
નિરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા, જતિન મહેતા, સાંડેસરા બ્રધર્સને ચૂપચાપ દેશની બહાર મોકલવા એ પણ દેશના હિતમાં હતું ?
૧૬ ફેબુ્રઆરી, ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પોતાના ભાષણ દરમિયાન કલમ ૩૭૦ દૂર કર્યાની અને નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે 'રાષ્ટ્રીય હિત માટે આ નિર્ણયો જરૂરી હતા. ઘણા આંતરરાષ્ટ્રીય દબાણો છતા અમે આ નિર્ણયો સાથે ઉભા છીએ અને સાથે જ રહેશું.' 'રાષ્ટ્રીય હિત' એ જાદુઇ શબ્દ છે. તેઓ શુદ્ધતાનો સંકેત નથી આપતા પણ અંતિમતાનો સંકેત આપે છે, કારણકે વડાપ્રધાને જાહેરાત કરી કે આ નિર્ણયોને રાષ્ટ્રિય હિતમાં લેવામાં આવ્યા હતા. તેમને આશા છે કે આ અંગેની તમામ આલોચનાઓ અને વિવાદનો અંત લાવવો જોઇએ. હું ઘણા વર્ષોથી ભાજપ/એનડીએની સરકારોને જોઉં છું અને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કે જેને તેમણે રાષ્ટ્રીય હિત માટે જરૂરી ગણાવ્યા હતા તેમને ગણવાનો પ્રયત્ન કરું છું. આ યાદી ઘણી લાંબી અને વિવાદાસ્પદ છે. જે કંઇક આ પ્રમાણે છે,
નોટબંધી:
નોટબંધીનો નિર્ણય રાષ્ટ્રીય હિતમાં હતો, સરકારે વારંવાર આ વાત કહી. જ્યારે વિવેચકોએ કહ્યું કે આ એક મોટી ભુલ છે અને તેના પરિણામો વિનાશકારી હશે. કૃષિ, બાંધકામ, છુટક વેપાર અને સ્વરોજગાર જેવા રોકડા પૈસાથી ચાલતા ક્ષેત્રોમાંથી પૈસાને ખેંચી લેવામાં આવ્યો. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના માલિકોએ પોતાના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પાડી, જેમાંથી કેટલાક ઉદ્યાગો તો આજે પણ બંધ હાલતમાં જ છે. જે લોકોએ તે દરમિયાન નોકરી ગુમાવી તે લોકોને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડયું. નોટબંધીનો નિર્ણય દેશના હિતમાં હતો કે દેશની વિરુદ્ધ તે જગજાહેર છે.
જીએસટી:
તેવી જ રીતે જીએસટીના કાયદાને પણ સરકારે રાષ્ટ્રના હિતમાં જ ગણાવ્યો હતો. શું આ કાયદાને બરાબર ડિઝાઇન કરવામાં આવ્યો હતો? જીએસટીના રેટ સાધારણ હતા? સોફ્ટવેર તૈયાર હતા? શું પ્રશાસનની મશીનરી અને અધિકારીઓને તાલિમ આપવામાં આવી હતી? આજેે પણ આ બધા સવાલો એક ચર્ચાનો વિષય છે. બે વર્ષ બાદ જ જીએસટી કલેક્શન ધાર્યા કરતા ઓછુ થયું. જીએસટીના કરનું વળતર રાજ્યોને આપવામાં આવેલા વચન પ્રમાણે નુકસાન ભરપાઇ કરવામાં અપુરતું છે, તો રિફંડ પણ સરકાર અને વેપારીઓ વચ્ચે વિવાદનું કારણ બન્યું છે. જીએસટીને પરત લેવો એ રાષ્ટ્રીય હિતમાં નથી, પરંતુ વર્તમાન સમયે જે જીએસટીનું માળખું છે તે પણ રાષ્ટ્રીય હિતમાં નથી.
