
વિશ્વબજારમાં માત્ર એક જ 'કોરોના વાયરસ'નો ભય સૌને મુંજવે છે અને દરેક ક્ષેત્રે મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે તથા કોરોના વાયરસના ભયે રોકાણકારો સ્વર્ગસમા રોકાણ એવા 'સોના' તરફ આકર્ષાઈને પોતાની મૂડીને સલામત રાખવાનું સાધન સમજીને સોનાની ખરીદી કરવાનું ગાંડપણ કરી રહ્યા છે.
ત્યારે ફેડ બજારમાં વધુ નોટો છાપીને નાણાનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં કરીને બજારને નાણાથી છલ્લાછલ કરવાની નીતિ અપનાવી રહ્યું હોવાને કારણે પણ લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. વિશ્વના દેશોમાં કોરોનો વાયરસનો ચેપ ઈટાલી, દક્ષિણ કોરીયા તથા ઈરાનમાં મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ચીનમાં ૭૭૦૦૦ લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે ત્યારે વિશ્વના અન્ય દેશોમાં ૨૨૦૦૦ લોકો આ રોગચાળાનો શીકાર બન્યા છે અને લગભગ ૨૫૦૦ લોકો મૃત્યુ પામ્યા છે.
આ કોરોના વાયરસને નવુ નામ 'કોવીડ-૧૯'નું મળ્યું છે અને તે ભયંકર નામથી સૌ થરથરે છે. તેમાં અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર પ્રમુખની ચૂંટણી લડવાના છે તેવા અણસારે ડોલર નરમ પડી રહ્યો છે અને શેરબજારના કકડભૂસના સમાચાર રોકાણકારોને ગભરાવે છે. ઉપરાંત ચીન તથા અમેરીકા વચ્ચેના ટ્રેડવોરના વાવડ શાંત નથી થયા તેની પણ લાય બજારને લાગી છે અને રોકાણકારો નાણાની સલામતી શોધવા 'સોના'નો આશરો લઈ રહ્યા હોવાથી સોનાના ભાવોમાં અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા ૯-૯ દીવસથી સોનાના ભાવમાં એકધારો વધારો સોનાના ભાવને ઉંચકીને ૧૬૫૦ ડોલર પ્રતિ ઔંસથી વધારીને ૧૬૮૮ ડોલર પ્રતિ ઔંસ તરફ લઈ જતા રોકાણકારો દરેક ભાવે સોનું ખરીદવા બજારમાં આવી રહ્યા છે.જોકે સપ્તાહના અંત ભાગમાં સોનાના ભાવ ઉંચેથી નીચા આવ્યા છે તથા ૧૬૨૦થી ૧૬૩૦ ડોલર રહ્યા છે.
૨૦૧૯ના વર્ષ કરતા ૨૦૨૦ના શરૂઆતના, બે માસમાં ૧૧ ટકા સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં અઠવાડીયા દરમિયાન ૬૦-૬૫ સેન્ટ પ્રતિ ઔંસની વધઘટ નોંધાઈ છે. ચાંદી ઉંચામાં ૧૮૫૧ સેન્ટ અને નીચામાં ૧૭૮૬ સેન્ટના ભાવ દેખાડી આવી અને ૧૮૧૦ સેન્ટની આસપાસ અથડાઈ ગઈ છે.
કોરોના વાયરસના ભયે રોકાણકારો સોના પછી ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે. ચાંદીની ખાણના ઉત્પાદનને વધારવા નવા પ્રોજેક્ટ શરૂ કરવા નવા નાણાની જોગવાઈ કરવા લાગ્યા છે. ચીનમાં કોરોના વાયરસના આતંકને કારણે સોલાર એનર્જી ક્ષેત્રની માંગ ઘટશે. પરિણામે ચીનની ચાંદીની માંગ ઘટશે છતાં પૂરવઠાની સ્થિતિ યથાવત રહેતા માંગ સામે પુરતો ચાંદીનો પુરવઠો મળતાં ચાંદીમાં ઝડપી ઉછાળો આવવાની શક્યતા ભલે ઓછી દેખાય પણ લાંબા ગાળે ચાંદીના ભાવો ઉછળશે.
ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં સટ્ટોડીયાઓ લેણની પોઝીશન વધારી રહ્યા છે. જે સંકેત આપે છે કે ચાંદીના ભાવમાં મંદી નહીં આવે અને તેજી રહેશે.
વિશ્વમાં જુની ચાંદીના સ્ક્રેપના આવકમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. જે પૂરવઠાની સ્થિતિમાં અછત વર્તાવશે. એકંદરે ચાંદી ૧૮૦૦ અને ૧૯૦૦ સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે અથડાશે.
