વહેમનું ઓસડ .


'જુઓ માજી તમારૂ ઓપરેશન સફળ થયુ અને આ બિલાડી તમારા પેટમાંથી કાઢી, માજીએ નજર ફેરવી બિલાડી તરફ જોયુ, ગામલોકો તરફ જોયુ, પછી કહ્યું : 'પણ ડોક્ટર, હું ગળી ગઈ હતી તે બિલાડી તો કાળી હતી, જ્યારે આતો સફેદ છે !

આખા શહેરમાં ચર્ચાતી 'માજી બિલાડી ગળી ગયા છે' એ વાત આ નવા ડોક્ટરના કાને આવી. એને થયુ કે હું માજીના પેટમાંથી બિલાડી કાઢી આપુ તો મારો જયજયકાર થાય 

નાનકડું અમસ્તુ શહેર, ન ગામડુ ગણાય, ન શહેર ગણાય, કિતું શહેરમાં સઘળી સુવિધાઓ, બસસ્ટેશન, રેલ્વેસ્ટેશન, લાઈબ્રેરી, સરકારી દવાખાનું, અને એક બે પ્રાઈવેટ દવાખાના. ખાનગી દવાખાનામાં એક જુનુ અને એક નવું. કિંતુ બન્ને સંતુષ્ટ અને સંતોષી પોતાના નસીબનું પોતાને મળી રહેશે એમ માનનારા પણ પરાપૂર્વથી ચાલતુ આવ્યું છે તેમ ખાનગી દવાખાનામાં જે જુનુ હતુ તે ધમધોકાર ચાલતુ હતુ જ્યારે પાછળથી ખુલેલા દવાખાનામાં એટલી ભીડ નહોતી થતી. છતાં બન્ને એક બીજાની ઇર્ષ્યા ન્હોતા કરતા. પણ નવા ખોલેલા દવાખાનાનો ડોક્ટર હમેશાં વિચાર્યા કરતો કે એવી શી કરામત કરૂં કે મારી પ્રેકટીશ પણ ધમધોકાર ચાલવા લાગે. ભગવાનને કરવુ તે નવા આવેલા ડોક્ટરને એવો મોકો મળી ગયો કે તેના નસીબઆડેનું પાંદડુ ખસી ગયું.

એજ શહેરમાં નવા જૈનવાસમાં એક જૈન કુટુંબ રહે. એક માજી અને તેના બે જુવાન દીકરા. માજીએ મોટા પુત્રને પરણાવી દીધેલો. પુત્રવધૂ પણ સંસ્કારી અને સુશીલ. નાનો પુત્ર કોલેજમાં ભણતો હતો. એક દિવસની વાત. માજી રાત્રે સુઇ રહેલા. ઉંઘમાં એમનું મોઢું ખુલ્લુ થઈ ગયેલું. અચાનક થઈ ગયુ. રાત્રે એક ધબાકો થયો. માજીનું મોઢું બંધ થઈ ગયુ અને પેટમાં ગુરૂડ.. ગુરૂડ.. અવાજ આવવો શરૂ થઈ ગયો. કુદરતનું કરવું તે માજીની આંખ ઉઘડી ગઈ એમણે જોયું તો એક કાળી બીલાડી એના ત્રણ બચ્ચા સાથે બારીમાંથી જતી હતી. આ દરમ્યાન પેટમાંથી ગરૂડ ગરૂડ અવાજ ચાલુ જ હતો. પેટમાં દુ:ખવાનું પણ ચાલું જ હતું. આથી માજીને સજ્જડ વહેમ પેસી ગયો કે બિલાડી નક્કી મારા પેટમાં પેસી ગઈ છે. અને હવે અંદરથી બહાર આવવા ધમપછાડા મારે છે. બાકીની રાત તો માજીએ માંડ માંડ કાઢી.

સવાર પડતાં જ માજીએ તો બન્ને છોકરાઓને ફરિયાદ કરવા માંડી કે રાત્રે ઉંઘમાં મારૂ મોઢું ખુલ્લુ રહી ગયુ એટલામાં બિલાડી મારા મોઢામાં પેસી ગઈ છે અને પેટમાં ન્હોર મારે છે. માટે તમે ગમે તેમ કર, મને દવાખાને લઈ જા, બિલાડીના બચ્ચાને પેટમાંથી બહાર કાઢ ! બન્ને પુત્રો તો આ વાત સાંભળી એમ કાંઈ બિલાડીનું બચ્ચુ મોઢાં વાટે પેટમાં પેસી ના શકે. પણ માજીને સજ્જડ વહેમ હતો કે ના, મેં બિલાડીને મારા પલંગ આગળથી તેના ત્રણ બચ્ચા સાથે બહાર જતા જોઈ છે ને ? એટલે કચવાતા મને પણ માજીને ડોક્ટરના ત્યાં લઈ ગયા. આવા અઘરા કેસમાં તો જુના અનુભવી ડોક્ટર જ ચાલે.

