ફોર્ડ વર્સિસ ફરારી: એક્ઝિક્યુટિવ વર્સિસ આમ આદમી!


જગતની બે ખ્યાતનામ કાર ઉત્પાદક કંપની 'ફોર્ડ' અને 'ફરારી' વચ્ચેની સ્પર્ધાની આ ફિલ્મમાં વાત છે. સ્પર્ધા બેશક માર્કેટ સર કરવાની છે, પરંતુ એ માટે યોજાતી સ્પર્ધા, આઈડિયાબાજી, બન્ને કંપનીઓ વચ્ચેની ચડભડ, કોર્પોરેટ પોલિટિક્સ, કાર રેસિંગની રમઝટ.. વગેરેને કારણે ફિલ્મ કોઈપણને મજા કરાવે એવી છે...

ડિરેક્ટર: જેમ્સ મેનગોલ્ડ

કલાકાર: ક્રિશ્ચિયન બેલ, મેટ્ટ ડેમન, ટ્રેસી લેટ્સ, જોશ લુકાસ, 

રિલિઝ: ઑગસ્ટ, ૨૦૧૯

લંબાઈ: ૧૫૨ મિનિટ

જગવિખ્યાત મોટર ઉત્પાદક કંપની ફોર્ડની બોર્ડ મિટિંગ ચાલી રહી છે. ટેબલના છેડે ફોર્ડના માલિક હેનરી ફોર્ડ દ્વિતિય (હેનરી ફોર્ડના પૌત્ર) બેઠા છે. લંબગોળ ટેબલની બન્ને તરફ એક્ઝિક્યુટિવ અધિકારીઓ સૂટ-બૂટમાં સજ્જ થઈ, ટાઈ પહેરીને બેઠા હતા. સામે છેડે માર્કેટિંગ અધિકારી કંપનીનું વેચાણ ઘટી રહ્યુ છે કેમ કે ફોર્ડની ગાડી હવે આઉટ ઑફ ફેશન છે, એવુ સમજાવી રહ્યો હતો. ફોર્ડ કંપની સ્થપાયાના છ-સાડા છ દાયકા પછી પહેલી વાર ૧૯૬૩માં તેના વેચાણમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો હતો. એટલે જ હેનરી ફોર્ડ માથા પર બચેલા થોડો વાળ ખંજવાળી રહ્યા હતા અને કર્મચારીઓને તો પહેલેથી તેમણે તમે બધા નકામા છો એવુ કહી દીધું હતું. હવે કંઈક રસ્તો શોધવા આ મિટિંગ મળી હતી.

માર્કેટિંગ વિભાગનો હેડ લી લાકોકા મિસ્ટર ફોર્ડ અને અન્ય સિનિયર અધિકારીઓને એ સમજાવવા પ્રયાસ કરી રહ્યો હતો કે 'હવેની યુવા પેઢીને જૂનવાણી ડિઝાઈનની ફોર્ડ નથી જોઈતી. હવેની પેઢીને 'લમાન રેસ' જીતી શકતી ફરારી ગમે છે. માટે આપણે ફરારી જેવી સ્પર્ધા જીતી બતાવે એવી ગાડી બનાવવી જોઈએ'. મિટિંગમાં હાજર વાઈસ પ્રેસિડેન્ટ લિઓએ આખી વાત હસવામાં કાઢીને કહ્યું કે 'ફરારી એક વર્ષમાં નથી બનાવતા એટલી ગાડી ફોર્ડ રોજ બનાવે છે.. આપણે વળી ફરારી જેવા થવાનું... વગેરે વગેરે... ?' તો પણ લી પોતાની વાત પર અડગ હતો, તેણે સામી દલીલ કરી,  'દુનિયાના મહાન કાર ઉત્પાદકોમાં હેનરી ફોર્ડ સાથે ફરારીના માલિક એન્ઝો ફરારીનું નામ પણ શામેલ છે જ.. ભલે એ વર્ષમાં અમુક સો ગાડી બનાવે અને આપણે અમુક લાખ..' ટૂંકમાં ઉત્પાદન સંખ્યાનું, કંપની મોટી હોવાનું કે આંકડા મોટાં હોવાનું મહત્ત્વ ન હતું. પરિવર્તન જરૂરી હતું. એટલે હેનરી ફોર્ડે પરિવર્તન માટે છૂટ આપી 'જાઓ રેસિંગ કાર બનાવાની તૈયારી કરો'.

