શાહિદ કપૂર: બર્થ-ડે ગિફ્ટસ માટે હું મારા બાળકોને મારી જેટલા લાલચુ નહિ બનાવું


શાહિદને મન એની  ફેમિલી એના માટે ટોપ પ્રાયોરિટી છે. એટલા માટે કે પોતાની જેમ પોતાના બાળકોને બાળપણમાં મા-બાપના પ્રેમ અને હુંફથી વંચિત રહેવા દેવા નથી ઈચ્છતો. 

દુનિયાના લગભગ દરેક બાપના મનમાં એવી ઈચ્છા ધરબાયેલી હોય છે કે મને જે જીવનમાંથી મળ્યું એ મારા સંતાનોને આપવું છે. મારી લાઈફમાં મેં જે અભાવો જોયા છે એ મારા બાળકોએ ન જોવા પડે એ માટે હું બધુ કરી છુટીશ. એનો જીવતો જાગતો દાખલો એક્ટર શાહિદ કપૂર છે. એ બહુ નાનો હતો ત્યારે જ એના પિતા પંકજ કપૂર અને માતા નીલિમા અઝીમ છુટા પડી ગયા હતા. શાહિદે કુમળી વયે મા-બાપનું છત્ર ગુમાવ્યું અને એ દિલ્હીમાં પોતાના નાના-નાની પાસે ઉછેર્યો. બાળપણમાં મમ્મી-પપ્પાના પ્રેમથી વંચિત રહેલા શાહિદને મન એની પત્ની મીરા રાજપૂત-કપૂર, એનો પુત્ર ઝેન અને પુત્રી મિશા જ સર્વસ્વ છે. ફેમિલી એના માટે ટોપ પ્રાયોરિટી છે. એટલા માટે કે પોતાની જેમ પોતાના બાળકોને બાળપણમાં મા-બાપના પ્રેમ અને હુંફથી વંચિત રહેવા દેવા નથી ઈચ્છતો. શાહિદનો ઈન્ટરવ્યુ લેનાર દરેક પત્રકારને એના મોઢેથી વારંવાર 'ફેમિલી' શબ્દ સાંભળવા મળે છે. અમે પણ એમાં અપવાદ નહોતા.

૨૫ મી ફેબુ્રઆરીએ અભિનેતાનો બર્થ-ડે હતો. એટલે એને શુભેચ્છા આપવા અમે ફોન કર્યો. અમને ખબર હતી કે એ વખતે શાહિદ કપૂર ચંડીગઢમાં એની આગામી ફિલ્મ 'જર્સી'નું શૂટિંગ કરી રહ્યું છે. એટલે બર્થ-ડે વિશ કરવાના બહાને અમે ફોનમાં જ એનો એક અલપ-ઝલપ ઈન્ટરવ્યુ લઈ લેવાનું વિચાર્યું હતું. ત્રીજી રિંગમાં શાહિદે કૉલ રિસીવ કરી અમારી સાથે વાત શરૂ કરી, 'થેન્ક યુ ફોર યોર વિશીસ સર. મેં ઈસ વક્ત ચંડીગઢ મેં શૂટિંગ કરી રહા હું. આ વરસે મારો બર્થ-ડે સેટ પર જ સેલિબ્રેટ થશે. મારો પરિવાર ચંદીગઢ આવશે એટલે શૂટિંગમાંથી થોડો ટાઈમ કાઢી એમની સાથે સેલિબ્રેટ કરીશ. મારા માટે આજે વર્કિંગ બર્થ-ડે  છે. જર્સીનું આ શેડયુલ બહુ હેકટીક અને થકવી નાખનારુ છે. પણ મીરા અને બાળકોને જોઈશ એટલે મારો બધો થાક પળવારમાં ગાયબ થઈ જશે.

