જિલ્લા સંઘના અધ્યક્ષે ગાડીનો ઉપયોગ કરવા મુદ્દે આચાર સંહિતા ભંગની ફરિયાદ


આણંદ,તા.21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

આણંદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી તા.૨૭મી ફેબુ્રઆરીના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જો કે જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ઝંપલાવનાર જિલ્લા સંઘના અધ્યક્ષ સી.ડી. પટેલ સામે હરીફ ઉમેદવારે સંઘની ગાડીનો ઉપયોગ કરવા મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. જો કે આ મામલે પ્રાંત કચેરીને ફરિયાદ મળતા તુરત જ કાર્યવાહી કરી સંઘની ગાડી મુકાવી દીધી હોવાના અહેવાલ સાંપડયા છે.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી તા.૨૭મી ફેબુ્રઆરીના રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા સહકારી સંઘ પર કબ્જો જમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસમકસ જોવા મળી રહી છે. વ્યક્તિગત સભાસદ અને ઉમેદવારો પૈકી જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડા, સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમાર તથા સોજિત્રાના રજનીકાન્તભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. તો બીજી તરફ ભાજપના પૂર્વ સહકારી મંત્રી અને જિલ્લા સંઘના અધ્યક્ષ સી.ડી.પટેલે આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તેઓની સાથે તેમના પત્ની અને પુત્રએ પણ ઉમેદવારી નોંધાવી છે.

ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ આચારસંહિતા અમલી બની હોવા છતાં પૂર્વ સહકાર મંત્રી સી.ડી.પટેલ દ્વારા સંઘની ગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ પ્રાંત કચેરી ખાતે કરતા સ્થાનિક રાજકારણ ગરમાવા પામ્યું છે. આચારસંહિતા અમલી હોવા છતાં સી.ડી.પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ તેઓના હરીફ ઉમેદવાર ભરતભાઈ પટેલે કરી હતી. જો કે આ મામલે પ્રાંત કચેરીના અધિકારીઓને ફરિયાદ મળતા તેઓએ તુરંત જ કાર્યવાહી હાથ ધરી સંઘની ગાડી મુકાવી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

અહેવાલ સંઘને મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ

આ અંગે આણંદ પ્રાંત કચેરીનો સંપર્ક કરી પૃચ્છા કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણીની શરૂઆતમાં જ આ મામલે ફરિયાદ મળી હતી. આચારસંહિતા અમલી બની ત્યારે જ સંઘની ગાડીનો ઉપયોગ કરવા અંગે હરિફ ઉમેદવારે ફરિયાદ આપી હતી. જે અંગે કચેરી દ્વારા તુરંત જ કાર્યવાહી કરી સંઘની ગાડી મુકાવી દેવામાં આવી હતી અને આ મામલે જિલ્લા સહકારી સંઘને અહેવાલ મોકલવા માટેની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c35btt
Previous
Next Post »