કલમ ૩૭૦:
કલમ ૩૭૦ને દૂર કરવાનો નિર્ણય પણ રાષ્ટ્રીય હિતમાં હતો, તેવી સરકારની દલીલ છે. જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી નાંખવું તેને પણ રાષ્ટ્રીય હિતમાં ગણાવવામાં આવ્યું. ૫ ઓગષ્ટ ૨૦૧૯થી કાશ્મીરની તાળાબંધી કરવી તે સર્વોચ્ચ રાષ્ટ્રિય હિત છે. રાજ્યના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીની કોઇ પણ અપરાધ વગર છ મહિના સુધી અટકાયત કરવી, ત્યારબાદ કોઇ કારણ વગર જ તેમના પર પબ્લિક સેફ્ટી એક્ટ લાગુ કરીને બે વર્ષ સુધી તેમની અટકાયત કરવી એ પણ રાષ્ટ્ર હિતમાં છે. સાત મહિનાથી વધુ સમય માટે બંદી પ્રત્યક્ષીકરણની અરજીઓની કાર્યવાહી રોકવી તે પણ રાષ્ટ્રહિતમાં જ હતું. આ યાદી ઘણી લાંબી છે, જેની સાથે કોઇ કાશ્મીરી સહમત નહીં થાય.
સીએએ અને એનઆરસી:
સરકારે દાવો કર્યો કે આસામના નાગરિકો માટે એક નેશનલ રજિસ્ટરનું નિર્માણ કરવું પણ રાષ્ટ્રીય હિતમાં જ હતું. ૧૯,૦૬,૬૫૭ લોકોને વિદેશીઓ અથવા ચતો ગેરકાયદે પ્રવાસીઓ ગણાવવા તે પણ રાષ્ટ્રના હિતમાં જ હતું. તેમને 'ઉધઇ' કહેવા અને ૨૦૨૪ સુધીમાં દેશમાંથી બહાર કાઢવાનું વચન આપવાનું પણ રાષ્ટ્રીય હિતની જ વાત હતી. માત્ર ૭૨ કલાકની અંદર જ નાગરિકતા કાયદો લાગુ કરવો કે જે બિન મુસ્લિમોને નાગરિકતા આપશે અને મુસ્લિમોને જાકારો આપશે (અથવા તો બહાર કાઢી મુકવામાં આવશે) તે સર્વોચ્ચ રાષ્ટ્રિય હિત હતું. ભારતના નાગરિક હોવાના ૧૫ દસ્તાવેજો સાથેના જુબેદા બેગમના દાવાને નકારી કાઢવો એ પણ રાષ્ટ્રીય હિત જ છે. આ બધા રાષ્ટ્રીય હિતમાં લેવાયેલા નિર્ણયોએ દેશને અભુતપૂર્વ ઉથલપાથલમાં મુકી દીધો છે.
રાજદ્રોહ:
જે કોઇ પણ નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં બોલે તેમના પર રાજદ્રોહનો કેસ કરવો તે પણ રાષ્ટ્રના હિતમાં જ છે. શાંતીથી પ્રદર્શન કરતા લોકો પર લાઠીચાર્જ, વોટર કેનન અને ફાયરીંગ કરવું તેમાં પણ રાષ્ટ્રનું હિત જ હતું. (માત્ર ઉત્તર પ્રદેશમાં જ ૨૩ લોકોના મોત થયા છે). નાગરિકતા કાયદાની ટિકા કરતા નાટકને બનાવવા માટે એક શિક્ષક અને માતા પિતાની અટકાયત કરવી તે પણ રાષ્ટ્રના હિતમાં જ છે. ચૂંટણીની રેલી અને સભાઓને સંબોધિત કરતા સમયે ગોલી મારોના નારા લગાવવા અને કોઇ રાજ્યના મુખ્યમંત્રીને આતંકવાદી કહેવા એ પણ રાષ્ટ્રના હિતમાં જ હતું. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની સ્પર્ધાને ભારત પાકિસ્તાન લડાઇ કહેવી તેમાં પણ રાષ્ટ્ર હિત હતું.
બજેટ:
૧૬૦ મિનિટનું બજેટ ભાષણ વાંચવું એ રાષ્ટ્ર હિતમાં હતું. અમુક સો જેટલા કોર્પોરેટરોને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને ૧,૪૫,૦૦૦ કરોડ રૂપિયાની ભેટ આપવી તે પણ રાષ્ટ્રિય હિતમાં છે. કૃષિ ખાદ્ય સુરક્ષા, મધ્યાહન ભોજન યોજના, કૌશલ વિકાસ યોજના અને આયુષ્યમાન ભારતના ખર્ચ પર કાપ મુકવો તે પણ રાષ્ટ્રિય હિત જ હતું. નિરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા, જતિન મહેતા, સેંડેસરા બ્રધર્સને ચુપચાપ દેશની બહાર મોકલવા એ પણ દેશના હિતમાં હતું. આવા રાષ્ટ્રિય હિતોની યાદી ક્યારેય પુરી નહીં થાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2STbs3l
ConversionConversion EmoticonEmoticon