હવે તો આ વાઘ જ મારો ધણી : દેવલ


દેવને પણ જેનાં રૂપ દઝાડે એવી દેવલને વાઘની સાથે હેતપ્રીત કરતી જોઇને અંતરમાં ઇર્ષાની આગ આંટા લેવા માંડી. દેવલના દેવાંશી રૂપથી દાઝેલાએ એક દિ' વાઘને ઝેર દીધું 

અષાડનું આભ ગોરંભાયું છે, અંબરની આડાં ચાર ચાર થરા વાદળાનાં પડ બંધાઇ ગયા છે, પિયુવિયોગે વલવલતી વિજોગણનાં કાળજાં ફફડાવતી વ્રમંડમાંથી વીજળી વસુંધરાનાં વારણાં લઇ રહી છે, સામસામા બે ડુંગર આથડે એમ આભમાં વાદળાં આથડયાંને અનરાધારે મેે મંડાઇ ગયો, પાણીના જાણે પરનાળા મુકાઇ ગયાં.

એવે ટાણે નરબદાને કાંઠે આવેલા દોથા જેવડા દામન ગામથી થોડેક છેટે બ્રહ્મપુત્રી દેવલ ઉભી ઊભી બે કાંઠે કોગળા નાખતી નરબદાનું રૂપ નિરખી રહી છે, વરસાદનો તોર જોઇ રહી છે.

અઢાર વરસની અવસ્થાને ઓળંગી ગયેલી દેવલના દેહ ઉપરથી દેવાંશી રૂપ વરસાદના ફોરામાં નીતરી રહ્યું છે, રાતદિ' વગડો વેઠીને કાળજાની ને કાંડાની બળુકી થઇ ગયેલ દેવલના અંગ ઉપર યૌવનનો ઓથાર ઉપસી આવ્યો છે.

ભાઇ-ભાભી સાથે જંગલનાં ફળ-ફૂલ ને લાકડાં વેચી ગુજરાન કરતી દેવલની નજર નદીના પૂરમાં તણાઇ આવતા તોતીંગ ઝાડવા ઉપર વારંવાર ઝળુંબી રહે છે, ઉપરવાસ છોટાઉદેપુરનો અધોર જંગલ, ટીમરૂ ને મહુવા, સાગ ને ચંદન, વેલા અને વનરાજીઓથી વીંટળાયેલું પંખીઓના કલરવથી કૂંજતું...રાની પશુઓની ડણકોથી ડરાવતું જંગલ.

આવા જંગલના ઝાડવાને ઝાપટ મારી મૂળમાંથી ઊખેડી તાણતી નરબદાનાં નીર આજે ઉતાવળે પગલે ઊપડી રહ્યાં હતાં. ત્યાં તો દેવલના નાકે સુગંધને પારખી.... ચંદનનું ઝાડવું ! દેવલે ચણીઆનો કછોટો માર્યો નરબદાનાં નીર હારે હેતપ્રીત તો બાળપણની. શિકાર માથે ચિત્તો છલાંગ મારે એમ છલાંગ મારી, કાંઠેથી જઇ પડી પાણીમાં અને બીજી છલાંગે ચંદનના થડ માથે ઘોડો પલાંગી ગઇ. થડ નમ્યું ને ડાળીઓ ઊંચી થઇ. ડાળીઓ ઊંચી થાતાં ડાળીને વળગેલા કાળોતરે થડ માથે આવીને સૂપડા જેવી ફેણ માંડી અને બીજી બાજુથી ડાળીઓના ઝૂંડમાંથી વાઘનું બચ્ચું કૂદીને થડ માથે આવ્યું. દેવલ મૂંઝાણી. બબ્બે કાળ સામે મંડાઇ ગયા. દેવલે ઠરીને ઠીંગરાઇ ગયેલા વાઘના બચ્ચાને બાથમાં લીધું. બચ્ચાને જાણે હૂંફ મળી. નજરનું સંધાન સૂપડા જેવી ફેણ માથે મંડાયેલું છે, ડોલતા નાગની ફેણ માથે વાઘના બચ્ચાની મીટ મંડાણી. મંડાતા ભેગી જ પંજાની પ્રાછટ મારી. નાગનું ભોડુ છુંદાઇ ગયું, પણ વાઘનું બચ્ચું પાણીમાં પડી ગયું. દેવલે વાઘના બચ્ચાને બહાર કાઢી પાછું થડ ઉપર બેસાર્યું. ને ઝાડને કાંઠા તરફ તાણવા લાગી. કાંઠે લાવીને વાઘના બચ્ચાને તાપણું કરી તપાવ્યું.

