વાર્તાવિશ્વ: ધ સ્ટ્રગલ ઓફ ધ આઉટલાયર્સ


ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

''જે આપણો પહેલો પ્રેમ હોય છે એની સાથે આપણે ભાગ્યે જ લગ્ન કરીએ છીએ.''

ઓ. હેન્રી 

હોલકોમ્બે બહાર જોયું. એણે એક યુવાનને દરવાજામાંથી અંદર આવતા જોયો. એ યુવાન ગર્વભેર ચાલી રહ્યો હતો. એનો ચહેરો લીસ્સો અને આક્રમક હતો પણ ખરાબ નહોતો.

પૂર્વાર્ધ:

(નોંધ : પ્રસ્તુત વાર્તા ટૂંકી વાર્તાનાં મહાન સર્જક ઓ. હેન્રીની ઓછી જાણીતી વાર્તાઓ પૈકીની એક છે. 'સ્ટ્રગલ' એટલે કઠણ પરિસ્થિતિ વચ્ચે સખત મહેનત કરવી. અને 'આઉટલાયર'  એટલે એવી વ્યક્તિ કે વસ્તુ, જે મુખ્ય સમુદાય કે સીસ્ટમથી દૂર રહેતી હોય છે. આખી વાર્તા એવી એક વ્યક્તિની ભારે જાહેમતની છે, જે શહેર બહારનાં વિસ્તારમાં રહે છે.

આ વાર્તા 'એવ્રીબડીઝ મેગેઝિન'નાં ઓગસ્ટ, ૧૯૦૨નાં અંકમાં  પ્રથમ વખત પ્રકાશિત થઇ હતી. અમેરિકાનાં ટેક્સાસ સ્થિત ઓસ્ટિન હિસ્ટ્રી સેન્ટરમાં 'ઓ. હેન્રી પ્રોજેક્ટ' હેઠળ આ મેગેઝિનની ડિજિટલ પ્રત સચવાયેલી છે. જેનું વર્ણન છે : અ શોર્ટ સ્ટોરી અબાઉટ ટૂ મેન ફાઈટિંગ ઓવર અ સેઈમ વૂમન- એક જ સ્ત્રી માટે લડતા બે પુરુષોની ટૂંકી વાર્તા. છે ને આ એક અહનશ રસપ્રદ વિષય? પણ આ ઓ. હેન્રી છે અને એનો ટ્રેડમાર્ક ટ્વિસ્ટ પણ તો છે...)

શહેરનાં છેવાડાની એક ચોક્કસ શેરી પાસે લોરેન્સ હોલકોમ્બે આજે ફરીથી ટ્રામને ઊભી રખાવી અને ઉતરી ગયો. હોલકોમ્બ દેખાવડો સાધનસંપન્ન ધંધાર્થી હતો. એની ઉંમર ૪૦ વર્ષની હતી. એ સમાજમાં અગ્રણી હતો અને ઉચ્ચ વર્ગ સાથે તેનો ઘરોબો હતો. એનું આરામદાયક ઉપનગરીય ઘર અહીંથી તો હજી પાંચેક માઈલ દૂર હતું. પણ છેલ્લા કેટલાંક સમયથી ઘણીવાર આ જ શેરી પાસે ટ્રામને ઊભી રખાવીને એ ઊતરી જતો હતો. 

કંડક્ટરે પોતાના આ નિયમિત મુસાફર સામે જોઈ આંખ મીચકારી અને ઝડપથી ઊતરી રહેલા હોલકોમ્બ તરફ ડોકું ધુણાવ્યું. 

''અહીં વહેલા ઉતરવાનું હવે નિયમિત થતું જાય છે, નહીં?'' એ ઉતરતો હતો ત્યારે કન્ડક્ટરે ટિપ્પણી કરી હતી. 

