માઇન્સ લીઝ તાજા કરવાની ખર્ચાળ પ્રક્રિયાથી મેટલ્સના ભાવ ઉંચકાશે


દેશમાં જમીનમાં ધરબાયેલા વિવિધ ખનીજ તત્વોને બહાર કાઢવા વિષયક નીતિમાં તાજેતરમાં  સમીકરણોમાં ખાસ્સો બદલાવ જોવા મળ્યો છે. ધી માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન)  એક્ટનું ૨૦૧૫માં એમેન્ડમેન્ટ કરવામાં  આવ્યું હતું. આ દરમિયાન મર્ચન્ટસ તથા છેવાડાના  યુઝર્સ માટે લીઝની લાઈફ વધારવામાં  આવી હતી.  આ દરમિયાન હવે મર્ચન્ટસ માઈનર્સ માટેની માઈનિંગ લીઝીસ માર્ચ ૨૦૨૦ના અંતે  પુરી થઈ રહ્યાના સમાચાર મળ્યા છે. આવી લીઝીસનું ઓક્શન મારફત રિ-એલોકેશન (પુન: ફાળવણી) કરવા તખ્તો ગોઠવાયો છે. આ માટે તાજેતરમાં ઓરિસ્સાની  સરકારે ટેન્ડરીંગ પ્રક્રિયા મારફત બીડસ મંગાવવાનું શરૂ કર્યું હતું. આ પ્રક્રિયા તાજેતરમાં અડધા રસ્તે પહોંચી છે.

આ દરમિયાન માઈનિંગ ક્ષેત્રે કામગીરી કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર સતત આગળ ધપાવવી પણ આવશ્યક રહી છે.  આ માટે ઓરિસ્સા સરકારે આગોતરા શરૂ કરેલા પ્રયત્નોનું માઈનિંગ  ક્ષેત્રના ખેલાડીઓએ સ્વાગત કર્યું છે. ભારતમાં માઈનિંગ ક્ષેત્રે ઓરિસ્સા રાજ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવે  છે. ભારતમાં લોખંડ-સ્ટીલ બનાવવા જે કાચો માલ આયર્ન ઓર વાપરવામાં આવે છે તેનું ૫૦ ટકા માઈનિંગ ઓરસ્સામાં થાય છે. એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ દરમિયાન મળેલા સમાચારો મુજબ ૧૯ કાર્યશિલ માઈન્સ-ખાણો પૈકી આશરે દસ માઈન્સની ઓકશનિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બે તબક્કાઓ ધરાવતી પ્રક્રિયા મારફત આવી ઓફરો મંગાવવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં  ટેકનીકલી  કવોલિફાઈડ બીડર્સ  પાસેથી આરંભીક પ્રાઈસ ઓફર્સ મંગાવવામાં આવી હતી. 

આવી બીડર્સ સરકાર સાથે રેવેન્યુની કેટલી ટકાવારી  શેર કરશે તેના સંદર્ભમાં  આવી પ્રારંભિક પ્રાઈસ ઓફર્સ મંગાવવામાં આવી હતી.  ખાણોમાંથી મહિના દરમિયાન કેટલું  ખનીજ કાઢવામાં આવ્યું તથા કેટલું ખનિજ ડિસ્પેચ કરવામાં આવ્યું તેના ભાગ ગણીને તેનું મૂલ્યાંકન કરવાથી આવી આવકનો આંકડો મળે છે અને આવી આવક માઈનિંગ કરનારી કંપનીઓએ સરકાર સાથે શેર કરવી પડે છે. ઈન્ડિયન  બ્યિરો ઓફ માઈન્સ દ્વારા દર્શાવાતા ભાવના આધારે આવી કિંમત નક્કી કરવામાં આવતી હોય છે.  પ્રથમ તબક્કાની પ્રક્રિયામાં જે સર્વોચ્ચ ઓફર મળે છે તે  ઓફર્સ બીજા તબક્કાની પ્રક્રિયામાં ફલોર ભાવ તરીકે ગણવામાં આવે છે.  આ દરમિયાન, બીડીંગના બીજા તબક્કામાં  જેણે હાઈએસ્ટ બીડીંગ કર્યું હોય એ બીડર્સને  માઈનિંગ માટેના હક્કો  આપવામાં આવે છે.

તાજેતરમાં  પૂર્ણ થયેલી ઓકશન પ્રક્રિયામાં  એક વાત મહત્ત્વની  વાત બહાર આવી છે અને આ વાત મુજબ એકચ્યુઅલ યુઝર્સનો  શેર વધ્યો છે.  જ્યારે સામે  મર્ચન્ટસ માઈનર્સનો શેર  ઘટયો છે.  વિનિંગના ઉંચા પ્રિમીયમો  જો કે ચિંતાનો વિષય બની રહ્યા છે.  ઘણી માઈન્સ માત્ર એકચ્યુઅલ યુઝર્સના બીડીંગ માટે અનામત રાખવામાં આવતાં ત્યાં આવી ખાણોની બીડીંગમાં  મર્ચન્ટસ  માઈનર્સને  દૂર રાખવામાં આવતાં  લેવલ પ્લેઈંગ ફિલ્ડ બધાને સમાન તક આપવાની નિતીમાં વિક્ષેપ પડયો છે.  વર્ષોની જૂની  આવી પરંપરા  નવા બદલાયેલા  જમાનામાં  પણ આગળ વધારાતાં માઈનિંગ ક્ષેત્રે વ્યવહારુ ઉકેલના  બદલે  ભેદભાવ સર્જાતા જોવા મળ્યા છે.

