ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં દિલ્હી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવે છે


સામાન્ય રીતે, સામાન્ય જ્ઞાાન વડે આવનારી કોઇ આફતનો અંદાજો લગાવી શકાય છે, તેના માટે સિક્સથ સેન્સની પણ જરૂર નથી હોતી. ૨૪ ફેબુ્રઆરીના દિવસે અને ત્યારબાદ પણ જે હિંસાએ ઉત્તર પૂર્વ દિલ્હીની શાંતિ ભંગ કરી અને ૩૮થી પણ વધારે લોકોનો જીવ લીધો, તે હિંસાનું અનુમાન પહેલાથી લગાવી શકાય તેમ હતું. આ બધી ઘટનાઓમાં એક જ વાત અપ્રસ્તુત લાગે તેવી છે, અને તે છે દિલ્હી પોલિસની કામગીરી. ૨૫ ફેબુ્રઆરી, ૨૦૨૦ના રોજ પ્રકાશિત એક ન્યુઝ પેપરના અહેવાલ પ્રમાણે 'લગભગ ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓની હાજરીમાં જ હિંસા ભડકી હતી, અને તેમણે કોઇ પ્રકારની કાર્યવાહિ કરી નહોતી.' અહીં એ વાત મહત્વની નથી કે પહેલા કોણે લોકોને ભડકાવ્યા, કે પહેલા કોણે પથ્થર ફેંક્યા કે પછી પહેલા કોણે ગોળી ચલાવી. પરંતુ મહત્વની વાત એ છે કે સરકાર અને નાગરિકતા કાયદાનો વિરોધ કરતા લોકોની આ લડાઇ રસ્તાઓ અને શેરીઓમાં ફેલાઇ ગઇ અને તેણે નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણનું સ્વરૂપ લઇ લીધું.

૧૧ ડિસેમ્બર ૨૦૧૯થી લઇને અત્યાર સુધી દેશના વિવિધ વિસ્તારોમાં ઘણી બધી ઘટનાઓ બની છે. શાહીન બાગ, દિલ્હી અને અન્ય શહેરોમાં ધરણા, પ્રદર્શનો અને રેલીઓ, ચૂંટણી સમયે નિવેદનબાજી અને અદાલતોમાં પિટિશન પણ કરવામાં આવી છે. ૨૩ ફેબુ્રઆરીના રોજ ભાજપના એક નેતા દિલ્હી પોલિસને ચેતવણી આપે છે કે 'દિલ્હી પોલિસ પાસે ત્રણ દિવસનો સમય છે, જાફરાબાદ અને ચાંદબાગના રસ્તાઓ ખાલી કરાવવા માટે. ત્યારબાદ અમને કંઇ સમજાવશો નહીં, અમે તમને પણ નહીં સાંભળીયે, માત્ર ત્રણ દિવસ.'

જવારહલાલ નહેરુ યુનિવર્સિટી, જામિયા મિલ્લિયા (જેના ૪૦ ટકા વિદ્યાર્થીઓ બિન મુસ્લિમ છે) અને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી હિંસા કે જેમાં સેંકડો વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હતા તે અંગે નવા સબુતો પણ મળ્યા છે. દિલ્હી પોલિસ અને ઉત્તર પ્રદેશ પોલિસની ક્રુરતા સામે આંગળી ઉઠી રહી છે. (૨૩ લોકોના મોત તો માત્ર ઉત્તર પ્રદેશ પોલિસે કરેલા ગોળીબારમાં થયા છે). સેંકડો લોકોની ધરપકડ પણ કરવામાં આવી, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ જ હતા. દિવસો જતા કોર્ટે પણ પોલિસના રિપોર્ટ અને એફઆઇઆર અંગે સવાલો ઉઠાવ્યા. સુપ્રીમ કોર્ટના બે જજોએ અસહમત લોકોના પક્ષમાં વાત કરી અને તમામ વિરોધીઓને દેશદ્રોહીનું લેબલ આપવા અંગે ચેતવણી પણ આપી. આમ છતા સરકારે કાર્યવાહીના નામે માત્ર ઢોંગ કર્યો, જાણે કે કશુ જ ખોટું ના બન્યુ હોય. સરકાર તરફથી જે પણ નિવેદનો આવ્યા તે માત્ર નાગરિકતા કાયદો અને એનપીઆરના બચાવ અને સમર્થનમાં જ આવ્યા. જે સંરક્ષણ કરતા ધમકી જેવા લાગતા હતા.

