છેલ્લા એક મહિનામાં ૨૦૦થી વધુ કંપનીઓએ ડિવિડન્ડ જાહેર કર્યું...ગત વર્ષે આ સમયમાં ૯૦ કંપનીઓએ જાહેરાત કરી હતી
આગામી પહેલી એપ્રિલથી બજેટ દરખાસ્તો પૈકીની કેટલીક દરખાસ્તોનો અમલ શરૂ થશે તો બીજી તરફ નવા નાણાંકીય વર્ષથી વિવિધ સ્તરે હાલના નિયમોમાં ફેરફાર અથવા તો બદલાવ આવશે. આ મુદ્દાને લઈને હાલ વિવિધ સ્તરે કવાયત ચાલી રહી છે. આ કવાયતમાં આંખે ઉડીને વળગે તેવી બાબત હોય તો તે છે કે કંપનીઓ દ્વારા ચૂકવાતું ડિવિડન્ડ બજેટ દરખાસ્ત મુજબ નવા નાણાંકીય વર્ષથી ડિવિડન્ડ આવક પર ટેક્સ અમલી બનનાર હોઈ કંપનીઓમાં ડિવિડન્ડ ચૂકવવા માટે ઘોડાપુર ઉમટયા છે.
કેન્દ્રીય બજેટમાં રજૂ થયેલ નવી ટેક્સ જોગવાઈને પગલે એપ્રિલથી રોકાણકારના હાથમાં ડિવિડન્ડ આવક પર ૪૩ ટકા સુધીનો ટેક્સ લાગુ પડશે. પહેલી ફેબુ્રઆરીથી અત્યાર સુધી ૨૦૪ કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ૨૦૧૯માં આ સમયગાળામાં ૯૦ કંપનીઓ અને ૨૦૧૮માં ૯૮ કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
હાલમાં ઘરેલુ કંપનીઓના શેરહોલ્ડર્સે રૂા. ૧૦ લાખ સુધીની ડિવિડન્ડ આવક પર કોઈ ટેક્સ ભરવો પડતો નથી. હાલમાં રૂા. ૧૦ લાખથી વધુની ડિવિડન્ડ આવક પર ૧૦ ટકા ટેક્સ લાગુ પડે છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી) નાબૂદ થયા બાદ ડિવિડન્ડ મેળવતા વ્યક્તિએ તેમના સંબંધિત ટેક્સ સ્લેબ (જે ૪૩ ટકા સુધી ઉંચો છે.) મુજબ ટેક્સ ભરવો પડશે.
મોટા ભાગના પ્રમોટર્સ માલિકો વ્યક્તિગત રીતે અથવા ટ્રસ્ટ મારફતે તેમનો ઇક્વિટી હિસ્સો ધરાવે છે અને તેઓ ઉંચા ટેક્સ સ્લેબમાં આવે છે. તેથી પ્રમોટર્સ માલિકોએ પહેલી એપ્રિલથી ડિવિડન્ડ પર ૪૩ ટકા સુધી ટેક્સ ભરવો પડશે.
પ્રમોટર્સ હોલ્ડિંગ ઉંચુ હોય તેવી કંપનીઓ ૩૧ માર્ચ પહેલા ડિવિડન્ડની જાહેરાત કરવા માટે ધસારો કરે છે. બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં ૮૦૦ ટકા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આની સામે કંપનીએ ફેબુ્રઆરી ૨૦૧૯માં ૧૦૦ ટકા અને ફેબુ્રઆરી ૨૦૧૮માં ૭૫ ટકા ડિવિડન્ડ આપ્યું હતું.
૨૦૦૨માં પણ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનો આવો ધસારો જોવા મળ્યો હતો. તે સમયે નાણાંપ્રધાન યશવંતસિંહાએ શેરહોલ્ડર્સના હાથમાં ડિવિડન્ડને કરપાત્ર બનાવ્યું હતું.
૨૦૦૭-'૦૮ના બજેટમાં તત્કાલીન નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી)ને ૧૨.૫ ટકાથી વધારીને ૧૫ ટકા કરવાની જાહેરાત કરી હતી તે સમયે ૩૦૦ કંપનીઓએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
આમ, નવા નાણાં વર્ષથી ડિવિડન્ડ આવક પર વેરાનો ઉંચો દર અમલી બનનાર હોઈ કંપનીઓ દ્વારા ડિવિડન્ડ જાહેર કરવાની હોડ લાગી હોય તેવું વાતાવરણ સર્જાવા પામ્યું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vOT8iZ
ConversionConversion EmoticonEmoticon