મોટર કંપની હોવા છતાં ફોર્ડ માટે રેસિંગ કાર તૈયાર કરવી ઘણુ અઘરું કામ હતું. એમાં ઘણા વરસ લાગે... એટલે એવો આઈડિયા અપાયો કે ફરારી જ ખરીદી લઈએ તો! આમેય એ સમયે કંપની વેચાવાની તૈયારીમાં હતી. ફોર્ડના અધિકારીઓ પ્રસ્તાવ લઈને વૃદ્ધ એન્ઝો પાસે ગયા. પ્રસ્તાવ રજૂ કર્યો. જમાનાના ખાધેલ એન્ઝોએ પ્રસ્તાવનો અભ્યાસ કર્યા પછી કહ્યું કે 'તમારો બોસ હેનરી ફોર્ડ અસલી ફોર્ડ નથી, અસલી ઉદ્યોગપતિ તો તેના દાદા હતા. તમે બધા તો તેમની સફળતા પર ચડી બેઠા છો..' ટૂંકમાં પ્રસ્તાવ ઠૂકરાવી દીધો, અપમાનિત કરી રવાના કરી દીધા.

ફોર્ડ માટે હવે પ્રતિષ્ઠાનો સવાલ હતો. રેસમાં ઉતરવું જ રહ્યું. રેસિંગ કારને સમજી શકે એ માટે પહેલા તો રેસિંગ ડ્રાઈવર જોઈએ. 'શેલ્બી અમેરિકન' નામની નાનકડી કસ્ટમાઈઝ કારની કંપની ચલાવતા કેરોલ શેલ્બીને જવાબદારી સોંપી. કેરોલે અગાઉ ૧૯૫૯માં એસ્ટોન માર્ટિન પર સવાર થઈ લમાન રેસ જીતી ચૂક્યો હતો. હૃદયની બિમારીને કારણે હવે એ રેસમાં ઉતરી શકે એમ ન હતો. એટલે કેરોલે આછી-પાતળી ઓળખાણ ધરાવતા મિત્ર કેન માઈલ્સને સાધ્યો. કેન નાનકડું ગેરેજ ચલાવતો હતો. આર્થિક રીતે ભાંગી ચૂક્યો હતો, સારા કામની શોધમાં પણ હતો. ગાડી દૂર ઉભી હોય તેનો અવાજ સાંભળીને જ એ કારનો બાયોડેટા કહી દેતો હતો. કાર વિશેનું તેનું જ્ઞાાન અસાધારણ હતું, પરંતુ બેકાર જિંદગી જીવી રહ્યો હતો. એ સ્વભાવે જરા મનમોજી હતો. 

કેરોલ-કેનની જોડીએ કામ શરૂ કર્યું. કેરોલ પાસે બીજા અમુક કારના જાણકાર માણસો હતા, જેમની પણ મદદ મળતી હતી. ગાડી મોડીફાઈડ કરે, ટ્રેક પર, અન્ય રસ્તા પર ટેસ્ટ કરે, જરૂરી સુધારા કરે, ફરી દોડાવે.. એ પ્રકારે કામગીરી શરૂ કરી. એ દરમિયાન નાના-મોટા અકસ્માત પણ થયા. કાર રેસિંગમાં અકસ્માતને તો કોણ ટાળી શકે? કેનનો ટીનેજર દીકરો પિટર પણ આ રેસમાં બહુ રસ લેતો હતો. 

આ તૈયારીમાં વધુ રસ લેનારો બીજો વ્યક્તિ હતો ફોર્ડ કંપનીનો સિનિયર એક્ઝિક્યુટીવ લિઓ. સિનિયર હોવા છતાં તેનું વર્તન સિનિયર પ્રકારનું ન હતું. તેને ફોર્ડ જીતે એના કરતાં પોતાનું ધાર્યું કામ થાય એવી કામગીરી વધારે પસંદ હતી. એટલે એ વારંવાર કેરોલ-કેનની કામગીરીમાં ઘોંચપરોણા કર્યા કરતો હતો. વળી લિઓને કેન સાથે વળી અંગત વાંધો હતો. કેનનો મનમોજી સ્વભાવ લિઓને માફક આવતો ન હતો. માટે લિઓએ કેરોલને કહ્યું કે તારી બધી શરત મંજૂર પણ ડ્રાઈવર તરીકે કેન નહીં..!

