મેકઅપને બદલે માસ્ક પહેરીને થઇ રહ્યાં છે ડેસ્ટિનેશન વેડિંગ્સ
હમણાં વિશ્વભરમાં કોરોના વાઇરસની ભીતિ એવી ફેલાઇ છે કે ડેસ્ટિનેશન વેડિંગ માટે જતાં લોકોનેે પોતાની સાથે સેનિટાઇઝર્સ, ટિશ્યુઝ, એમ્બ્યુલન્સ, ચોવીસે કલાક તબીબ ઇત્યાદિની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.
આપણે ત્યાં હમણાં લગ્નસરા ચાલી રહી છે. વર-વધૂ અને તેમના પરિવારજનો ઉપરાંત મહેમાનો પણ સરસ મઝાના વસ્ત્રાભૂષણો પહેરી, શણગાર સજીને વિવાહમાં મહાલી રહ્યાં છે. પરંતુ બે મિનિટ માટે એમ વિચારો કે આ લોકોએ ચહેરા પર માસ્ક લગાવ્યાં છે, તેઓ થોડી થોડીવારે સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરી રહ્યાં છે,લગ્ન સ્થળે એકાદ-બે તબીબ અને એક એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે તો તમને કેવું લાગે? ખેર..., આ કોઇ કલ્પના નથી, પણ હકીકત છે.અલબત્ત,ભારતમાં નહીં.
ભારતનો પૈસાપાત્ર વર્ગ ડેસ્ટિનેશન વેડિંગ માટે પંકાયેલો છે. થાઇલેન્ડ, મલયેશિયા, વિયેટનામ જેવા દેશોમાં પસંદગીના લોકોને બારાતી તરીકે લઇ જઇને લગ્ન કરવાની પ્રથા શ્રીમંતોમાં સામાન્ય થઇ પડી છે. પરંતુ હમણાં વિશ્વભરમાં કોરોના વાઇરસની ભીતિ એવી ફેલાઇ છે કે ડેસ્ટિનેશન વેડિંગ માટે જતાં લોકોનેે પોતાની સાથે સેનિટાઇઝર્સ, ટિશ્યુઝ, એમ્બ્યુલન્સ, ચોવીસે કલાક તબીબ ઇત્યાદિની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.
વાસ્તવમાં જ્યારે કોરોના વાઇરસનો ભય ફેલાવાનો આરંભ થયો ત્યારે વેડિંગ પ્લાનરોના પરસેવા ે છૂટી ગયા હતાંે. તેઓ એમ માનવા લાગ્યાં હતાં કે હવે તેમની ગ્રાહકો પોતાના સુનિશ્ચિત થયેલા સ્થળે લગ્ન કરવા નહીં આવે. પરંતુ ડેસ્ટિનેશન વેડિંગ કરનારાઓને પણ એમ લાગ્યું હતું કે છેલ્લી ઘડીએ નિર્ધારિત સ્થળ રદ્દ કરી દઇએ તો પછી લગ્ન કરવા ક્યાં. અંત ઘડીએ નવું સ્થળ શોધવા ક્યાં જવું અને નવેસરથી સઘળી વ્યવસ્થા શી રીતે કરવી. આ બધું કાર્ય કપરું જણાતાં તેમણે નિર્ધારિત સ્થળોએ જ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે વેડિંગ પ્લાનરોને હાશકારો થયો.
થોડાં દિવસ પહેલા જ રાજેશ ગુપ્તા થાઇલેન્ડ ખાતે પોતાના પુત્રના વિવાહ સંપન્ન કરીને ભારત પરત ફર્યો. તે કહે છે કે અમે ૧૦૦ જણ મારા દીકરાના લગ્ન સંપન્ન કરીને પાછા આવી ગયાં છીએ. અલબત્ત, અમે આરંભથી લઇને ભારત પાછા ફરવા સુધી ચોક્કસ પ્રકારની તકેદારીઓ રાખી હતી. તેઓ તેના વિશે માહિતી આપતાં કહે છે કે અહીંથી નીકળવાથી પહેલાં જ અમે બધાએ અમારા તબીબનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને ભીડભાડ ભર્યાં સ્થળોની મુલાકાત ટાળવાની,દર થોડી થોડીવારે હાથ ધોતાં રહેવાની સલાહ આપી હતી.અમે અમારી સાથે 'એન૯૯' અને 'એન ૯૫' માસ્ક લઇગયાં હતાં. આ માસ્ક પહેર્યા વિના અમે બહાર ન નીકળતાં. અમે શક્યત: અમારી હોટેલમાં જ રહેતાં. અમે જાહેર સ્થળોએ જવાનું ટાળ્યું હતું.
