
આણંદ, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર
છેલ્લા એક સપ્તાહથી આણંદ શહેરમાં પાલિકાની ટીમ દ્વારા ચલાવવામાં આવેલ ઢોર પકડો અભિયાન અંતર્ગત મંગળવાર સવારના સુમારે આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચાર જેટલી રખડતી ગાયોને પાંજરે પુરવામાં આવી હતી. જો કે પાલિકાની આ કામગીરીથી નગરજનોમાં ખુશી છે તો બીજી તરફ ગોપાલકોમાં નારાજગી વ્યાપી છે. જેને લઈ ગોપાલકોનો પક્ષ લઈ કેટલાક કાઉન્સીલરો દ્વારા પાલિકાના કર્મચારીઓને ગર્ભિત ધમકી આપવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી પણ જાણવા મળેલ છે.
વધુમાં મળતી વિગતો મુજબ છેલ્લા ઘણાં વર્ષોથી આણંદ શહેરના રાજમાર્ગો ઉપર માથાના દુ:ખાવા સમાન બનેલ રખડતા પશુઓની સમસ્યા અંગે હાઈકોર્ટ દ્વારા કડક વલણ દાખવી જિલ્લા કલેક્ટરને ટકોર કરાતા જિલ્લા કલેક્ટરે આ અંગે બેઠક બોલાવી સંબંધિત તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાતા છેલ્લા એક સપ્તાહથી આણંદ નગરપાલિકાની ઢોર પકડો ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયોને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મંગળવારના રોજ પણ આ કાર્યવાહી જારી રાખતા પાલિકાની ટીમે સવારના સુમારે પરીખભુવન, બસ સ્ટેન્ડ, વિદ્યા ડેરી રોડ વિસ્તારમાંથી કુલ ૪ જેટલી રખડતી ગાયોને પાંજરે પુરી નગરપાલિકાના ડબ્બામાં મોકલી આપી હતી. મળતી માહિતી મુજબ જે ગોપાલકની ગાય પકડાય તેની પાસેથી તે જ દિવસે પોતાની ગાય છોડાવવા માટે બાંયધરી પત્ર ઉપરાંત રૂા.૫૦૦નો દંડ વસુલવાનું નક્કી કરાયું છે.
જો કે બાંયેધરીપત્ર નગરપાલિકામાં રજૂ કરવાનો હોઈ આ વાતથી નારાજ કેટલાક ગોપાલકો દ્વારા પોતાના વિસ્તારના કાઉન્સીલરોને રજૂઆત કરાતા પોતાની વોટબેંક સાચવવા માટે કેટલાક કાઉન્સીલરો દ્વારા પાલિકાના કર્મચારીઓને ગર્ભિત ધમકી આપવામાં આવી રહી હોવાના અહેવાલ સાંપડયા છે. તાજેતરમાં શહેર ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા એક વ્યક્તિએ પાલિકાની ટીમના કર્મચારીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે રસ દાખવી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uOKL6G
ConversionConversion EmoticonEmoticon