6000 અબજ ડોલરના ધોવાણથી વૈશ્વિક અર્થતંત્રને પડેલો જબરજસ્ત: ફટકો


વૈશ્વિક વેપારમાં ચીનનો હિસ્સો માત્ર ૧૪ ટકા છતાં પણ સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પ્રતિકુળ અસર

ફેબુ્રઆરી માસમાં ભારતીય રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૧૦ લાખ કરોડનું ધોવાણ

સોનું ઉછળીને ૧૮૦૦ ડોલર પહોંચશે

ચીનમાં ઉદ્ભવેલ કોરોના વાઇરસ હાલ સમગ્ર વિશ્વમાં પ્રસરી ચૂક્યો છે. જેની ગંભીર આર્થિક અસરને જોતા વૈશ્વિક સ્તરે સેફહેવન ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પ તરીકે સોનામા રોકાણ વધવાની સંપૂર્ણ શક્યતા છે. આમ, આગામી સમયમાં આ વાઇરસ પ્રબળ બનશે તો વૈશ્વિક બજારમાં સોનું ઉછળીને ૧૮૦૦ ડોલરની ઊંચી સપાટીએ પહોંચી જવાની સંભાવના છે.

૨૦૨૦ની ટોચેથી ૩૦ ટકા પટકાયેલું ક્રૂડ તેલ

કોરોના વાઈરસનો કહેલ સમગ્ર વિશ્વમાં છવાઈ જતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ૨૦૨૦ની ટોચની સપાટીથી ૩૦ ટકા જેટલા તૂટી ગયા છે. તેમજ આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો થવાની પણ સંભાવના છે. તેમ નિષ્ણાતોનું માનવું છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૧૯માં વૈશ્વિક અર્થતંત્રમાં અંદાજે ૧.૬૬ ટ્રિલિયન ડોલરનો વધારો નોંધાયો હતો. આ વધારામાં ચીનમાંથી ૦.૭૮ ટ્રિલિયન ડોલર ઠલવાયા હતા. આમ, ૨૦૧૯માં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિમાં અડધોઅડધ હિસ્સો ચીનો હતો. કોરોના વાઇરસના કારણે ૨૦૨૦ના કેલેન્ડર વર્ષની શરૂઆતથી જ ચીનમાં નાના-મોટા ધંધા, રોજગાર, ઉદ્યોગો ઠપ થઇ જતા ચીનનું અર્થતંત્ર ખોરવાઈ જવા પામ્યું છે. આમ, ચીનનું અર્થતંત્ર ખોરવાઈ જતા તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર થવા પામી છે. વાઇરસની પ્રતિકૂળતાના કારણે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડતા ક્રૂડની માંગમાં ઘટાડો થયો છે. જો આ પરિસ્થિતિ વધુ નેગેટિવ બનશે તો ક્રૂડ ગગડીને ૪૦ ડોલર સુધી ઉતરી આવે તેવી સંભાવના છે.

સ મગ્ર વિશ્વના ૫૦થી પણ વધુ દેશોમાં પ્રસરેલા કોરોના વાઇરસના હાહાકારના પગલે જાનહાનિની સાથોસાથ વિશ્વભરના દેશો પર થનારી ગંભીર આર્થિક અસરના ભય પાછળ વૈશ્વિક બજારોમાં ફફડાટ પ્રબળ બનવાની સાથે ચોમેરથી આવેલ ભારે ગભરાટભરી વેચવાલીના દબાણ પાછળ ફેબુ્રઆરી માસનું અંતિમ સપ્તાહ ૨૦૦૮ની નાણાકીય કટોકટી બાદનું સૌથી ખરાબ સપ્તાહ પૂરવાર થયું છે. કોરોના વાઇરસગ્રસ્ત આ સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે રોકાણકારોની ૬ ટ્રિલિયનની મુડીનું ધોવાણ થઇ જવા પામ્યું છે. જો કે, આપણે, સમગ્ર ફેબુ્રઆરી માસ જ વૈશ્વિક બજારો માટે નકારાત્મક પૂરવાર થયો છે. ફેબુ્રઆરી માસમાં અમેરિકા, લંડન, જર્મની, ફ્રાન્સ અને પાકિસ્તાનના શેરબજારમાં ૧૦ ટકા આસપાસ ગાબડું નોંધાયું છે. અન્ય દેશોમાં ૩થી ૧૦ ટકાનું ધોવાણ થવા પામ્યું છે. જેના પગલે રોકાણકારોની અબજો ડોલરની મુડીનું ધોવાણ થઇ જવા પામ્યું છે.