દરમિયાન, બિડીંગમાં માઈનિંંગના હક્કો મેળવનારા  ઉત્પાદકોએ સરકારને પ્રિમિયમો (રેવેન્યુ શેર) ઉપરાંત રોયલ્ટી  તથા અન્ય ખર્ચાઓ ચૂકવવા પડે છે.  ડિસ્ટ્રીકટ મિનરલ ફંડમાં  આવા ઉત્પાદકોએ ભંડોળ આપવું પડે છે. આનો કુલ ખર્ચ રેવેન્યુના આશરે ૧૭ ટકા જેટલો થાય છે. આ ઉપરાંત બીડરે ૧૮ ટકા જીએસટી ભરવી પડે છે. આના પગલે ઘણા કિસ્સાઓમાં રવેન્યુ કરતાં ખર્ચ વધી જતો જોવા મળે છે.  આ ઉપરાંત વેજીસ, સેલરી વિ.નો ખર્ચ પણ થાય છે.  આવા માહોલમાં  એક વિનિંગ  બીડર કઈ રીતે ટકી શકશે? એવું ધાતુ બજારના જાણકારોએ જણાવ્યું હતું. આના પગલે મર્ચન્ટસ માઈનર્સ આવા માહોલમાં   ટકી શકે નહિં જ્યારે એકચ્યુઅલ યુઝર્સ જેવા માઈનર્સ  હજી પણ ઉંચો ખર્ચ પચાવીશકે તેમ છે.  આવો વિકલ્પ માત્ર કેપ્ટીવ માઈનર્સ માટે ખુલ્લો રહે છે. આની અસર જતે દહાડે  સ્ટીલ ઉત્પાદકોના ઉત્પાદન પ્રાઈસીંગ પરપણ જોવા મળશે. આવા માઈનર્સ વપરાશકારો પાસેથી ઉંચા ભાવ મેળવી શકે તેમ છે. આવા માઈનર્સ આયર્ન ઓરનો  ૨૫ ટકા જથ્થો બજારમાં વેંચી શકે છે. આ ટકાવારી  પણ જતે દહાડે  વધી શકે તેમ છે.


સંતરાની નિકાસમાં વૃદ્ધિ: હવે અનાનસની નિકાસ માટે પ્રયત્નો જરૂરી

દેશમાંથી તાજેતરમાં નવ મહિનાના ગાળામાં વિવિધ કૃષી ઉત્પાદનોની કુલ નિકાસમાં આશરે ૧૩ ટકાનો ઘટાડો થયો છે તથા આવી કુલ નિકાસ ઘટી એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં આશરે ૧૧.૬૦થી ૧૧.૬૫ અબજ ડોલર જેટલી થયાનું જાણકારોએ જણાવ્યું હતું. જોકે આ ગાળામાં દેશમાંથી ફ્રેશ ફ્રૂટ (ફળો) તથા વેજીટેબલ્સ (શાકભાજી)ની નિકાસમાં ઘટાડો નોંધાયો છે ત્યારે સામે પ્રોસેસ્ડ વેજીટેબલ્સની નિકાસ આ ગાળામાં વધ્યાના સમાચાર મળ્યા છે. આ ગાળામાં દેશમાંથી ફ્રેશ ફ્રુટ તથા વેજીટેબલ્સની નિકાસ ઘટીને આશરે ૯૦૯ મિલીયન ડોલર જેટલી થઈ છે જે ૨૦૧૮ના આ ગાળામાં આશરે ૧૦૫૬ મિલીયન ડોલર જેટલી થઈ હતી એવું સૂત્રોએ જણાવ્યું હતું. એક મિલીયન બરાબર દસ લાખ થાય છે.

દરમિયાન, આ ગાળામાં ભારતથી પ્રોસેસ્ડ થયેલા પ્રક્રિયા કરાયેલા શાકભાજીની નિકાસ વધી જ્યારે પ્રોસેસ્ડ ફ્રુટ તથા શાકભાજીની કુલ નિકાસના આંકડા ૮૯૬ મિલીયન ડોલર સામે ૮૫૩ મિલીયન ડોલરના આવ્યા છે. આ જોતાં દેશમાંથી પ્રોસેસ્ડ ફળોની નિકાસમાં ફ્રેશ ફ્રુટની નિકાસની જેમજ ઘટાડો જોવા મળ્યો છે અને માત્ર પ્રોસેસ્ડ શાકભાજીની નિકાસ જ સહેજ વધી છે એવું જાણકારો જણાવી રહ્યા છે.