એક દિવસ કેરોલની મુલાકાત હેનરી ફોર્ડ સાથે થઈ. કેરોલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચાર દીવાલ વચ્ચે બેઠેલા એક્ઝિક્યુટિવ રેસ અંગેના નિર્ણય લે એવી રેસ સાત પેઢી સુધી જીતી ન શકાય. રેસ જીતવી એ ગાડીના ખૂણે ખૂણાને જાણતા ડ્રાઈવરનું કામ છે, એસી ચેમ્બરમાં બેસીને આદેશ ફરમાવતા એક્ઝિક્યુટિવ્સનું નહીં. હેનરી ફોર્ડે બધા જ નિર્ણયો લેવાની કેરોલને છૂટ આપી. પરંતુ ફરીથી લિઓએ તેમાંય આડો પગ કર્યો. એટલે કેરોલે ફોર્ડ સામે નવી શરત મુકી. જો કેન '૨૪ અવર્સ ડીટોના રેસ' જીતે તો જ તેને લમાનમાં મોકલવો.. કેરોલને વિશ્વાસ હતો કે કેન જીતશે જ. થયું પણ એવું જ. એ જીતી ગયો એટલે આખા જગતની સૌથી જૂની અને ૨૪ કલાક સુધી ચાલતી અઘરી કાર રેસ લમાનમાં મોકલવા કેન પસંદ થયો. લિઓને આ નિર્ણયમાં પોતાની હાર દેખાઈ. એટલે તેણે ફોર્ડ વતી બીજી ગાડીઓ પણ રેસમાં ઉતારી. 

નિર્ધારિત સમયે સ્પર્ધામાં ભાગ લેવા ફ્રાન્સના લમાન ટ્રેક ખાતે દુનિયાભરમાંથી રેસરો આવી પહોંચ્યા. એક તરફ હેનરી ફોર્ડ હતા, બીજી તરફ એન્ઝો ફેરારી પણ હતા. બન્ને એકબીજા સામે આંખોથી લડી રહ્યાં હતા અને તેમની બનાવેલી ગાડીઓ ટ્રેક પર લડવા ઉતરી ગઈ હતી.

રેસ શરૂ થઈ.. સમમમમ કરતી ગાડીઓ રવાના થઈ. એક પછી એક રાઉન્ડમાં ક્યારેક ફરારી તો ક્યારેક ફોર્ડ આગળ આવતા જતા હતા. બાકીના રેસર તો પાછળ હતા. કેનની ગાડીનો દરવાજો જ બંધ ન થતો હતો, એ સિવાય પણ કેટલીક મુશ્કેલીઓ પડી રહી હતી. પરંતુ કેનની હિંમતમાં તસુભાર ઘટાડો થતો ન હતો... એક રાઉન્ડના અંતે ફરારીની કાર પણ બહાર ફેંકાઈ ગઈ. હવે સ્વાભાવિક રીતે ફોર્ડની સામે, કેનની સામે કોઈ સ્પર્ધા ન હતી. પણ નહીં અંત સાવ એવોય નથી જેવો ધારી લેવામાં આવે.. એ ફિલ્મમાં જ જોવો રહ્યો.

ઑફિસમાં બેઠેલા એક્ઝિક્યુટિવ કરતાં ગ્રાઉન્ડ પર કામ કરતા સામાન્ય કર્મચારીની, આમ આદમીની સમજણ વધુ હોય એ આ ફિલ્મમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે ચાર ઑસ્કર માટે નોમિનેટ થયેલી ફિલ્મને ફિલ્મ એડિટિંગ અને સાઉન્ડ એડિટિંગ એમ બે એવૉર્ડ મળ્યાં હતા. કાર રેસનો સાઉન્ડ પણ દર્શકોને થ્રીલ કરાવે એ બહુ જરૂરી છે.


ફિલ્મનો સૌથી મોટો પડકાર: રેસિંગ

ફિલ્મ સત્યઘટના પર છે, એટલે જે કોઈ પાત્રો છે એ સાચા જ છે. જેમ કે કેરોલ શેલ્બીએ પછીથી જગતના સર્વોત્તમ કાર ડિઝાઈન તરીકે નામના કાઢી હતી. ફિલ્મમાં છેલ્લી રેસ ઘણી લાંબી ચાલે છે. રેસનો સબંધ ઝડપ સાથે છે, પરંતુ એ દૃશ્યો તો દર્શકોની ધિરજની કસોટી લે છે. સાથે સાથે એ પણ નોંધવા જેવુ છે કે આ રેસ દર્શાવવા માટે ફિલ્મ સર્જકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આઈએમબીડીમાં લખ્યા પ્રમાણે અડધી સદી પહેલાનો રેસિંગ ટ્રેક દર્શાવવા માટે વિવિધ સ્થળોએ શૂટિંગ કરવું પડયું. તેનાથી મુશ્કેલીએ થઈ કે રેસના દૃશ્યો બરાબર એકબીજા સાથે ફીટ થવા જોઈએ. ફિલ્મના એડિટિંગ દ્વારા એ કામ સુપેરે થઈ શક્યું. ફિલ્મમાં લમાન (Le Mans) રેસ મુખ્ય હોવાથી અમુક દેશોમાં ફિલ્મ Le Mans 66 નામે રિલિઝ થઈ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PQjgRm
Previous
Next Post »