વૈશ્વિક બજારોમાં બોલેલા કડાકાની ભારતીય શેરબજાર પર ભારે પ્રતિકૂળ અસર થવા પામી હતી. ફેબુ્રઆરી માસ દરમિયાન ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૬.૫ ટકાનું અને નિફ્ટી પર ૭.૦ ટકાનું ધોવાણ થવા પામ્યું હતું. સેન્સેક્સમાં થયેલા ૬.૫ ટકાના ધોવાણના પગલે ફેબુ્રઆરી માસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૧૦ લાખ કરોડનું ધોવાણ થઇ જવા પામ્યું હતું. ગભરાટભરી વેચવાલના દબાણના પગલે બીએસઇની ટોચની ૫૦૦ કંપનીઓમાંથી ૪૦૦ કંપનીના શેરમાં ગાબડા નોંધાયા હતા. તો બીજી તરફ મોટા ભાગના ક્ષેત્રીય ઇન્ડેક્સ પણ તળિયે ઉતરી આવ્યા હતા.

આ સ્થિતિમાં યુએસ ફેડ રિઝર્વ રેટમાં કટ કરશે તેમ જણાવતા જાણકારોએ ઉમેર્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કેલેન્ડર ૨૦૨૦માં વૈશ્વિક વૃદ્ધિ દર ૩.૩ ટકા રહે તેવું અગાઉ જણાવ્યું હતું. જો કે હવે આમાં નોંધપાત્ર ઘટાડો જોવાશે. ૨૦૧૯માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર ૨.૯ ટકા રહ્યો હતો. તાજેતરમાં જી-૨૦ની બેઠકમાં નાણા પ્રધાનો અને સેન્ટ્રલ ગવર્નર્સે જણાવ્યું હતું કે તેમના સંબંધિત અર્થતંત્રમાં વૃદ્ધિદર મંદ જોવા મળી રહ્યો છે. આઈએમએફના મતે ચીન ખાતે કોરોનાને કારણે આર્થિક વૃદ્ધિ દર ૫.૬ ટકાના અગાઉના અંદાજ સામે ૦.૪ ટકા જેટલો નીચો રહેશે અને તેથી વૈશ્વિક જીડીપી વૃદ્ધિદર પણ ૩.૩ ટકાની સામે ૩.૨ ટકા રહેશે.

જો કે આ અંદાજ એક પખવાડિયા અગાઉનો છે. આગામી દિવસોમાં આ અંદાજ ઓર નીચો જઇ શકે છે. ભારતીય અર્થતંત્ર ૨૦૨૦-'૨૧ દરમિયાન ૬થી ૬.૫ ટકાના દરે વૃદ્ધિ પામે તેવી આગાહી કરવામાં આવી છે. ચીન ખાતે વૃદ્ધિદરમાં ઘટાડાની ભારત પર અસર જોવા મળે તેવી સંભાવના છે. કોરોના વાઇરસનો ભય વિશ્વના મોટાભાગના દેશોમાં ગભરાટ ફેલાવી રહ્યો છે ત્યારે તેની અસરમાંથી વિશ્વની નાણાંકીય બજારો પણ બાકાત રહી શકી નથી અને છેલ્લા કેટલાક સપ્તાહથી વિશ્વના બજારો હચમચી ઉઠયા છે.

૨૦૦૮ની મંદી બાદ કોરોનાવાઇરસ વૈશ્વિક વિકાસ સામે મોટું જોખમ બની ગયા છે. તેનો જે રીતે ફેલાવો થઇ રહ્યો છે તેને જોતા વાઇરસ વિશ્વના અર્થતંત્ર પર જુન સુધી અસર જોવા મળી શકે છે. કોરોનાવાઇરસે એશિયાની નિકાસને નબળી પાડી છે અને પુરવઠા સાંકળને ખોરવી નાખી છે જે એશિયા પેસિફિક વિસ્તારમાં વિકાસની ગતિને મંદ પાડશે એમ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડી'સે જણાવ્યું હતું. ૨૦૨૦માં એશિયા-પેસિફિક માટેનો આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૫.૨૦ ટકા કરાયો છે. ચીનના કોરોનાવાઇરસને ઘ્યાનમાં રાખીને આ અંદાજ આવી પડયો છે. કોરોનાની અસર ભારત તથા ચીન પર વધુ જોવા મળી રહી છે.

વાઇરસના ફેલાવાને કારણે માગ પર અસર પડી છે અને પૂરવટા સાંકળ ખોરવાઈ ગઈ છે. આની સૌથી વધુ અસર ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં જોવા મળશે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં ચીનનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૫.૮૦ ટકા અંદાજાયો હતો તે હવે ઘટાડીને ૫.૨૦ ટકા મુકાયો છે. જ્યારે ભારત માટેનો આ દર ૬.૬૦ ટકા પરથી ઘટાડી ૫.૪૦ ટકા મુકાયો છે. વેપાર તથા પર્યટન ક્ષેત્રમાં તથા પૂરવઠા સાંકળ ખોરવાઈ જવાને કારણે આર્થિક વિકાસ પર અસર જોવા મળશે, એમ મૂડી'સના રિપોર્ટમાં જણાવાયું છે.

