અનિલ કપૂર સ્ટાર, સુપરસ્ટાર અને હવે એવરગ્રીન કલાકાર


અનિલ જાણે છે કે એના ઘણા સમકાલીનોની કારકિર્દી સમેટાઈ ગઈ છે, પણ પોતે આજે પણ થનગનતા વછેરા જેવો છે એનું શ્રેય અનિલ ફિટનેસ અને પોઝિટિવનેસને આપે છે. 

અનિલ કપૂર બોલીવુડમાં લગભગ ચાર દાયકાથી કાર્યરત છે. પ્રત્યેક દાયકે એની ઓળખ બદલાતી જાય છે. એક્ટર તરીકે એણે પદાર્પણ કર્યું, પછી હીરો બન્યો, સુપર સ્ટાર બન્યો અને હવે ઉંમરના આ તબક્કા પર એ હવે એવરગ્રીન કળાકાર તરીકે ઓળખાય છે. એની ફિટનેસ અને તંદુરસ્તીનો આગ્રહી છે અને વીસીમા રહેલા હીરોને શરમાવે એટલી સ્ફૂર્તિથી શૂટિંગ કરે છે. બિનવિવાદાસ્પદ અને મળતાવડો હોવાને કારણે અનેક ડિરેક્ટરોનો એક ફેવરીટ અભિનેતા છે. અર્જુન-મલાઈકાના પ્રેમપ્રકરણ પછી સલમાન ખાને બોની કપૂર સાથેના સમ્બન્ધ તોડી નાખ્યા પણ અનિલ કપૂર સાથે એની દોસ્તી આજે પણ બરકરાક છે. હવે એ મોહિત સૂરીની મલંગમાં પોલિસ અધિકારીની ભૂમિકામાં નજરે ચડયો છે. જોકે આ પાત્ર ગ્રે શેડનું છે. ચાર દાયકામાં પથરાયેલી કારકિર્દીમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી એણે અપાર લોકપ્રિયતા હાંસલ કરી છે.

અનિલ કહે છે એ થાક્યો નથી પણ આમછત્તા કોઈક વાર એને બ્રેક લેવાની ઈચ્છા થાય છે. એની કારકિર્દીના પહેલા દાયકામાં એકથી અધિક પરિબળોએ એને કાર્યરત રાખ્યો હતો. એ નાણા કમાવા માગતો હતો અને શક્ય હોય એટલી ફિલ્મમાં કામ કરવા માગતો હતો. તો બીજા દાયકામાં એણે મેળવેલી પ્રતિષ્ઠા બરકરાર રહે એ ઉદ્દેશથી ફિલ્મોની ઓફર સ્વીકારતો હતો. રૂપ કી રાની ચોરો કા રાજા (૧૯૯૩)નો એ પ્રોડયુસર હતો અને આ ફિલ્મમાં એને જંગી ખોટ ગઈ હતી. ત્રીજા દાયકામાં એ આર્થિક રીતે સ્થિર અને પગભર હતો. એ એની કારકિર્દી શક્ય એટલી લાંબી કરવાના પ્રયત્નો કરતો હતો. પણ આજે એ વૈવિધ્યસભર ભૂમિકાઓ જ સ્વીકારે છે. દીકરી પરણી ગઈ છે અને બીજા બે સંતાન પણ ઠીકઠાક છે.

અનિલ કહે છે કે દીકરીઓ સોનમ અને રિહા અને દીકરો હર્ષવર્ધન બહાદુરીપૂર્વક કામની પસંદગી કરી રહ્યા છે. ત્રણેય સંતાનોએ જુદા જુદા માર્ગ પસંદ કર્યા છે. એણે પણ કારકિર્દીની શરૂઆતમાં નીડરતાથી પાત્ર પસંદગી કરી હતી પણ સંતાનો જેટલી નહીં. એના પર પગભર બનવાની જવાબદારી હતી. જ્યારે સંતાનો આર્થિક જવાબદારીમાંથી મુક્ત છે. પસંદગીની વાત આવે ત્યારે સંતાનો નાણા નથી જોતા પણ મહત્વાકાંક્ષી બની વિષય-વસ્તુની પસંદગી કરે છે. એણે લમ્હે(૧૯૯૧), લવ સ્ટોરી (૧૯૯૪), ઈશ્વર (૧૯૮૯) અને માય વાઈફ મર્ડર (૨૦૦૫) જેવી પ્રયોગશીલ ફિલ્મો સ્વીકારી હતી. અનિલ કહે છે કે એની નિકટના લોકો તથા દર્શકો ભલે એનામાં એક સેલિબ્રિટીના દર્શન કરતા હોય પણ એક અભિનેતા તરીકે એણે હંમેશાં બળકટ વિષયોનું ધોરણ જાળવ્યુ છે.

અનિલ જાણે છે કે એના ઘણા સમકાલીનોની કારકિર્દી સમેટાઈ ગઈ છે, તો અમુક કલાકારો નાના રોલથી સંતોષ માને છે. પણ પોતે આજે પણ થનગનતા વછેરા જેવો છે એનું શ્રેય અનિલ ફિટનેસ અને પોઝિટિવનેસને આપે છે. એક તબક્કે તાલ, બિવી નં.વન અને સ્લમ ડોગ મિલિયોનેર જેવી ફિલ્મોમાં એણે પણ મહત્ત્વના ન કહી શકાય એવી ભૂમિકાઓ સ્વીકારી હતી. પરંતુ એ સંબંધો ટકાવવા. જોકે અંગત રીતે એ પાત્રની અવધિને ઝાઝું મહત્ત્વ નથી આપતો.

અનિલનો પુત્ર હર્ષ હવે અભિનય બિન્દ્રાની બાયોપિકમાં દેખાવાનો છે. આ ફિલ્મમાં અનિલ કપૂર સ્ક્રીનશેર કરશે એ ફાઈનલ છે. મોટેભાગે એ હર્ષના પિતાની ભૂમિકા ભજવશે. આમ રીઅલ લાઈફ પિતા-પુત્રની જોડી રીલ લાઈફમાં પણ પિતા-પુત્ર બનશે. જોકે અનિલ લમ્હેમાં શ્રીદેવીના પિતાની ભૂમિકા ભજવી ચૂક્યો છે એમ કહી શકાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3axs9au
Previous
Next Post »