ટ્રામમાંથી ઉતરીને હોલકોમ્બ પથરાળ શેરીમાં સાવચેતીપૂર્વક આગળ વધ્યો.  શેરીની બંને બાજુઓમાં રમતા ચીંથરેહાલ તોફાની છોકરાઓ અને બંને તરફ વેરાયેલો પતરાનો ભંગાર સામાન એને ચાલવામાં ત્રાસરૂપ અને અડચણરૂપ હતા. એ એક નાનકડા ઘર પાસે અટક્યો. ઘરની આજુબાજુ નાનકડી વાડ હતી. આંગણાનો કેટલોક ભાગ પથ્થર જડેલો હતો. થોડા છાયાદાર વૃક્ષો અર્ધવિકસિત અવસ્થામાં ઊગેલા હતા. એક પડછંદ આધેડ વયની સ્ત્રી દરવાજા પાસે રાખેલી કુંડીમાં કપડાં ધોઈ રહી હતી. એણે પાછું વળીને જોયું. હોલકોમ્બનો પરિચિત ચહેરો જોઈ એણે સ્મિત ફરકાવ્યું. આ સ્મિત પાછળ પોતાને કંઈક ધનલાભની અપેક્ષા હોય, તેવું જણાઈ આવતું હતું. 

''ગુડ એવનીંગ, મિસ્ટર હોલકોમ્બ, તમે જ ફરીથી... કેમ?..... સાયેબ કેમ છો? હા,  કેટી તો અંદર જ હશે''

''તમે એની સાથે મારા વિષે વાત કરી?' હોલકોમ્બે ધીમા અવાજમાં વાત આગળ વધારતા પૂછયું, ''તમે તો મને વચન આપ્યું હતું કે મારા માટે એની સંમતિ મેળવી આપવા માટે તમે મારી મદદ કરશો.''

''ચોક્કસ, અને મેં એમ કયરું પણ છે. પણ સાયેબ, તમે તો જાણો જ છો કે છોકરિયું તો છોકરિયું જ હોય. તમે ઈને જેટલા મનામણા કરો એટલું જ ઈને વધારે જોર ચઢે. હવે તમે જાતે ઈને મનાવો તો જ કંઈ થાય. અને ઈવું થાય તો હારું. હું તો ઈને કઉં જ સું કે આનાથી વધારે હારું તને કિયા મળવાનું છે? અને એ ડાહી છોકરી છે, સાયેબ. વેવસ્થિત, રસોડાથી ઓરડા સુધી. એનામાં કાંઈ ખામી નથી. હા, થોડું નાચવાનું, કપડાં અને ટાપટીપનો શોખ ખરો, હોં. પણ ઈની ઉંમર, 'ને ઈનો રૂપકડો દેખાવ, ઈ તો હોય જ. હું ઈની મા તરીકે તો જાણું જ ને, સાયેબ? તમે કેટી સાથે ફરીથી એક વાર વાત કરો. આ વખતે તમારા ભાયગ હશે તો કાંઈ થાશે. સિવાય કે પેલો જંગલી જુવાનીયો, ડેની કોનલાન.. ઈ કેટીને તમારી હામે ભડકાવી રિયો છે.''

હોલકોમ્બનાં ચહેરાનો રંગ થોડો ઊડી ગયો અને એના હોંઠ એક પળ માટે જોરથી બીડાયા. 

''આ કોનલાન વિષે મેં સાંભળ્યું તો છે. એ શા માટે દખલગીરી કરે છે? એ શું કામ વચ્ચે પડે છે? કેટી અને એની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે? કેટીને એની પડી છે?'' 

એ જેની સાથે વાત કરી રહ્યો હતો, એ આધેડવયની જાડી સ્ત્રી શ્રીમતી ફલાયને સ્ટીમ એન્જીનનાં ધૂમાડા જેવો જોરદાર નિસાસો નાંખ્યો અને પાણીમાં ઝબોળેલા ભીનાં કપડાં પથ્થર ઉપર એટલા જોરથી પછાડયા કે છ ફૂટ દૂર ઊભેલો હોલકોમ્બ લગભગ ભીંજાઈ ગયો. 