પણ હાડોહાડમાં ગારદ થયેલી ટાઢ ઊડી નહિ, રાત પડવા આવી. કોઇ ઉપાય સૂઝતો નહોતો. મટીઆર ઘરનાં બારણાં ભીડયાંને દેવલે વાઘના બચ્ચાને ગોદમાં લીધું. દેહની ગરમી દેવા માંડી. જોબનના હુંફાળા દેહમાંથી ઊઠતી ગરમીએ વાઘને ચેતના આપી. બન્નેની આંખમાં ઊંઘનાં ધારણ વળી ગયાં.

દિવસ ઊગતાં ભાભીએ કમાડ હડસેલી જોયું તો દેવલ વાઘને બાથમાં લઇને પડી છે, એની આંખ્યું ફાટી ગઇ. નરજાતના પશુ હારે પોઢેલી દેવલને જોઇને એ ડણફી, 'એક ભવમાં કેટલા ભવ 

કરશો ?'

દેવલ ઝબકીને જાગી ગઇ, અંગ ઢાંકીને બોલી,

'કાં ભાભી.'

'કાં તે શું... પશુ હારે પોઢ્યાં ને હવે પુરુષ હારે પોઢશો ?'

દેવલની આંખ્યું ધરતી ખોતરવા લાગી. મોટી બે આંખોની પાંપણો ઉપર આંસુનાં તોરમ બંધાઇ ગયાં.

'ભાભી, આ દેવલ એક ભવમાં બે ભવ નહિ કરે.'

'ત્યારે.'

'હવે તો આ વાઘ મારો ધણી. હું એને દેહ દઇ ચૂકી.'

'ગાંડાં થયાં કે શું ?'

'ગાંડી કો તો ગાંડીને ડાહી કો તો ડાહી. આજથી અમારૂં ખોરડું નોંખું.' કહીને દેવલે ખેતરમાં ઝૂંપડું વાળ્યું. વાઘને લઇને નોખી રહેવા જતી રહી. ભાઇ અને ગામ લોકોએ ખૂબ સમજાવી પણ દેવલ એકની બે ન થઇ.

મકાઇના રોટલા, ભગરીનાં ધી - દૂધ ખાઇને વાઘ ગજુ કરી ગયો. 

દેવલ પત્નીની જેમ વાઘની તહેનાતમાં 

રહેવા લાગી. દેવને પણ જેનાં રૂપ દઝાડે એવી દેવલને વાઘની સાથે હેતપ્રીત કરતી જોઇને અંતરમાં ઇર્ષાની આગ આંટા લેવા માંડી. દેવલના દેવાંશી રૂપથી દાઝેલાએ એક દિ' વાઘને ઝેર દીધું ને વાઘ આંખના પલકારામાં ઢળી પડયો.

દેવલ મોતની પથારીએ પોઢેલ પતિને આંસુભીની આંખે નીરખી રહી. જંગલમાંથી લાકડાં ભેગાં કર્યા. ચિતા ખડકી, વાઘને ચિતા ઉપર સુવાડયો, પોતે સોળે શણગાર સજ્યા અને ચિતા ઉપર પલાંઠી વાળી બેઠી. વાઘનું માથું ખોળામાં લઇ ચિતાને ચેતવી, ભડ ભડ સળગતી ચિતામાં દેવલનો દેહ વાઘ સાથે ખાખ થઇ   ખાખમાં મળી ગયો.

(નોંધ : દેવી દેવલની ખાંભી આજે પણ આ જગ્યાએ મોજુદ છે.)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wYYPes
Previous
Next Post »