કોરોના રૂ કોમોડિટીમાં 10થી 15 ટકાના ગાબડાથી મંદી


રોકાણકારો માટે ગયું અઠવાડિયું ખૂબ જ ઘાતક રહ્યું છે. કોરોના વાઇરસના લીધે વિશ્વભરના બજારોમાં ભારે અફડાતફડી માહોલ રહ્યો છે. કોમોડિટી, ઇક્વિટીથી લઈને વિશ્વની આર્થિક પરિસ્થિતિમાં મંદીનો વાઇરસ ફેલાતા કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. ઉત્પાદનમાં કાપ મૂકવાના પ્રસ્તાવ ઉપર સમાધાન નહિ થતા કાચા તેલના ભાવોમાં છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડબ્રેક ઘટાડો થઈ રહ્યો છે. માંગમાં ઘટાડો થતાં મેટલ તેમજ કૃષિ સહિત મોટા ભાગની કોમોડિટીમાં વેચવાલીનું પ્રેશર રહેતાં ૧૦થી ૧૫ ટકા સુધી બજાર તૂટયું છે. કૃષિ બજારોમાં ગયા અઠવાડિયામાં ગવાર ગમમાં ૭૦૦ રૂા., ધાણામાં ૫૦૦ રૂપિયા, જીરૂ, હળદર, સોયાબીન, ગવારસીડ ચીજોમાં ૩૭૦થી ૪૦૦ રૂપિયાનો કડાકો થયો છે.

ગવાર ગમની બજાર ૬૩૦૦થી તૂટીને ૫૬૦૦ના લેવલે, ધાણા બજાર ૬૨૦૦થી તૂટીને ૫૭૦૦, હળદર બજાર ૬૦૦૦થી તૂટીને ૫૬૦૦ તેમજ જીરૂ વાયદો પ્રતિ કિલોએ ૧૩૫ રૂા. તૂટીને ૧૩૧ થયો હતો પરંતુ સપ્તાહના છેલ્લા દિવસે ચાર રૂપિયાના ઉછાળા સાથે ૧૩૫ના લેવલે રહ્યો હતો. મોટે ભાગે ઘણી ચીજોમાં લોઅર સર્કિટનો મારો છવાયેલો રહ્યો હતો. હાલમાં કૃષિ બજારોમાં હાજરમાં રવિ પાકોના માલોની આવકો દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. ઉભા બજારમાં જીરાની ૪૫૦૦ બોરી, વરીયાળીની ૫૦૦૦ બોરી તથા હવે ઇસબગુલની પણ નવી આવકોના શ્રીગણેશ થયા છે. રવિ પાકોના દોઢા ઉત્પાદન સામે હાલમાં ઘરાકી મર્યાદિત હોવાથી મંદીનો માહોલ ગંભીર બનતા વેપારીઓમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જીરૂ વાયદામાં તથા હાજરમાં બજારો સતત તૂટતા હોવાથી નીચે કયા સ્તરે બજાર અટકશે તે મુશ્કેલ બન્યું છે.

કોરોના વાઇરસના ગભરાટને કારણે ગ્લોબલ ઇકોનોમી ઉપર ભારે સંકટ તોળાઈ રહ્યું છે. બજારોમાં વેપારો બંધ છે. નાણાંકીય વ્યવહારો ઉપર અસર પડી રહી છે. રોકાણકારોમાં પણ ભારે ગભરાટને કારણે જે કાંઈ પણ હાથ ઉપર છે તે વેચીને નાણાં કેશ કરી રહ્યા છે. કોઈ પણ જાતનો ટેકનિકલ સપોર્ટ કે મંદીનું લેવલ અનિશ્ચિત થયું હોવાથી મૂડી સલામત ક્યાં રહેશે તેનો ભય માનસપટલ ઉપર હાવી છે. શેરબજારમાં પણ કોરોના વાઇરસની અસરના કારણે છેલ્લા એક મહિનામાં ૧૨૦૦૦ પોઇન્ટ અને છેલ્લા અઠવાડિયામાં ૮૦૦૦ પોઇન્ટનો નોંધપાત્ર ઘટાડો થતાં રોકાણકારોની પરિસ્થિતિ મુશ્કેલ બની છે.