''ઈ છોકરીનાં મનમાં શું છે, ઈ મને પૂછો જ મા. હું કાંઈ ખોટુ કે'તી નથી. હું તો ઈની મા છું. પણ હું ય તમારાથી વધારે જાણતી નથી''

હોલકોમ્બે નાનકડા ઘરમાં પ્રવેશ કર્યો. કેટી ફલાયન, સરસ મઝાનાં, કોલરવાળા ડ્રેસને ઈસ્ત્રી કરી રહી હતી. પોતાની ઉચ્ચ કક્ષા છોડી એક નીચલી ભ્રમણકક્ષામાં ફરતા કોઈ તારા તરફ હોલકોમ્બનું વિચલન, એ તરફનું એનું ખેંચાણ, એનો ઝુકાવ સ્વાભાવિક રીતે ટીકાને પાત્ર તો હતો જ. કોઈને ય થાય કે આ શું?  પરંતુ એક વાર આ છોકરીને પ્રત્યક્ષ જોઈએ તો આવી ટીકાનું અપ્રસ્તુત હોવું પણ એટલું જ સ્વાભાવિક હતું. એ છોકરીની સુંદરતા એકદમ સદ્ધર અને ખાતરીપૂવર્કની હતી. એની ઘેરી આઈરીશ આંખો, ચમકતા લાંબા વાળનો ગુંથેલો ચોટલો, અને ગાલમાં પડતા ખાડા પડતા હોય તેવો રતુંબલ ચહેરોત એવો ચહેરો કે જે એના માલિકનાં મિજાજ મુજબ આકાર બદલે. અને શરીરનો બાંધો મજબૂત છતાં નજાકત ભર્યો અને એ છોકરીનું વ્યક્તિત્વ જીવંત, સતત ધબકતું, કર્મઠ.  કેટી ફલ્યાન એ છોકરી હતી કે જેને મેળવવા કોઈ પણ વ્યક્તિ અથાગ પ્રયત્ન ચોક્કસ જ કરે. 

હોલકોમ્બ અંદર ગયો. કેટી ઈસ્ત્રી કરી રહી હતી. એ એની બાજુમાં જઈને ઊભો રહ્યો. કેટીનાં કાંડાથી કોણી સુધીનાં હાથની ચમકતી ચામડીની નીચે રહેલી  માંસપેશીઓની ચપળ હલનચલન એને સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ એને જોતો જોતો ઊભો રહી ગયો.  

''કેટી...'' એણે આળપંપાળ કરતા નરમ અવાજની ઓથે એક ચોક્કસ ચિંતાને છૂપાવીને કહ્યું, ''હું તારો જવાબ જાણવા આવ્યો છું. આપણે આ અગાઉ ઘણી વાર વાત કરી છે, તેનું પુનરાવર્તન કરવાની જરૂરિયાત નથી. પણ તને તો ખબર જ છે કે તને મેળવવા માટે હું કેટલો તત્પર છું. તું મારા સંજોગો અને મોભાથી તો પરિચિત  છે જ. તું માંગે તે જાતની સુખસગવડતા તને મારે ત્યાં મળશે. મને હા કહી દે કેટી, અને મારા જેવો નસીબદાર માણસ આખા શહેરમાં કોઇ નહીં હોય.''

કેટીએ પોતાની ઈસ્ત્રીને કપડાં ઉપર ગોઠવી અને પોતાની કોણીને ઈસ્ત્રી કરવાના ટેબલ ઉપર ટેકવી. એની ભૂરાશ પડતી કાળી જાજરમાન આંખોની મસ્તીખોર ચમક વિચારશીલ વિષાદમાં પરિવર્તિત થઈ ગઈ. 

