મહાશિવરાત્રિ પર્વની આસ્થાપૂર્ણ ઉજવણી


નડિયાદ,આણંદ, તા.21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

આજે ખેડા જિલ્લામાં દેવાધિદેવ મહાદેવની ભક્તિ માટે શ્રેષ્ઠ ગણાતા મહાશિવરાત્રિ પર્વનીગામેગામ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ ઉપરાંત જિલ્લાના અગણિત શિવાલયોમાં આજે વહેલી સવારથી મોડી રાત સુધી ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી ગૂંજતા રહ્યા હતા.

નડિયાદમાં મોટા શિવાલયોની બહાર ઠેર ઠેર ભાંગના પ્રસાદની લારીઓ અને તંબુઓ બાંઘેલી ભાંગની કાચી દુકાનો જોવા મળી હતી.આ ઉપરાંત બીલીપત્ર,ફળ ,ફૂલ અને અન્ય પૂજાસામગ્રી વહેચતા જોવા મળ્યા હતા. દેવોના દેવ મહાદેવના ભક્તિના પર્વ મહાશિવરાત્રીની આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્વને લઈને આણંદ જિલ્લામાં આવેલ શિવાલયો વહેલી પરોઢથી જ હર હર મહાદેવ..., બમ બમ ભોલે...ના નાદથી ગુંજી ઉઠયા હતા.

શિવરાત્રી પર્વને લઈને શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શિવલીંગ ઉપર બીલપત્ર, દૂધ, જળનો અભિષેક કરી ભોળા શંભુને રીઝવવા પ્રયાસ કર્યો હતો. પર્વને લઈ વિવિધ શિવાલયોમાં શિવજીને પ્રિય એવા ભાંગના પ્રસાદનું વિતરણ પણ કરાયું હતું. જેનું આચમન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મોડી સાંજના સુમારે વિવિધ  સ્થળોએ મેળાનું પણ આયોજન કરાયું હતું. તો જિલ્લાના કેટલાક તાલુકા મથકો ખાતે ભગવાન ભોળાનાથની શોભાયાત્રા પણ નીકળી હતી.

નડિયાદમાં આવેલા મોટા કુંભનાથ મહાદેવ, છાંગેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, વડનગરા મહાદેવ, એકલિંગજી મહાદેવ, હાટકેશ્વર મહાદેવ ભૂતનાથ મહાદેવ તથા  યોગેશ્વર મહાદેવ સહિત તમામ શિવાલયોમાં  આજે મહાશિવરાત્રિ નિમિત્તે ભાવિકોની ભીડ જોવા મળી હતી. સ્મશાન પાસે આવેલ ભૂતનાથ મહાદેવમાંથી સાંજે શિવજીની સવારી નીકળી હતી.

જિલ્લામાં અન્ય સ્થળોએ આવેલા મંદિરોમાં પણ આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. શિવમંદિરોમાં આજે લઘુરૂદ્ર અને હોમાત્મક યજ્ઞા  કરવામાં આવ્યા હતા. દરેક મંદિરોમાં સ્પીકરમાં શિવભજનો અને શિવધૂનોની રમઝટ ચાલતી હતી. શહેરના વિવિઘ મંદિરોમાંથી પાલખી યાત્રા નિકળી હતી.ચાર  પ્રહરની પૂજા  કરીને પણ શિવજીની આરાધના કરવામાં આવી હતી. 

મંદિરોમાં શિવલિંગ પર આજે દૂધ, પાણી, શેરડીનો રસ તથા કાળાતલનો અભિષેક કરવા સાથે બિલ્વીપત્ર અર્પણ કરી દેવાધિદેવનું વિશેષ પૂજન કરાયું હતું. શિવરાત્રિ પર શક્કરીયા, બટાકાનો ખૂબ મહિમા છે. તેથી આજના પાવન અવસરે વિવિધ શિવાલયોમાં મહાદેવજીને શક્કરીયા બટાકા પણ ધરાવવામાં કરવામાં આવ્યા હતા. 

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે મહાશિવરાત્રી નિમિત્તે શિવજીની શોભાયાત્રા નીકળી હતી. ચાંદીની પાલખીમાં નીકળેલી આ શોભાયાત્રા ગામના ડંકનાથ મહાદેવથી નીકળી લક્ષ્મીજી મંદિર વિસ્તાર, પટેલ વગા, મેઇન બજાર, સ્ટેશન રોડ,  વ્હોરવાડ અને વડા બજાર થઇ રાત્રે ૧૨ વાગે પરત ડંકનાથ મહાદેવ આવી હતી. ભવ્ય આતશબાજી અને અબીલ ગુલાલની છોળ સાથે નીકળેલી શિવજીની સવારીઅન્ય શિવમંદિરોમાં ફરી હતી. આ શોભાયાત્રામાં ગામના યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 શોભાયાત્રા પરત આવ્યા બાદ મંદિરમાં રાત્રીના ત્રણ પોર સુધી પૂજા-અર્ચના, અભિષેક અને પખાલ કરવામાં આવી હતી. મંદિરોમાં શિવજીને બટાકા અને શક્કરીયા ધરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનોએ શિવજીના દર્શનનો લ્હાવો મેળવ્યો હતો. 

