હોળીએ જમના ઢંઢોળી .


માનવીના મૃત્યુ પછી તેના અસ્થિ નદીમાં વહાવી દેવામાં આવે છે. અસ્થિ સાથે મોતની રાખ પણ ભળેલી જ હોય છે. બલકે અસ્થિ એટલે જ જિંદગીની રાખ.

માનનારા માને છે કે મૃત્યુ બાદ, મરનારનું શરીર રાખ થઈ જાય છે. એ રાખ જો નદીમાં પધરાવવામાં આવે તો મરનાર સ્વર્ગે જાય છે.

જાય જ છે કે કેમ ? તેની કોઈને ખબર નથી. કોઈ મરેલું પાછું આવતું નથી કહેવા કે તેનું શું થયું ? મરનારને સ્વર્ગની મંઝિલ મળી કે બીજી કોઈ દિશા ?

આમ જુઓ તો મૃત્યુ એટલે અંત. મરનારને બાળો- દાટો કે નદીમાં વહાવી દો, એની સાથે મરનારને શી લેવા દેવા ?

આપણા પહેલા વડાપ્રધાન ચાચા નહેરૂ, એટલે કે જવાહરલાલ નહેરૂએ એવી ઇચ્છા પ્રગટ કરી હતી કે, મારા મૃત્યુ બાદ મારી રાખ વિમાનમાંથી સારાય દેશમાં ભભરાવજો કે જેથી હું ભારતમાતાની કણેકણ રજકણ સાથે ઓતપ્રોત થઈ જાઉં.'

પણ આજે આપણે વાત હોળીકાની રાખની કરવાની છે.

હોળીકા પ્રહલાદને બાળવા અગ્નિમાં પ્રવેશી. ખોળામાં લીધો પ્રહલાદ. આગ ભડભડ ભડભડ બળવા લાગી.

બધાને મન કે પ્રહ્લાદ બળી મરશે. રાખ થઈ જશે.

હોળીકાને પોતાને તો વરદાન હતું કે તે કદી આગમાં બળી શકે નહિ. આગમાં તેને ઊની આંચ પણ આવે નહિ.

પણ કહેનારા કહે છે કે સત્ય કદી બળતું નથી. બળી મરતું નથી. સત્ય ડૂબતું નથી કે સત્યને મૃત્યુ જ હોતં  નથી. બાળક એવું જ સત્ય હોય છે. પ્રહ્લાદ તો પાછો ભગવાનનો ભક્ત હતો. તે બળી મરે તો દુનિયામાંથી ભક્તિ જ ખતમ થઈ જાય ને! ભગવાનનું નામ જ પછી કોણ લે ?

ભગવાને પોતે જીવતાં રહેવા ખાતર પણ રાક્ષસી હોળીકાને ભસ્મીભૂત કરી નાખી. પ્રહ્લાદ બચી ગયો. તેને તો આ આગ શિયાળાની હુંફાળી ઉષ્મા આપી ગઈ.

રાક્ષસ મરે જ છે, આંતક અંતમાં વિનાશ જ પામે છે. શાસ્ત્રોનો બોધ છે કે છેવટે તો હિંસાની જ હિંસા થાય છે અસત્ય બળે છે, સત્ય કસોટીમાંથી કમળ બનીને ખીલી 

રહે છે.

હોળીકા બળી મરી. રાખ થઈ ગઈ.

પ્રહ્લાદ પોતાના ભાઈ આહલાદને કહે : આપણે ફોઇબાની રાખ નદીમાં પધરાવવી જોઈએ. ભલે તે સદ્ગતિ પામે. ભલે તે દાનવી રહી. આપણે તો દાનવીનું ય દાન જ કરવું રહ્યું.

તેમણે હોળીકાની રાખ જમના નદીમાં પધરાવી. પણ આ રાખોડી તો ઝાંખી, શ્યામ, કાળી, મેલી હતી !

કહે છે કે જમાનાના પાણી એટલે જ રાખોડી બની ગયા.

અલાહાબાદમાં ગંગા- જમનાના સંગમ સ્થળે બંન્ને નદીઓ સાથમાં વહે છે, આગળ વધે છે, પણ ગંગાના પાણી સફેદ ધવલતા દાખવે છે. અને જમુનાના પાણી રાખોડી રંગથી આખી જળનાને જ રાખોડી બનાવી દે છે. બંન્ને નદીના પાણી ભળી જતાં નથી. અને ભળે છે તો પણ ગંગા ધવલ રહે છે. જમના શ્યામ માટોડી રાખોડી.

- હરીશ નાયક



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2POyXsj
Previous
Next Post »