''ઓહ, મિસ્ટર હોલકોમ્બ, મને ખબર નથી કે હું શું કહું? મને ખબર છે કે તમે જ, મારી ઈચ્છા મુજબનું સારામાં સારું ઘર મને આપી શકો તેમ છો. મને હા કહેવાની ઈચ્છા છે- ચોક્કસ હું એમ જ કરીશ, પણ... આપણી વચ્ચે પેલો ડેની છે. -એને વાંધો છે.''

''ફરીથી ડેની,'' હોલકોમ્બે ભવાં ચઢાવ્યા અને એ અધીરાઈથી ઓરડામાં આંટા મારવા લાગ્યો.

''આ કોનલાન, આ માણસ છે કોણ, કેટી?'' એણે પૂછયું, ''દરેક વખતે તું હા પાડવાની તૈયારી બતાવે અને તરત જ આ ડેની આપણે વચ્ચે ટપકી પડે છે. શું એ એમ જ ઈચ્છે છે કે તું આખી જિંદગી આ ઝૂંપડીમાં જ પડી રહે? અને એ પોતાના બળથી તને કાબૂમાં રાખી શકે?''

''એ મને ચાહે છે.'' લાડમાં ફટવી મૂકેલાં એક નાનકડા બાળક જેવા અવાજમાં કેટીએ કહ્યું.

''અલબત્ત, હું પણ તને મેળવવા ઈચ્છુ છું'' હોલકોમ્બે પ્રેમનાં નિષ્ણાંતની ભૂમિકામાં કહ્યું, ''જો હું આ માથાભારે કોનલાનને મળી શકું તો ચોક્કસ એની સાથે દલીલ કરીને તેને હરાવી તને જીતી શકું.''

''એ આ શહેરનો મિડલ વેઈટ મુક્કાબાજીનો ચેમ્પિયન છે'' કેટીએ કંઈક શરારતી અદાથી કહ્યું. 

''ઓહ, એમ છે... એમ ને? જો હું એનાથી ગભરાતો નથી, કેટી.  હકીકતમાં તો હું પણ એને મુક્કાબાજીનાં રાઉન્ડમાં પણ હરાવીને તને ઈનામ તરીકે જીતી શકું તેમ છું. જો કે ઉંમર સાથે મારી મુક્કાબાજીની એ આવડત હવે ઘસાઈ ગઈ છે. ''

''શિ. સિ.. સ.... એ જ આવી રહ્યો છે,'' કેટીએ ઇશારો કર્યો. અને કંઈક ન બનવાનું બનવાનું છે, તેની અપેક્ષામાં એની પહોળી આંખો થોડી વધારે પહોળી થઈ. 

હોલકોમ્બે બારણા બહાર જોયું. એણે એક યુવાનને દરવાજામાંથી અંદર આવતા જોયો. એ યુવાન સરળતાથી ગર્વભેર ચાલી રહ્યો હતો. એનો ચહેરો લીસ્સો અને આક્રમક હતો પણ ખરાબ નહોતો. માથા ઉપર એણે વાંકી ટોપી પહેરી હતી, જેનાથી એની એક આંખ ઢંકાયેલી હતી. એ ઘરની અંદર દાખલ થયો. ઘરની અંદર એના પ્રતિસ્પર્ધી અને ઝઘડાનાં મૂળ એવા હોલકોમ્બને જોતા જ એ દરવાજા પાસે થંભી ગયો. (વાર્તાનો ઉત્તરાર્ધ આવતા અંકે)