ખેડા જિલ્લાના મંદિરો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જય જયકારથી ગૂંજતા રહ્યા હતા. બ્રાહ્મણો  દ્ધારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લઘુરૂદ્ર અને હોમાત્મક યજ્ઞાોની વિધિ સંપન્ન કરાવાઈ  હતી. 

શિવમહિમ્ન સ્ત્રોત અને શિવચાલીસાનું પઠન કરી ભાવિકો ભોળાનાથની ભક્તિમાં લીન થયા હતા.ખેડા જિલ્લામાં અનેક સ્થળોએ આજે શિવજીની શોભાયાત્રા નીકળી હતી. નગરચર્યા માટે નીકળેલા શિવજીના દર્શન કરવા માટે ભાવિકો ઉમટયા હતા. વિવિધ શિવમંદિરોમાં સાંજના સમયે મહાઆરતી કરવામાં આવી હતી. ઉત્કંઠેશ્વર, ગળતેશ્વર, વલેટવા ચોકડી પાસે  તથા શંકરાચાર્ય નગર જેવા જાણીતા સ્થળોએ આજે ભોળાનાથના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટયુ હતુ. શિવરાત્રિ નિમિત્તે આજે અનેક જગ્યાએ લોકમેળા ભરાયા હતા. 

ભાવિકોએ આજે ઉપવાસ કરી શિવજીની આરાધના કરી હતી. શિવરાત્રિના દિવસે ભાંગનો મહિમા હોવાથી આજે શિવમંદિરોમાં પ્રસાદીરૂપે ભાંગનું વિતરણ કરાયું હતું. નડિયાદ ઉપરાંત અનેક સ્થળોએ આજે  ભાંગની હાંટડીઓ જોવા મળી હતી.

ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો તેમજ દેવાધિદેવ ભગવાન શંકરને રીઝવવાનું ટાણું એટલે મહાશિવરાત્રી. શુક્રવારના રોજ સમગ્ર આણંદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વને લઈ ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું. આણંદ શહેરના ઓમકારેશ્વર મહાદેવ, લોટીયા ભાગોળ મહાદેવ, કાબ્રેશ્વર મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મોટા મહાદેવ મંદિર અને જીટોડીયાના વૈજનાથ મહાદેવ તથા જિલ્લાના અન્ય શિવ મંદિરોમાં વહેલી પરોઢથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા.

 પર્વ નિમિત્તે જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.

લોકવાયકા પ્રમાણે હવે ઠંડી 'શિવ... શિવ' કરતી વિદાય લેશે

મહાશિવરાત્રિ એટલે મહાદેવજીની આરાધનાનું પર્વ.લોકવાયકા પ્રમાણે શિવરાત્રિના દિવસથી ઠંડી ઓછી થવાની અને ગરમીની શરૂઆત થતી હોવાની વર્ષો જૂની માન્યતા છે. છેલ્લા ઘણાં દિવસોથી ચરોતરમાંબેવડી સીઝન જોવા મળે છે.  છેલ્લા અઠવાડિયાથી સવારે ઠંડી બપોરે તાપ અને રાત્રીના સમયે સામાન્ય  ઠંડીનો અનુભવ ચરોતરવાસીઓઓને જોવા મળી રહ્યો છે.

બટાકા- શક્કરિયા સહિતની ચીજવસ્તુઓના ભાવ વધ્યા

શિવરાત્રી કારણે આજે બટાકા-શક્કરીયાના ભાવોમાં રોજ કરતાં  વધારો જોવા મળ્યો હતો. ફરાળી આઇટમો જેવી કે ફરાળી ચેવડો, ફરાળી બફ, ફરાળી પાતરા, સાબુદાણાની ખીચડી જેવી આઇટમોના ભાવમાં ઘરખમ વધારો જોવા મળ્યો હતો. આ અંગે એક વેપારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે આ વર્ષે ફરાળના ભાવોમાં મહ્દ અંશે વધારો છે. જો કે નડિયાદમાં અલગ અલગ દુકાનોમાં દરેક  વસ્તુઓનો ભાવ અલગ અલગ જોવા મળ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ulfZC7
Previous
Next Post »