો સોનાની ખરીદીમાં કાપ મૂકીને રોકાણમાં ઓછા નાણાં રોકતા સોનું જીએસટી વગર રૂ.૪૧૦૦૦ પ્રતિ દસ ગ્રામની નજીક ઉતરી ગયું અને ડોલર સામે રૂપિયો રૂ.૭૪નો ભાવ ક્વોટ કરતા સોનાની પડતર પર તેનો પ્રભાવ પડે છે. પણ સોનામાં હવે મંદી પ્રવેશી છે તેવું લાગતા રોકાણકારોએ આ ઉંચા ભાવે સોનાની ખરીદી કરવામાં સાવચેતી વર્તવાની જરૂર છે. તેલના ઘટેલા ભાવથી ભારતના અર્થતંત્ર પર કેવી અસર પડે છે તે લાંબા ગાળે જણાશે. શો-રૂમમાં ઘરાકી ઓછી છે. હોલસેલ દાગીનાના વેપારીઓ નવો માલ નથી બનાવતા અને સ્ટોકને વેચવાનો આગ્રહ રાખે છે.
આયાતકારો મર્યાદીત સોનું મંગાવે છે. દાણચોરીના સોનાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાથી દાણચોરીનું સોનું ઓછા પ્રમાણમાં આવે છે.એકંદરે સોનું રૂ.૪૧૫૦૦ રૂ.૪૩૦૦૦ પ્રતિ દસ ગ્રામ વચ્ચે અથડાશે તેવું જણાય છે. સ્થાનિક ચાંદી બજારમાં વૈશ્વિક ચાંદીના તૂટતા ભાવે ચાંદીના ભાવમાં મોટો પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે તથા ભાવ ગબડી જીએસટી વગર રૂ.૪૧૦૦૦ પ્રતિ કિલો ક્વોટ થતા ચાંદીના ભાવમાં રૂ.૧૨૦૦નો ઘટાડો નોંધાયો છે. ચાંદીનો વેપાર કરતા બુલીયનના વેપારીઓ રૂ.૨૦૦ ફેરે ચાંદીના સોદા કરે છે અને સાંજે દરેક સોદાઓ સરખા કરીને સ્ટોક યથાવત જાળવીને નફો બાંધે છે.એકંદરે ચાંદીના ભાવો અસ્થિર રહેશે અને રૂ.૪૧૦૦૦થી ૪૨૦૦૦ પ્રતિ કિલોના ભાવ વચ્ચે અથડાશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2INk6dw
ConversionConversion EmoticonEmoticon