સર્જકનો પરિચય

દ. મોપાસા

જન્મ : ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨ 

મૃત્યુ : ૫ જુન, ૧૯૧૦ 

મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્રીન્સબોરો નગરમાં થયો હતો. પિતા તબીબ હતા. વિલિયમ ત્રણ વર્ષનાં હતા ત્યારે એમનાં માતાનું મૃત્યુ થયું. એમનાં ફોઈ કે જેઓ શિક્ષિકા હતા એમણે ભણાવ્યા. વાંચવાનો શોખ એમને બાળપણથી હતો. યુવાનીમાં તેઓ ટેક્સાસ રાજ્યમાં ગયા, વિવિધ નોકરીઓ કરી. અનેક લોકોને મળ્યા. આ બધા લોકો ભવિષ્યમાં એમની વાર્તાઓનાં પાત્ર બન્યા. એમણે એથેલ સાથે લગ્ન કર્યા.લગ્નજીવન ઘણું સુખી રહ્યું. પરંતુ એથેલ ઝાઝું જીવી ન શકી. ઓ. હેન્રી બેંકમાં કામ કરતા હતા ત્યારે નાણાંકીય ઉચાપતનાં ગુનાસર પર કેસ થયો. એવો ગુનો જે એમણે કર્યો નહોતો. તેઓ જેલમાં ગયા ત્યારે પોતાનાં મોસાળમાં રહીને ઊછરતી દિકરીને આથક મદદ કરવા એમણે વાર્તાઓ લખવા માંડી. જેલનાં સાથી કેદીઓનો સ્વભાવ, એમની રીતભાત પણ એમની વાર્તાઓનો હિસ્સો બન્યા. જેલમાંથી છૂટયા બાદ તેઓ ન્યૂયોર્ક સ્થાયી થયા. વીસમી સદીનો શરૂઆતનો સમય ઓ. હેન્રીનો લેખનનો સુવર્ણકાળ હતો. પોતે ઘણું સહન કર્યુ.  પરંતુ એનાં દુ:ખની જરા સરખી છાયા પણ એમની વાર્તાઓમાં નથી. એમની વાર્તાઓ સામાન્ય  વ્યક્તિઓની વાર્તાઓ છે. એવી વ્યક્તિઓ જે મહેનતથી આગળ વધવાની સદા કોશિશ કરતા રહે છે.

રમૂજ, શબ્દરમત, શબ્દશ્લેષથી લસલસતી ઓ. હેન્રીની વાર્તાઓની ગૂંથણી ગજબની છે. વાર્તાઓનાં અંત ચોક્કસપણે ચમત્કારિક હોય છે. ઈટૅીબા ારી ેંહીટૅીબાીગ.  અને એ જ એની મઝા છે. આપણે અંત વાંચીએ પછી એની સાપેક્ષમાં વાર્તા ફરી પાછી વાંચવી પડે. વાર્તાનું અણધાર્યાપણું જ રસપ્રદ હોય છે. વિખ્યાત એનીમેશન પાત્રો 'ટોમ એન્ડ જેરી'નાં સર્જક ચક જોન્સ કહે છે કે 'અણધાર્યાપણાનું મૂલ્ય મને ઓ. હેન્રીએ સમજાવ્યુ હતુ. ઓ. હેન્રીએ એક વાર પક્ષીની સુવાસ અને ફૂલોનાં અવાજની વાત કરી હતી. એવંં શી રીતે બને? વેલ, પક્ષીઓ રાંધેલા મરઘાં હતા, જેની સોડમ આવી રહી હતી અને પતરાની દીવાલ પર સૂકવેલા સૂરજમુખીનાં સુક્કા ફુલો પવનમાં હાલતા હતા, જેનો અવાજ આવી રહ્યો હતો!''

ઘણાં સાહિત્યકારો કહે છે કે ઓ. હેન્રીની વાર્તા એ વાર્તા નથી પણ કોઈ રમૂજી  ટૂંચકો છે, જે લંબાવીને કહેવાયો છે. ઓ. હેન્રીની વાર્તાને તેઓ ક્લાસિક સાહિત્ય ગણતા જ નથી.(સારું છે નથી ગણતા કારણ કે ક્લાસિક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે બધ્ધા જ વખાણે પણ કોઇ વાંચે નહીં ! -માર્ક ટ્વેઇન).



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wYXAMk
Previous
Next Post »