નડિયાદ,તા.06 માર્ચ 2020, શુક્રવાર
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ધમધમાટ વચ્ચે આજે ફાગણ સુદ એકાદસીના દિવસે શ્રીરણછોડરાયજીના મંદિરમાં આમલકી એકાદશીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સાંજે ઉત્પાથન આરતી બાદ પ.૩૦ના અરસામાં અબિલ ગુલાલની છોડ ઉડાડી ગજરાજ (હાથી) ઉપર શ્રીજીની ભવ્ય સવારી નીકળી હતી. સાત રંગોની રસછોળો વચ્ચે ધૂળેટીના વધામણાં કરાયા હતા.
ડાકોરના મંદિરમાં આમલી અગિયાસરના પર્વનું ઘણું મહાત્મય છે. સવારથી મંદિરમાં શ્રીજી સમક્ષ દરેક ભોગ બાદ અબીલ-ગુલાલની રસછોળો અને પીચકારીમાં કેસૂડાના જળનો છંટકાવ કરવા આવે છે.વૈષ્ણવ સમુદાયમાં આમલકી એકાદશીના ઉત્સવનો અનેરો મહિમા છે. ડાકોરના શ્રીરણછોડરાયજી મહારાજના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા અનુસાર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજીને વિવિધ આભૂષણોના સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. સવારે ત્રણ ભોગ ખુલ્યા બાદ શણગાર આરતી કરવામાં આવી હતી.
એ સમયે પિચકારીમાં કેસૂડાના જળ ભરી શ્રીજી સન્મુખ તેનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ અબીલ-ગુલાલ સાથે સાત રંગોની રસછોળો ઉડાડી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે ઉત્પાથન આરતી બાદ ગોપાલલાલજી મહારાજને સુંદર શણગાર કરી અંબાડીથી સુશોભિત ગજરાજ ઉપર ઢોલ-નગારા અને બંસરીની ધૂન વચ્ચે વાજતેગાજતે શ્રીજીની ભવ્ય સવારી નીકળી હતી.
આ સવારી ગૌશાળા અને લાલબાગ પહોંચી હતી. જ્યાં પણ રંગોની રસછોળો ઉડાડી હોળીના લોકગીતોની રમઝટ વચ્ચે ધૂળેટીના વધામણાં કરવામાં આવ્યા હતા. રાત્રે આ સવારી મહાલક્ષ્મી માતાના મંદિર પહોંચી હતી. જ્યાં શ્રીજીની આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ આ સવારી વાજતેગાજતે નિજમંદિર પરત આવી પહોંચી હતી.
આમલી અગિયારસના આ વરઘોડાનું મહત્વ એ છે કે ગજરાજ ઉપર અને નીચેના ભાગે સવારીમાં જોડાયેલા યુવકો દ્વારા અબીલ-ગુલાલની છોળો ઉડાડવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. ફાગણી પૂનમનો મહાઉત્સવ હવે નજીકમાં છે ત્યારે રાત્રે આ ઉત્સવ સંપન્ન થયા બાદ ફાગણી પૂનમની ઉજવણીને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ થશે. ડાકોર મંદિરમાં આમ તો વસંત પંચમીના ઉત્સવથી શ્રીજી સન્મુખ સવારે શણગાર ભોગ બાદ રંગોનો છંટકાવ કરવામાં આવે છે. જ્યારે આમલી અગિયારસથી ડોલોત્સવ (ફુલડોળ ઉત્સવ) સુધી સવારથી સાંજ સુધી રંગોનો છંટકાવ કરવામાં આવે છે. આ પ્રસંગે ભાવિકો શ્રીજી સન્મુખ ભક્તિના રંગમાં રંગાઈ ધન્યતા અનુભવે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38vL4B0
ConversionConversion EmoticonEmoticon