સ્થાનિક સોનાના ભાવો વૈશ્વિક સોનાની તેજીએ માત્ર એક જ દીવસમાં રૂ.૧૦૦૦ પ્રતિ દસ ગ્રામનો ઉછાળો નોંધાવતા બજારના વેપારીઓ તેજી- તેજીનું વલણ અપનાવતા હતા તેઓ સ્તબ્ધ બનીને પોતાના લેણના સોદાઓ સરખા કરવા લાગ્યા. સોનાનો ભાવ રૂ.૪૧૦૦૦થી વધીને રૂ.૪૩૪૦૦ બોલાતા બજારમાં કોરોના વાયરસને કારણે ભાવો ભડકે બળશે તેવી લાગણી અનુભવાઈ અને વેપારીઓ તથા સટ્ટોડીયાઓ તેજી મૂકવા લાગ્યા.
બજારમાં હોળાષ્ટક નજીક હોવાને કારણે લગ્નસરો પુરો થતા અને મોંઘવારી તથા શાહીનબાગમાં સીએએ વિરુધ્ધ આંદોલને ભારતના દરેક રાજ્યમાં સરકારના નવા કાયદા વિરુધ્ધ હોબાળો મચતા અને ટ્રમ્પની રવાનગી સમયે દીલ્હીમાં હીંસા ભડકતા લોકોનું ધ્યાન સોના પરથી હટી ગયું અને સૌ કોઈ વેપારથી દૂર રહેવા લાગ્યા. પરિણામે સોનાનું ભાવોમાં પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો અને ગુરુવારે સ્થાનિક બજારમાં સોનાનો વાયદો હાજર વગર બીલમાં સોનું તથા બિલમાં સોનાનો ભાવ સમાન સમાન બોલાવા લાગ્યો અને સોનું રૂ.૪૨૭૦૦ પ્રતિ દસ ગ્રામની આસપાસ અથડાવા લાગ્યું છે.
સોનાનો ભાવ વધવા છતાં જુનું સોનું વેચવા ઘરાકો આગળ નથી આવ્યા અને જુના સોનાની આવકમાં કશો વધારો નથી થયો.
આયાતકારો દરેક ભાવે મર્યાદીત સોનું મંગાવીને બજારને પૂરવઠો પુરો પાડે છે. દાણચોરીના સોનાની આવક સાધારણ છે. શો-રૂમમાં ઘરાકી ઠંડી પડતી જાય છે અને હોળાષ્ટકમાં સોનાની ખરીદી નહીં નીકળે.
એકંદરે સોનું રૂ.૪૨૦૦૦ જીએસટી વગર પ્રતિ દસ ગ્રામની આસપાસ અથડાશે. નોંધવું રહ્યું કે વાયદા બજારમાં ઘણા વેપારીઓએ સોનાના વેચાણ સરખા કરવામાં મોટી નુકસાની ભોગવવી પડી છે અને સોનાના ભાવના ઉછાળાએ બજાર નવી ખલબલી અનુભવી રહી છે.
સ્થાનિક ચાંદી બજારમાં અઠવાડીયા દરમિયાન રૂ.૨૦૦૦ પ્રતિ કિલોની વધઘટ જોવા મળી છે. ચાંદી વધીને રૂ.૪૯૪૦૦ અને ઘટીને રૂ.૪૭૫૦૦ પ્રતિ કિલો જીએસટી વગર ક્વોટ થઈ છે.
બુલીયનના વેપારીઓ મુંજવણમાં છે અને આ ચાંદીના મોટા ભાવની વધઘટને કારણે સોદાઓ કરતા અચકાય છે. હાજર ચાંદીની લે-વેચમાં રૂ.૨૦૦ પ્રતિ કિલોનો ગાળો રાખીને ભાવ ક્વોટ કરે છે પરંતુ સાંજે સ્ટોક યથાવત રાખીને ચાંદીનું નવું લેણ કરવાના વલણને મર્યાદીત કરે છે. આયાતકારો દરેક ભાવે ચાંદી મંગાવીને વાયદા કરતાં રૂ.૧૦૦ ઉંચે- નીચે ચાંદી વેચીને વેપાર સરખો કરીને સ્ટોક યથાવત રાખે છે.
જુની ચાંદીની આવક નહિ છે. શોરૂમમાં હોળાષ્ટકની અસર દેખાતા ઘરાક નબળી છે. એકંદરે ચાંદી રૂ.૪૭૦૦૦ની રૂ.૪૮૦૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાશે પરંતુ બજારમાં વેપારીઓની ચર્ચા છે કે ચાંદી રૂ.૫૫૦૦૦ પ્રતિ કિલોનો ભાવ દાખવે તો નવાઈ નહીં!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TpNiMK
ConversionConversion EmoticonEmoticon