આણંદ,તા.09 માર્ચ 2020, સોમવાર
શત્રુ સાથે દ્વેષ ભુલાવીને સ્નેહના રંગમાં રંગાવવાનું પર્વ એટલે હોળી-ધુળેટી. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં સોમવારના રોજ હોળી પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના લગભગ ૩૮૦ ગામોમાં ૭૮૪ જેટલા સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી. સાંજના સુમારે હોલીકા દહનમાં લોકોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો અને હોળીમાં નાળીયેર તથા ધાણી-ચણા સહિતની વસ્તુઓ હોમી પ્રદક્ષિણા કરી હતી. હોળી પર્વ નિમિત્તે જિલ્લાના વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંગળવારના રોજ જિલ્લાભરમાં ધૂળેટી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં સોમવારના રોજ હોલિકાદહન કાર્યક્રમ યોજાયા હતા. સોમવારના રોજ સાંજે ૬ઃ૪૫થી રાત્રિના ૭ઃ૩૩ દરમિયાન હોળી પ્રાગટય માટે શુભમૂર્હત હોય સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર હોળી પ્રાગટય કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ ગામોમાં મળી લગભગ ૭૮૪ જેટલા સ્થળોએ હોલીકાદહનના કાર્યક્રમ યોજાયા હતા. આણંદ શહેરમાં કુલ ૮૦ સ્થળો ખાતે હોલીકાદહન કરવામાં આવ્યું હતું. સાંજના સુમારે હોળી સમક્ષ પૂજા-અર્ચના કર્યા બાદ હોલીકાદહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાનગર સ્થિત સ્ટ્રાઈકર પરિવાર અને ભગતસિંહ ઓલ ઈન્ડીયા યુથ કાઉન્સીલના સભ્યો દ્વારા ઈકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૦૦૦ છાણાં ઉપરાંત નાળિયેર, કપૂર, ખજૂર, ધાણી, પેપરબેગ અને પર્યાવરણ અનુલક્ષી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેઓ દ્વારા નફરત, જાતિવાદ, ધર્મવાદ, પ્રાંતવાદને બાળી નાખી એકતા, અખંડતા, માનવતા અને પ્રેમના રંગોથી ભારતને રંગવાનું સૂત્ર અપનાવવા નાગરિકોને અપીલ કરી હતી.
આણંદ શહેરના બેઠક મંદિર ખાતે પણ પાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં હોલીકાદહન કાર્યક્રમ યોજાયો હતો. હોળી પર્વ નિમિત્તે જિલ્લામાં ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા તથા ૬ ડીવાયએસપી, ૧૫ પી.આઈ., ૩૫ પીએસઆઈ, ૬૦૦ પોલીસ જવાન, ૧૧૦૦ હોમગાર્ડ, ૩૦૦ જીઆરડી હોમગાર્ડ તથા ૨૫ પોલીસના ખાનગી વાહનો સાથે ૨૨ જેટલા વીડીયોગ્રાફર દ્વારા સતત પેટ્રોલીંગ કરાયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TW5fCK
ConversionConversion EmoticonEmoticon