એમ સમજી મુંઝવણમાં પડી ગયા. એમણે માજીના બન્ને પુત્રોને બાજુમાં લઈ જઈ સમજાવ્યું કે 'માજીથી બિલાડી, એમ ગળી જવાય નહીં, ખાલી માજીનાં વહેમ છે.પણ વહેમ કાઢવો ક્યાંથી ? એમણે ચીલાચાલુ, આશ્વાસનરૂપી દવા આપી, છતાં માજીની ફરિયાદ તો ચાલુ જ રહી. ડોક્ટર પણ દવા બદલાવી બદલાવી થાક્યા પણ માજીના પેટમાંથી બિલાડી નીકળી નહીં. ઉલ્ટુ માજીની ફરિયાદ વધતી ચાલી. આખરે જુના ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા અને કહ્યું કે આ મારા હાથની વાત નથી. તમે માજીને મોટા શહેરમાં લઈ જાવ. પછી ખાનગીમાં બન્ને પુત્રોને કહ્યું કે શહેરમાં જઈ ફાયદો થશે, એ મારા માન્યા મા નથી આવતું.'

આખા શહેરમાં ચર્ચાતી 'માજી બિલાડી ગળી ગયા છે' એ વાત આ નવા ડોક્ટરના કાને આવી. એને થયુ કે હું માજીના પેટમાંથી બિલાડી કાઢી આપુ તો મારો જયજયકાર થાય અને મારી પ્રેકટીશ ધમધોકાર ચાલે. લાવ તિકડમ ભિડાવુ.

એણે તો બીજા દિવસે માજીના બન્ને પુત્રોને પોતાના દવાખાને બોલાવ્યા. અને કહ્યું કે 'હું ચેલેન્જ સાથે માજીના પેટમાંથી બિલાડી કાઢી આપીશ. માજીનુ મન રાખવા બન્ને પુત્રોએ નવા ડોક્ટરની દવા ચાલુ કરી. એક દિવસ, બે દિવસ, અઠવાડિયુ થયુ પણ માજીનાં દુખાવામાં ફેર પડયો નહી, પુત્રો પણ અકળાયા અને માજી પણ અકળાયા. એટલે ડોક્ટરે એ ત્રણેયને પોતાના દવાખાને બોલાવ્યા, અને કહ્યું કે પોતે હજુ નિરાશ નથી થયો, અગર જો માજી, અને એમના પુત્રો રજા આપે તો પોતે ઓપરેશન દ્વારા બિલાડી કાઢી આપે. માજીને તો ગમે તે ભોગે બિલાડી કાઢવી જ હતી. એટલે એ રાજી થઈ ગયા.'

જુના ડોક્ટરે વાત જાણી, એ પણ વિચારમાં પડી ગયા, આખરે ઓપરેશનની વાતે બધા મંજુર થઈ ગયા. પણ માજીએ શરત મુકી કે ઓપરેશન તમારા દવાખાનામાં નહીં પણ માજીના બંગલે થશે ! નવો ડોક્ટર એમા પણ રાજી થઈ ગયો.

એક દિવસ ઓપરેશનના જોઈતા સાધનો લઈ સવારથી જ ડોક્ટર માજીના ઘેર એમની બેગ લઈ આવી ગયા. આગલે દિવસે જ ડોક્ટરે માજીના ઘેર સુચના આપી દીધી હતી કે સવારથી માજીને કશુ ખાવાનું આપવુ નહી.