આ બધી ઘટનાઓને કારણે એક વાતની આશંકા મજબૂત થઇ રહી છે કે, ભાજપ કોઇ એક પ્લાન પર કામ કરી રહી છે. કેટલાય લોકોને શંકા છે કે ભાજપ વિરોધી મત વાળા લોકોની સ્થિતિને કઠોર કરવા માંગે છે, તેમને રસ્તા પર ઉતારવા માંગે છે અને ધુ્રવીકરણની રાજનીતિ પુરી કરવા માંગે છે. સરકારનું કહેવું છે કે એનપીઆર એક સારો અભ્યાસ છે, જ્યારે નાગરિકતા કાયદો રાષ્ટ્રહિતમાં છે. ઉપરાંત આ બંનેને એકબીજા સાથે કોઇ સંબંધ નથી. આ વાત કેટલાક લોકોએ શા માટે માની લીધી છે તે વાત સમજની બહાર છે. એનપીઆર બિલકુલ સૌમ્ય નથી, તેના ફોર્મમાં ઘણા વિવાદાસ્પદ પ્રશ્નો છે. તેવું જ કંઇક નાગરિકતા કાયદાનું પણ છે. જે સ્પષ્ટ રીતે જ ભેદભાવપૂર્ણ છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં પણ આવ્યો છે. આ ઉપરાંત સીએએ અને એનપીઆર બંને પરસ્પર જોડાયેલા પણ છે. એનપીઆરમાં પ્રથમ દેશના સામાન્ય રહેવાસીઓની ઓળખ કરવામાં આવશે, અને જે લોકોની ઓળખ નહીં થઇ શકે તેમને શંકાસ્પદ ગણવામાં આવશે. સ્વાભાવિક રીતે જ શંકાસ્પદ નાગરિકોમાં બધા જ ધર્મના લોકો હશે, ત્યાર બાદ નાગરિકતા કાયદાજનું કામ શરૂ થશે. જે પ્રમાણે હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના તમામ શંકાસ્પદ નાગરિકોને ભારતનું નાગરિકત્વ મળશે. બાકી વધશે મુસ્લિમો, જેમનો નાગરિકતા કાયદા પ્રમાણે કોઇ આધાર નહીં રહે.

ડર એ વાતનો છે કે એનપીઆરના અંતે લાખો મુસ્લિમો તેમાં ફસાયેલા હશે. લાખો મુસ્લિમોમાં એટલો ભય છે કે સામાન્ય રીતે જે લોકો ઘરની અંદર જ રહે છે તે હજારો મુસ્લિમ મહિલાઓ અને બાળકો વરસાદ, ઠંડી અને પોલીસના લાઠીચાર્જ વચ્ચે પણ રસ્તાઓ પર ઉતર્યા છે. હજારો બિન મુસ્લિમ નાગરિકો અને અનેક રાજનૈતિક પાર્ટીઓ પણ તેમના પક્ષમાં છે તે વાત તેમને હિંમત અને આશા આપે છે. ભારત એક અઘોષિત ધાર્મિક નેતાઓ દ્વારા શાસિત દેશ તરીકે વર્તી શકે છે અથવા તો ધર્મ નિરપેક્ષ લોકશાહિ પણ બની શકે છે. કોઇ પણ રસ્તો પસંદ કરો ભારતીય લોકો અને ખાસ કરીને ભારતીય અર્થવ્યવસ્થા પર તેના પરિણામો દુરોગામી હશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38jMizm
Previous
Next Post »