યાત્રાધામ ડાકોર જતા માર્ગો પર ઠેર ઠેર વહીવટી તંત્રની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

- માર્ગો પર પાણી ન મળતા પોલીસ જવાનો તરસ્યા રહ્યા પાલિકાએ ડાકોરમાંથી 465 જેટલી ગાયોને પકડી લીધી


નડિયાદ, તા. 07 માર્ચ 2020, શનિવાર

જગપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન શ્રીરણછોડરાયજીના દર્શન માટે  ફાગણી પૂનમે લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા  વ્યવસ્થા સંદર્ભે વિવિધ સ્તરે આયોજન કરાયું છે. જેમાં અમદાવાદથી હીરાપુર ચોકડી અને ખાત્રજ ચોકડીથી થઈ ડાકોર સહિત નડિયાદથી વાયા ઉમરેઠ તથા સેવાલિયા અને પંચમહાલ તરફથી ડાકોરને જોડતા રૂટ ઉપર સુપરવાઈઝરોની નિમણૂંક કરી  છે. જો કે આજે સવારથી ડાકોરને જોડતા હાઇવે પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો.

ડાકોર ખાતે યોજાનાર હોળી-ધુળેટીના પર્વને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે શહેરમાં ૪૩ આડબંધ,૧૫ જેટલા ગેટ અને ૭ જેટલા બેરીકેટીંગ કરી સુરક્ષા કવચ બનાવવામાં આવ્યુ છે.સુરક્ષાના ભાગરૂપે મૂકવામાં આવેલ આડબંધ પર એક પી.એસ.આઇ,પી.આઇ,નાયબ મામલતદારને ફરજના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત સુરક્ષાને ધ્યાને લઇ ડાકોરમાં કુલ-૧૪૦ જેટલા સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવ્યા છે.જેથી આવનાર દરેક યાત્રાળુઓ સી.સી.ટી.વી કેમેરામાં થઇને પસાર થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જ્યા ગાયોના વાડાથી મંદિર સુધી,બસસ્ટેન્ડથી મંદિર સુધી અને ડાકોરના તમામ એન્ટર થવાના માર્ગ ઉપર કેમેરા લગાવવામાં આવ્યા છે.સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ ડાકોર નગર પાલિકા દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે.સલામતીના ભાદરૂપે પાલિકા દ્વારા કુલ-૪૬૫ જેટલી ગાયોને પકડવામાં આવી છે.તા. ૬ માર્ચથી લઈ તા. ૧૦ માર્ચ સુધી ડાકોરને જોડતા માર્ગો પર રર સ્થળો પર અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. ફાગણી પૂનમ ઉપર અમદાવાદ સહિત અન્ય સ્થળોએથી  લાખોની સંખ્યામાં લોકો પદયાત્રા કરીને ડાકોરના નાથના દર્શનાર્થે જતા હોય છે.

ડાકોરને જોડતા તમામ હાઇ-વે પર વાહન વ્યવહાર પ્રતિબંધિત

ફાગણી પૂનમના પગલે ડાકોરને જોડતા હાઈવે તથા ડાકોર નગરના માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધિત જાહેર કરાયા છે. તેના બદલામાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વાહનચાલકોને જણાવાયું છે.તેમ છતા રાસ્કા થી મહેમદાવાદ સુધીના માર્ગ પર વાહનવ્યહાર અવિરત જોવા મળ્યો હતો.જેના કારણે પોલીસ કર્મચારીઓ સાથે સ્થાનિક લોકો જવા-આવવા માટે માથાકુટ કરતા નજરે પડયા હતા.જ્યારે સવારથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પીવાના પાણીની સગવડ ન હોવાથી કર્મચારીઓ અસહ્ય ગરમીમાં પાણી માટે વલખા મારતા નજરે ચડયા હતા.

ડાકોરમાં મેળા પૂર્વે બે હજાર જેટલા પોલીસ કર્મીઓ હાજર રહેશે : કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા

ડાકોરમાં મેળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કુલ-૨૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.પદયાત્રી રૂટો તથા ડાકોર નગરમાં અને શ્રીરણછોડરાયજીના નિજ મંદિરની અંદર અને બહાર મળી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં  આવ્યો છે. જેમાં ૧- એસ.પી,૧૨ ડીવાયએસપી કક્ષાના અધિકારી, ૨૦ પીઆઈ, ૮૦ પીએસઆઈ, ૨૯૧-એસ.આર.પી જવાનો,તરવૈયની ટીમ-૨,એલ.સી.બી-એસ.ઓ.જી-બોમ્બ સ્કોર્ડ -૩ ટીમો,ધોડેસવાર-૫ તૈનાત રાખવામાં આવશે. ર૪ કલાક પોલીસ કન્ટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેમાં શ્રીરણછોડરાયજી મંદિરમાં વહીવટીતંત્રના કન્ટ્રોલરૂમનો નં. ૦ર૬૯૯-ર૪૬૦૦૩,૦૨૬૯૯-૨૪૩૬૦૦૬,જ્યારે જિલ્લા વહીવટીતંત્ર નદીમાં કોઈના ડૂબવાની અઘટીત ઘટનાને નિવારવા માટે તરવૈયાની ટીમ તૈનાત કરવામાં આવી છે.

10મી સુધી ડાકોરથી 400 એક્સ્ટ્રા બસો દોડાવાશે

એસ.ટી. વિભાગ નડિયાદ દ્વારા તા. ૦૬/૩/૨૦ થી તા. ૧૦/૩/૨૦   દરમ્યાન ડાકોર જનાર દર્શનાર્થીઓને પરત પોતાના ગામ જવા માટે ડાકોર ખાતેથી ૪૦૦ એકસ્ટ્રા એસ.ટી. બસો દોડાવવામાં આવનાર છે. તેમજ ડાકોરખાતે નવા બસ સ્ટેશનખાતેથી આણંદ, નડિયાદ, વડોદરા જવા-આવવા માટે હંગામી બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવનાર છે. જ્યારે ડાકોર ખાતેથી અમદાવાદ જવા માટે ગુજરી બજારમાં હંગામી બસસ્ટેન્ડ ઉભુ કરવામાં આવનાર છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38D8Lrj
Previous
Next Post »