દરમિયાન, ફળ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના સંતરા (ઓરેન્જીસ) માટે વૈશ્વિક સ્તરે વેસ્ટ એશિયાના દેશો મુખ્ય બજાર તરીકે ઉભર્યા  છે. દેશમાં સંતરાનો વિશેષ પાક મહારાષ્ટ્રમાં નાગપુર વિસ્તારમાં લેવામાં આવે છે. મહારાષ્ટ્ર સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ સંતરા ઉગાડતા ખેડૂતો હવે વેક્સ કોટિંગની પ્રક્રિયાને અનુસરતા થયા છે અને તેના પગલે નિકાસ બજારમાં આવા ફળો માટે વધુ રસ બતાવાતો થયો છે. આ પૂર્વે દેશમાંથી સંતરાની નિકાસ બંગલાદેશ તરફ મુખ્યત્વે થતી હતી પરંતુ હવે તાજેતરમાં અમરાવતી ખાતેથી દરીયાઈ માર્ગે આશરે ૧૫થી ૧૬ ટન સંતરા દુબઈ ખાતે મોકલવામાં આવતાં સંતરાની નિકાસમાં નવો અધ્યાય શરૂ થયો હોવાનું ફળ બજારના જાણકારોએ જણાવ્યું હતું. રેફ્રીજરેટેડ કન્ટેઈનર્સમાં આવા આશરે ૧૫૦૦ કેરેટ્સ સંતરા ભરીને દુબઈ તરફ પાઠવવામાં આવ્યા છે.

દેશમાં સંતરાનો પાક વિશેષરૂપે સેન્ટ્રલ તથા વેસ્ટર્ન વિસ્તારમાં થાય છે. આવા સંતરાના પાક પૈકી ફેબુ્રઆરી- માર્ચમાં લેવાતો મોન્સૂન બ્લોસમ નામનો પાક નિકાસ બજારમાં વધુ પ્રચલીત રહેતો હોય છે. સંતરામાં વેક્સ કોટિંગ કરાતાં ફળો વધુ ચમકદાર બને છે તથા વધુ ટકાઉ પણ બનતા હોય છે એવું જાણકારોએ જણાવ્યું હતું. આના પગલે વજનમાં ઘટ આવવાની શક્યતા પણ ઘટે છે કારણ કે વેક્સની લેયરના કારણે સંતરામાં રેસ્પીરેશનની પ્રક્રિયા કાબુમાં રહે છે. મહારાષ્ટ્રમાં વિદર્ભ વિસ્તારમાં ખાસ કરીને નાગપુર ઉપરાંત વર્ધા, અમરાવતી તથા અન્ય જીલ્લાઓમાં સંતરાની ખેતી વિશેષ થતી જોવા મળે છે. સંતરાની બંગલાદેશી તરફ નિકાસ ખાસ કરીને જમીન માર્ગે થતી જોવા મળે છે.

સંતરામાં ગ્રેડિંગ તથા વોશિંગ કરાયા પછી વેક્સીંગની પ્રક્રિયા કરવામાં આવે છે. દુબઈ ઉપરાંત કતાર તથા બહેરીન તરફ પણ હવે નિકાસ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. સંતરાની નિકાસ વધારવા ખેડૂતોને વિશેષ તાલીમ પણ અપાતી થઈ છે. દરમિયાન, ફળ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં પાઈનેપલ- અનાનસના ભાવ ઉંચા ગયા છે. અનાનસના ભાવ પાછલા બે વર્ષ દરમિયાન દબાણ હેઠળ રહ્યા પછી હવે ઉંચા જતાં અનાનસની ખેતી કરતા ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે. કેરળથી મળતા સમાચાર મુજબ આવા પાઈનેપલના ભાવ જાન્યુઆરીથી વધી રહ્યા છે.

કેરળમાં ખેતર બેઠા આવા અનાનસના ભાવ વધી તાજેતરમાં કિલોદીઠ રૂ.૨૬થી ૩૦ સુધી બોલાયા છે. રિટેલ વેચાણના ભાવ આનાથી બમણા બોલાઈ રહ્યા હતા. કેરળના પાઈનેપલ ગ્રોઅર્સ એસોસીએશનના જણાવ્યા મુજબ પાછલા વર્ષે પાક આશરે ચાર લાખ ટન ઉતર્યો હતો તે આ વર્ષે આશરે ૧૪થી ૧૫ ટકા ઓછો મનાઈ રહ્યો છે. ઘણા ખેડૂતો આ વર્ષે પાઈનેપલની ખેતીથી દૂર થયા છે. આ પૂર્વે ભાવ ખેતર બેઠા નીચામાં રૂપિયા ૧૦ સુધી ઉતરી ગયા હતા તેથી ઘણા ખેડૂતો અન્ય પાકો તરફ વળી ગયા છે. દરમિયાન, નિકાસ માગ ધીમી રહી છે. ભારતમાં એમડી-ટુ પ્રકારના અનાનસ ઓછા પાકે છે જેની વિશ્વબજારમાં માગ વિશેષ રહેતી હોય છે એવું જાણકારોએ જણાવ્યું હતું. આવા પાઈનેપલનું ઉત્પાદન ભારતમાં વધશે તો નિકાસ વધી શકે તેમ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38OWAZ8
Previous
Next Post »