જોકે થાઇલન્ડમાં જ ડેસ્ટિનેશન વેડિંગ માટે ગયેલા અન્ય બારાતીઓ ત્યાંના જાહેર સ્થળોએ ફરવાની લાલચ નહોતાં રોકી શક્યાં. પરંતુ ચોક્કસ પ્રકારની સાવચેતી રાખીને. તેઓ ઊંચી ગુણવત્તા ધરાવતા માસ્ક પહેરતાં,સ્થાનિક લોકોથી સલામત અંતર રાખતાં, હેન્ડ સેનિટાઇઝર હાથવગું રાખતાં અને કોઇપણ ખરીદી કરતાં કે ચલણને અડકતાં કે તરત જ હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરતાં.
વિનોદ મેહરાએ ફેબુ્રઆરી માસમાં થાઇલેન્ડમાં યોજેલા પોતાના પુત્રના વિવાહ દરમિયાન એક તબીબની વ્યવસ્થા કરી હતી. તે કહે છે કે મેં મારા બારાતીઓની યાદીમાં એક તબીબનો ઉમેરો કર્યો હતો. અમારા મહેમાનોને થાઇલેન્ડ આવતાં ડર લાગતો હતો. તેથી અમે તેમને તેમની સલામતીની ખાતરી કરાવવા ઇચ્છતા હતાં. અમારી સાથે ચોવીસે કલાક એક તબીબ રહેતાં. તેના સિવાય અમે પૂરતાં માસ્ક, આલ્કોહોલયુક્ત હેન્ડ સેનિટાઇઝર, સાબુઓ, ટિશ્યુઓ ઇત્યાદિની વ્યવસ્થા રાખી હતી. અમે છેલ્લી ઘડીએ લગ્ન સ્થળ બદલવા નહોતા માગતા. અમે ઘણાં મહિનાઓ પહેલાથી અમારા પુત્રના વિવાહનું આયોજન શરૂ કરી દીધું હતું. તેને માટે અગાઉથી જ નાણાંની ચૂકવણી કરી દેવામાંઆવી હતી. જો અમે નિર્ધારિત સ્થળે લગ્ન કરવાનું રદ્દ કરત તો અમને આર્થિક નુક્સાન તો થાત જ, સાથે સાથે અમારી લાંબા સમયની આયોજનની મહેનત પણ એળે જાત. ભારત અને અન્ય દેશોમાંથી મળીને અમારા કુલ ૨૫૦ જેટલાં મહેમાન હતાં.
ટૂંક સમયમાં કૃતિકા સિંહની પુત્રીના લગ્ન પણ થાઇલેન્ડ ખાતે લેવાના છે. કોરોના વાઇરસના ભયને પગલે આરંભના તબક્કામાં તે પણ ચિંતામાં પડી ગઇ હતી. પણ અન્યોના તકેદારીના પગલાં સાથેના અનુભવોને પગલે તેનામાં પણ દીકરીને નિર્ધારિત સ્થળે પરણાવવાની હિમ્મત આવી. તે કહે છે કે અમે આગોતરાં પગલાંરૂપે બધા માટે સેનિટેશન કિટ્સ લઇ જઇશું. આ સિવાય મિનરલ વોટર, ફેસ માસ્ક્સ,તબીબની વ્યવસ્થા રાખીશું. લગ્ન સ્થળે કટોકટીની સ્થિતિ પેદા થાય તો તેને પહોંચી વળવા અમે એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખીશું. ભોજનમાં પણ અમે માંસાહાર ન રાખાવાનું નક્કી કર્યું છે. તેણે વધુમાં કહ્યું હતું કે મેં અમારા વેડિંગ પ્લાનર સમક્ષ કોરોના વાઇરસ બાબતે ચિંતા વ્યક્ત કરી ત્યારે તેણે મને કહ્યું હતું કે અહીંની સરકાર પણ આ જીવલેણ વ્યાધિ પ્રત્યે સચેત થઇ ગઇ છે. અહીંના વહીવટકર્તાઓએ વિમાન મથકથી લઇને જાહેર સ્થળોએ હેન્ડ સેનિટાઇઝર્સની વ્યવસ્થા કરી છે. અમે અમારા બધા ગ્રાહકોને આગ્રહપૂર્વક કહીએ છીએ કે તેમણે સચેત રહેવાની અને તકેદારી રાખવાની આવશ્યક્તા છે. ગભરાવાની નહીં.
- વૈશાલી ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VYwL5b
ConversionConversion EmoticonEmoticon