શાહિદની ફિલ્મ 'કબીર સિંહ' ને મળેલી પ્રચંડ સફળતાને લીધે ૨૦૧૯ એના કરીઅરનું બેસ્ટ વર્ષ બની રહ્યું. હવે ૨૦૨૦ માટે અભિનેતાએ શું વિચાર્યું છે? નવા વર્ષનો એનો એજન્ડા શું છે? અમે શાહિદને ફોનમાં પૂછી લઈએ છીએ. શાહિદ જવાબમાં કહે છે, 'મારે મન જમીન સાથે જોડાયેલા રહેવું બહુ મહત્ત્વનું છે. જીવનમાં સફળતા અને નિષ્ફળતા તો આલ-જા કર્યા જ કરે પણ ફેમિલી મારા માટે ટોપ પ્રાયોરિટી છે. કરીઅરમાં લાંબી ઈનિંગ રમવા કોઈને પણ જીવનના બેસિક મૂલ્યો સાથે જોડાયેલા રહેવું પડે. તમે પોતાને એક માનવી તરીકે જોતા રહો એ મહત્ત્વનું છે. સદ્નસીબે મારો પરિવાર મારા પગ જમીન સાથે જોડાયેલા રાખે છે. હું ખુશનસીબ છું કે મને મીરા જેવી પત્ની અને ગ્રેન તથા મિશા જેવા સુંદર બાળકો મળ્યા. એમને હું ઈશ્વરનું વરદાન જ માનું છું.'

શાહિદ પોતાનો ૩૯મો બર્થ-ડે ઉજવવાનો હતો એટલે એને લગતો જ એક પ્રશ્ન અમે પૂછી લઈએ છીએ. 'બર્થ-ડે  સાથે જોડાયેલો ભૂતકાળનો કોઈ પ્રસંગ યાદ આવે છે ખરો? નાનપણમાં તારો બર્થ-ડે  કઈ રીતે ઉજવાતો? મોબાઈલમાં શાહિદનું ખડખડાટ હાસ્ય સંભળાય છે. 'અબ ક્યા બતાવું આપકો, ભાઈ! અત્યારે તો બર્થ-ડે ના દિવસે મેં કરેલું કેટલુંક ગેરવર્તન જ યાદ આવે છે. નાનો હતો ત્યારે બર્થ-ડે ગિફ્ટસ પાછળ  પાગલ હતો. કોઈ મહેમાન જેવી મને ગિફટ આપે કે તરત હું એ લઈને ભાગી જતો, થેન્ક યુ કહેવા પણ રોકાતો નહિં. એમાં મમ્મીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડતું પછી મને હોલાવી અંકલને થેન્ક્યુ કહેવાની ફરજ પાડતી. કમસેકમ હવે હું મારા બાળકોને બર્થ-ડે  ગિફ્ટસ માટે મારી જેટલા લાલચુ નહિ બનવા દઉં એટલું તો પાકું છે'.

શાહિદ કપૂરની 'જર્સી' એક સ્પોર્ટસ ફિલ્મ છે, જેમાં એ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. એટલે અમે 'જર્સી' વિશે શાહિદ પાસે વધુ જાણવાની ઈચ્છા દર્શાવીએ છીએ. નવી ફિલ્મ વિશે બહુ ઉત્સાહથી વાત કરતા અભિનેતા કહે છે, 'તમે કદાચ નહિ માનો પણ મેં તેલુગુમાં જર્સી જોઈ ત્યારે એણે મને અંદરથી હચમચાવી નાખ્યો હતો. તેલુગુ આવડતુ ન હોવા છતાં ફિલ્મ મને અપીલ કરી ગઈ હતી. મને થયું કે આ ફિલ્મનો મેસેજ બહુ પ્રેરણાદાયી છે. માનવીના આત્મબળના વિજયની ગાથા કહેતી આ એક સંવેદનશીલ ફિલ્મ છે. તમે તો જાણો જ છો કે હું દરેક ફિલ્મમાં મારા ચાહકોને કાંઈક નવું આપવા માગુ છું. મારા દર્શકોની પણ મારી પાસેથી એવી જ અપેક્ષા હોય છે. એ દ્રષ્ટિએ જર્સી પ્રેક્ષકોને નિરાશ નહિ કરે એની મને ખાતરી છે. ફિલ્મમાં મારો નવો જ અવતાર જોવા મળશે. 'જર્સી' માટે હું 'કબીર સિંહ' કરતા પણ વધુ મહેનત કરી રહ્યો છું.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aJ3Qq6
Previous
Next Post »