કૃષિ બજારોમાં રવિ પાકના ઉત્પાદનો બાબતે વિવિધ એજન્સીઓના પાક સર્વે બાબતે ભારે મતમતાંતર રહેતા તેની અસર બજાર ઉપર રહે છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં એરંડા તથા જીરા જેવા પાકોનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ખેડૂતો માટે સૌથી વધારે સમસ્યા કૃષિ બજારોમાં જાતજાતની અફવાઓ છે કૃષિ બજારોમાં હાજર કરતા વાયદાનું ધોરણ હાવી છે. વાયદામાં મોટે ભાગે સટ્ટાકીય તત્ત્વોની સાંઠગાંઠ હોવાથી તેઓ પોતાના ફાયદા પ્રમાણે બજારો ચલાવી રહ્યા છે. ભૂતકાળમાં સટ્ટાને કારણે વાયદામાં એરંડા, ગવાર, જીરૂ સહિત અનેક ચીજોમાં નોંધપાત્ર વધઘટ રહેતાં સરવાળે ખેડૂતોને સહન કરવું પડયું છે. સરકાર એક તરફ ખેડૂતોને ૨૦૨૨ સુધીમાં આવકો ડબલ કરવા જાહેર કરેલ છે. પરંતુ સટ્ટાકીય પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને હાલમાં ટેકાના ભાવો કરતા નીચા ભાવે માલો વેચવા પડી રહ્યા છે. સરકાર અને છઁસ્ભ એ આ માટે નિયંત્રણ લાદવા હવે જરૂરી બન્યું છે. પાકોના વાવેતરથી માંડીને ઉત્પાદન સુધીના આંકડાઓ મોટે ભાગે રેન્ડમલી હોવાથી માત્ર અનુમાનો ઉપર કૃષિ બજારો ચાલી રહ્યા છે. જેમાં ખેડૂતો કરતા વેપારી વર્ગની પકડ વધુ હોય છે.

કાચા તેલના ઉત્પાદન ઉપર આરબ દેશો અને રશિયા વચ્ચે સમાધાન નહિ થતાં ફાટી નીકળેલા પ્રાઇસ વોરને કારણે બજારોમાં ભયંકર મંદી ફેલાઈ છે. કાચા તેલના ભાવો છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી નીચા સ્તરે પ્રતિ બેરલે ૩૦ ડોલર સુધી તૂટયા છે. રશિયા કાચા તેલનું ઉત્પાદન વધારવાના મૂડમાં અને આરબ દેશોમાં ૨૦થી ૨૫ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપીને માલ વેચવાના મૂડમાં હોવાથી એકબીજાના ઇગો ટકરાવાથી સમગ્ર વિશ્વનો આર્થિક માહોલ ખરાબ કર્યો છે. ઓઇલ ઉત્પાદક દેશો વચ્ચેની લડાઈમાં કાચા તેલની બજાર હજી તૂટીને ૨૦ ડોલરની સપાટીએ હવે આવે તો પણ નવાઈ નહિ. કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં લોકોની તેમજ માલોની આવનજાવન ઉપર બ્રેક વાગી જતાં ટ્રાન્સપોર્ટેશનને ફટકો પડતા કાચા તેલના વપરાશ ઉપર પણ નોંધપાત્ર અસર થઈ રહી છે. વિદેશી વેપારોમાં પણ નાણાંકીય વ્યવહારોની અનિશ્ચિતતા વેપારીઓને સતાવી રહી છે.

કોરોના વાઇરસની અસરથી ડોલર સામે રૂપિયો નબળો પડી ૭૫ રૂપિયાની સપાટી સુધી નીચે રહ્યો છે. FII દ્વારા સ્થાનિક શેરબજારો તથા કોમોડિટીઝમાં વેચવાલી પ્રેશર રહેતાં રૂા. ઉપર અસર પડી છે. વૈશ્વિક મંદીના માહોલમાં રોકાણકારો માટે સોનું એકમાત્ર સલામત વિકલ્પ રહેતા ફેબુ્રઆરીમાં ગોલ્ડ ETF માં રોકાણ ૧૪૮૩ કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક રોકાણ થયું છે. સતત ચાર મહિનાથી ગોલ્ડ ETF  રોકાણ વધી રહ્યું છે. રોકાણકારો શેરબજાર તથા કોમોડિટી સહિત અન્ય નાણાં ઉઠાવી સોના તરફ ફંટાઈ રહ્યા છે. સોનામાં સતત તેજીના માહોલ વચ્ચે ગયા અઠવાડિયામાં સોના- ચાંદીમાં પણ કરેક્શન થયા છે.

સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે ૩૦૦૦/- રૂપિયાના ગાબડા સાથે ભાવો સરેરાશ ૪૦૫૦૦ની આસપાસ ચાંદીમાં પણ ૪૦૦૦ રૂપિયાના ગાબડા સાથે ભાવો સરેરાશ ૪૦૫૦૦ની રૂપિયા પ્રતિકિલોના સ્તરે નીચા રહ્યા છે. શેરબજારના ભારે ગાબડાના કારણે પડેલા માર્જિનના ભાર તેમજ અન્ય સંપત્તિમાં થયેલા નુકસાનને બેલેન્સ કરવા સોનામાં વેચવાલીનું પ્રેશર રહેતાં સોના-ચાંદીની તેજીને ગયા અઠવાડિયે બ્રેક વાગી છે. સાથે સાથે સોના-ચાંદીમાં નફારૂપી વેચવાલીનું પ્રેશર પણ અસરકારક રહ્યું છે. જો કે હાલમાં સોના-ચાંદીની માંગ લગભગ તળિયે છે. કોરોના વાઇરસ વિશ્વભરમાં ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી બજારોમાં હજી પણ મંદીનુ સંકટ યથાવત્ રહેવાની ગણત્રી જોવાઈ રહી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33maobR
Previous
Next Post »