જુના ડોક્ટર અને શહેર આખુ આ નવા ડોક્ટરની કાર્યવાહી જોઈ રહ્યું હતું. નવા ડોક્ટરે માજીના ઘેર જઈ બન્ને પુત્રોને ખાનગીમાં બોલાવી કહ્યું હતું કે 'તમારા માજીને ખાલી બિલાડી ગળી ગયાનો વહેમ છે. એ વહેમ જ કાઢવાનો છે એટલે આ ઓપરેશન તો કાલી દેખાડો છે, પણ હું વહેમ કાઢીને જ રહીશ. તમે રાજી છો ને ? પુત્રો, તો માજીનો વહેમ જાય એમાં રાજી જ હોય ને ? વળી અહીં તો માજીના ઉપાયની સાથે સાથે ડોક્ટરનું પણ ભલુ થતુ હતું. એટલે ડોક્ટરે કહ્યું કે 'હું માજીને કરવા પુરતા બેહોશ કરીશ. એ દરમ્યાન તમારે મને એક બિલાડીનું બચ્ચું લાવી આપવાનું. જેવી માજી આંખો ખોલે કે બિલાડીનું બચ્ચુ બતાવી કહેવાનું કે આ બદમાશ તમારા પેટમાં પેસી ગયું હતું.''

ઓપરેશન વાળો ઓરડો ડોકટરે બંધ કર્યો, વાઢકાપના સાધનો ગોઠવ્યા- ગરમપાણીનું બાઉલ લાવી માજીના પલંગ પાસે મુક્યુ. પછી ડોક્ટરે માજીને બેહોશ થવાની દવા પીવરાવી, માજી બેહોશ થયા એટલે ડોક્ટરે બારીમાં ટકોરામાર્યા એટલે મોટા પુત્રે ડોક્ટરને બારીમાંથી એક સફેદ બિલાડીનું બચ્ચું આપ્યું. ડોક્ટરે એને ટેબલ પર બેસાડયું, પછી ઓરડો ખોલ્યો- ગામનુ મહાજન જોઈ રહ્યું, પછી જાણેકે પેટને ટાંકા લેતા હોય એવો દેખાવ કર્યો. પછી ઘેનની અસર ઉતરી એટલે ડોક્ટરે કહ્યું,' જુઓ માજી તમારૂ ઓપરેશન સફળ થયુ અને આ બિલાડી તમારા પેટમાંથી કાઢી, માજીએ નજર ફેરવી બિલાડી તરફ જોયુ, ગામલોકો તરફ જોયુ, પછી કહ્યું : 'પણ ડોક્ટર, હું ગળી ગઈ હતી તે બિલાડી તો કાળી હતી, જ્યારે આતો સફેદ છે ! માજીનું બોલવું સાંભળી માજીના પુત્રો, ડોક્ટર, અને ઓપરેશન જોવા આવેલુ મહાજન વિચારમાં પડયુ. કિંતુ ડોક્ટર હાજરજવાબી હતા. તરત તેમણે માજીને કહ્યું : હૈ માડી તમે કેવા ? માજી કહે : ડોક્ટર તમે આટલા મહિનાથી શહેરમાં આવ્યા છો, અને આજે અમારી જાત પુછો છો ? અમે જૈનવાણીયા છીએ.

ડોક્ટર કહે : તમે જૈન છો એટલે તમારો ખોરાક પણ સાત્વીક હોવાનો બિલાડી પંદર દિવસથી તમારા શરીરમાં છે, તેને સાત્વિક ખોરાકનો રસ અડવાનો એક તો તમારો સાત્વિક ખોરાક, ઉપરથી તમારા સાત્વિક વિચારો, આ બધા તમારા પેટમાં રહેલી કાળી બિલાડીને સ્પર્શ્યા એટલે કાળી બિલાડી સફેદ થઈ ગઈ. આ સામે ટેબલ ઉપર બેઠી ! વિશ્વાસ ના આવતો હોય તો પુછો તમારા બન્ને પુત્રોને ! ઓપરેશન વખતે મેં તેમને હાજર જ રાખ્યા હતા. જવાબમાં બન્ને પુત્રોએ એમના ડોકા ધૂણાવ્યા ! હવે માજીને ડોક્ટરની વાત શીરાની માફક ગળે ઉતરી ગઇ ! એ દરમ્યાન ડોક્ટરની દવાથી દુખાવો તો ગાયબ થઈ જ ગયો હતો ! માજી કહે હા..શ, દિકરા, તે મેં ગળી ગયેલી બિલાડી કાઢી દીધી ! ભગવાન તારૂં ભલું કરજો !

ડોક્ટર મનમાં બોલ્યા 'માજી, મેં તો તમારો વહેમ કાઢ્યો છે, બાકી બિલાડી તમે ગળી જ ન્હોતા ગયા પછી કાઢું કઈ રીતે ?'

- યુસુફ મીર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ve4lUK
Previous
Next Post »