હીરાની નિકાસ પર કોરોનાનો પડછાયો


નવા ૨૦૨૦ના કેલેન્ડર વર્ષનો પ્રારંભ કોરોના વાઇરસના પ્રકોપ સાથે થયા બાદ આ વાઇરસ પ્રબળ બનવાના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્રને આંચકો આપ્યો છે. આ પ્રતિકૂળતામાંથી ભારત પણ બાકાત રહ્યું નથી. ભારતના પણ અનેક ઉદ્યોગો પર તેની પ્રતિકૂળ અસર થવા સાથે ઇક્વિટી બજારને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. રેટિંગ એજન્સી ક્રિસીલે રજૂ કરેલા રિપોર્ટ મુજબ હીરાની નિકાસમાં ભારતનો જે દબદબો હતો તે આ વખતે ભૂંસાઈ જશે. ભારતમાંથી થતી હીરાની નિકાસ પર પણ કોરોનાની પ્રતિકૂળ અસર થવા પામી છે.

દેશને હીરાની નિકાસમાં ૨૦૨૦-'૨૧ના અંત સુધીમાં પાંચમા ભાગનો ફટકો પડતાં તે ૧૯ અબજ ડોલર સુધી મર્યાદિત રહી શકે છે, તેની પાછળનુ મુખ્ય કારણ વૈશ્વિક માંગમાં નરમાઈ સાથે કોરોના વાઇરસનો ફેલાવો છે. ૨૦૧૮-'૧૯માં ભારતની હીરાની નિકાસ ૨૪ અબજ ડોલર હતી. આગામી નાણાંકીય વર્ષમાં દેશની નિકાસ ઘટી શકે છે અથવા તો સ્થિર રહી શકે છે. તેનું કારણ એ છે કે વર્ષના બીજા ભાગમાં કોઈ સંકોચન પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાની નરમાઈને શોષી લેશે.

વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતની હીરાની કુલ નિકાસ વાર્ષિક ધોરણે ૧૮ ટકા ઘટી હતી. આ નિકાસમાં ૪૦ ટકા હિસ્સો હોંગકોંગનો છે, જેના લીધે છેલ્લા એક વર્ષથી સ્થાનિક બજારોની સ્થિર સ્થિતિને અસર થઈ નથી. પરંતુ આ વર્ષે ૧૫ જાન્યુઆરીથી હોંગકોંગમાં હીરાની નિકાસ જ થઈ નથી.

વર્તમાન નાણાંકીય વર્ષમાં છેલ્લા ક્વાર્ટરમાં નિકાસ સતત ઘટતી રહેશે, ભારત દક્ષિણપૂર્વી એશિયાઈ પ્રાંતમાં તેની કુલ નિકાસની ત્રીજા ભાગની નિકાસ કરે છે. આ વિસ્તારમાં લંબાવાયેલી રજાઓ અને કોરોનાના ફેલાવાને લીધે એકલા આ ક્વાર્ટરમાં જ એક અબજ ડોલરનો ફટકો પડી શકે તેમ છે. કોરોનાની અસર ઉદ્યોગ પર એવા સમયે આવી છે ત્યારે જ્યારે ઉદ્યોગ આમ પણ નબળી માંગની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હોંગકોંગમાં ચાલતા રાજકીય સંઘર્ષની પણ અસર પડી છે. હવે જો આગામી સમયમાં કોરોના વાઇરસનો ફેલાવો શમી જશે તો પણ વેપારને સામાન્ય થતા અને હોંગકોંગની માંગ ફરીથી આગામી નાણાંકીય વર્ષના મધ્યાંતર સિવાય ઉંચકાય તેમ જણાતું નથી.

તેમાં ય વળી હોંગકોંગમાં ઘણાં લાંબા સમયથી અસ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં ત્યાંથી થતા પેમેન્ટ વિલંબમાં પડશે તો પ્રતિકૂળતા પ્રબળ બનશે તેની સાથોસાથ આ મુદ્દાની ગંભીર અસર નિકાસકારોની તરલતા પર પણ જોવા મળશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUPYT0
Previous
Next Post »