મૂડી'સે તેના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસનું જોર પ્રબળ બનતા તેણે હવે મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. આ વાઇરસે એક પછી એક ૫૦થી પણ વધુ દેશોને ભરડામાં લેતા મહામારીના અણસાર પણ વધી રહ્યા છે. અગાઉ અમે ૨૦ ટકા મહામારીનો અંદાજ મુક્યો હતો. પણ તેનું વરવું વિકરાળ સ્વરૂપ જોતા આ અંદાજ વધારીને ૪૦ ટકા કરી દીધો છે. આપ, કોરોના વાઇરસ વકરવાના કારણે વૈશ્વિક અર્થતંત્રને ઠેસ પહોંચી છે. જો આ વાઇરસ વધુ પ્રબળ બનશે તો ૨૦૨૦નાં કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસ સુધી વૈશ્વિક અર્થતંત્રની વૃધ્ધિ ખોરવાઈ જશે. કોરોના વાયરસના કારણે દુનિયાના દરેક દેશને અસર થઇ છે. કોરોના વાયરસના કારણે સૌથી વધુ અસર ચીનને થઇ છે. હાલમાં ચીન દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. તેના કારણે દુનિયાના તમામ સેકટરમાં તેની અસર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે તમામ વસ્તુના સપ્લાયની સાયકલ ખોરવાઈ ગઇ છે. વૈશ્વિક વેપાર પર દેખરેખ રાખતી એનાલિસિસ ફર્મના જણાવ્યા મુજબ ઓછામાં ઓછી ૫૧૦૦૦ જેટલી કંપનીને અસર થઇ છે જેમાંથી ૧૬૩ જેટલી કંપની તો ફોર્ચ્યુન ૧૦૦૦માં સામેલ છે.

ચીનના સંકટના કારણે ભારતીય અર્થતંત્રને પણ મોટા પાયે અસર થઇ છે. ચીન ભારત સાથે વેપાર કરતો બીજો સૌથી મોટો દેશ છે. ૨૦૧૮-૧૯માં ભારતે ચીન પાસેથી ૧૩.૭ ટકા આયાત કરી હતી અને ૫.૧% નિકાસ કરી હતી. ભારતીય ફાર્મ ઉદ્યોગ તો સંપૂર્ણ પણે ચીન પર જ આધારિત છે કારણ કે તેનું મોટા ભાગનું રોમટીરીયલ ચીનથી જ આવે છે. ભારત મોબાઈલનું પણ મોટું માર્કેટ છે. હાલમાં ભારતના મોબાઈલ માર્કેટનું મૂલ્ય ૩૦ બિલિયન ડોલર જેટલું થાય છે. મોબાઈલ ફોન ઉદ્યોગ પણ મોટા પાયે ચીન પર નિર્ભર છે. વાયરસના સંકટના કારણે સ્માર્ટ ફોન, ટીવી અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને મોટાપાયે અસર થઇ છે. આના કારણે એ-કોમર્સ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટા પાયે અસર થઇ છે. ભારત ચીનથી મોટા પાયે હેવી મશીનરી મંગાવે છે. ભારતની કુલ આયાતની ૨૮ ટકા હેવી મશીનરી ચીનથી આવે છે. આ કારણે મોટા ભાગના ભારતીય ઉદ્યોગને અસર થઇ છે.

હાલ ચીનમાં આ વાઈરસના કેસ ઘટી રહ્યા છે પરંતુ વિશ્વના અન્ય દેશોમાં તેનો પગ પેસારો એટલો મજબત છે કે ભાગ્યે જ કોઈ ખંડ આ વાઇરસથી મુક્ત રહ્યો હોય. વૈશ્વિક વેપારમાં ચીનનો હિસ્સો ૧૪ ટકા જેટલો જ છે. પરંતુ ચીન સીધી યા આડકતરી રીતે વિશ્વના તમામ દેશો સાથે વેપારના મુદ્દાને લઇને સંકળાયેલું છે. આ કારણથી જ ચીન સાથે વિશ્વભરના આર્થિક પ્રવાહો સાથે સંકળાયેલા છે. અને તેનો લીધે જ ચીનમાં પ્રસરેલા આ વાઇરસની સમગ્ર વિશ્વના દેશો, વિશ્વના બજારો પર એક સાથે જ ભારે પ્રતિકૂળ અસર જોવા મળી છે. તેમજ આ મુદ્દાને લઇને ઉદ્ભવનાર ગંભીર આર્થિક અસરોને કારણે વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બની રહ્યો છે....



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39fFgNh
Previous
Next Post »