શું બોલીવૂડે મહિલાકેન્દ્રી ફિલ્મો પર લગાવ્યો બ્રેક?


બોલીવૂડમાં મહિલા- કેન્દ્રીત ફિલ્મોની બોલબાલા છે એવી ગયા વર્ષથી શરૂ થયેલી ચર્ચા પર શું બ્રેક લાગી ગઈ? આ પ્રશ્ન એ માટે ઉદ્દભવે છે કે છેલ્લે રજૂ થયેલી મહિલા- કેન્દ્રીત બે ફિલ્મોમાં એક હતી મહિલા ફિલ્મસર્જક મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક' અને બીજી હતી અશ્વિની ઐયર- તિવારીની 'પંગા'. આ બંને ફિલ્મોમાં બોલીવૂડની ટોચની હિરોઈન અનુક્રમે દીપિકા પદુકોણ અને કંગના રૌનત હતી. જોકે આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોઈએ એવો.... સારો બિઝનેશ નહીં કર્યો, પણ બંને અભિનેત્રીએ સારો અભિનય કર્યો હોવા છતાં બંને મહિલા દિગ્દર્શકોએ એ ફિલ્મોને હૃદયસ્પર્શી ઓપ આપ્યો હોવા છતાં અને પ્રેરણાદાયી અને શક્તિશાળી કથાનક હોવા છતાં તેને ટિકિટબારી પર આવકાર નહીં મળ્યો માટે આવી ફિલ્મો પર બ્રેક આવી ગઈ છે અને ફિલ્મ સર્જકો હીરો- કેન્દ્રીત મસાલા ફિલ્મ બનાવવાને રાહે આગળ વધી રહ્યા હોય એવું લાગે છે. આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ટ્રેન્ડમાં ચોક્કસપણે ફેરફાર આવ્યો છે, એ તો નક્કી છે.

ઘણાં મોટા અને સક્ષમ ફિલ્મ સર્જકો મહિલા- કેન્દ્રીત રસપ્રદ કથાનક ધરાવતી ફિલ્મોને પીઠબળ આપી આગળ વધારવા પ્રતિબધ્ધ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વર્ષ તો મહિલા- કેન્દ્રીત હીરોઈનલક્ષી ફિલ્મોનું વર્ષ બની રહે તોય નવાઈ નહીં. તેનું કારણ એ છે કે છેલ્લા એક મહિનામાં આવી મહિલા- કેન્દ્રીત કથાનક ધરાવતી ફિલ્મોની વાતોમાં કોઈ ઓછપ નથી આવી.

.... તો શું આપણે એવું ધારી શકીએ કે બોલીવૂડમાં ઘણા એવા ફિલ્મસર્જકો છે જેઓ માત્ર પુરુષલક્ષી મસાલા ફિલ્મ બનાવવાને બદલે મહિલા કેન્દ્રીત ફિલ્મો બનાવવાનું જોખમ ઉઠાવવા તૈયાર છે ખરા?

આ સંદર્ભે ટ્રેડ- એક્સપર્ટ તરણ આદર્શ કહે છે, 'આ કંઈ નવો ટ્રેન્ડ નથી, પણ હા, આ વર્ષે આપણને ઘણી મહિલા- કેન્દ્રીત વાતો સાંભળવા મળશે. બોક્સ- ઓફિસનો ભલે ગમે તેવો પ્રતિસાદ મળે, પણ હું માનું છું કે એ વાર્તાને કહેવાની જરૂર છે. આપણી મહિલાઓ, પછી ભલે હિન્દી ફિલ્મોની હોય કે રિયલ લાઈફની- એ ખૂબ જ સ્ટ્રોંગ છે. આ ભારતીય મહિલા ખૂબ જ મજબૂત છે. આજે જે માઈન્ડસેટ છે એ હીરો અથવા મસાલા ફિલ્મો જોવા ઈચ્છુક જરૂર છે, પણ તેમાં ફેરફાર જરૂર આવ્યો છે. આપણે વિભિન્ન સ્ટ્રોરી આધારિત ફિલ્મો જોવા ઈચ્છુક છીએ. જો તમે મહિલા આગેવાન હો તો જરૂર તમને એમાં રસ પડશે કેમકે અન્ય જોનર છે પણ તે ઓવર- એક્સપોઝ થઈ ગયા છે. જોકે આ જોનર પણ કંઈ નવું નથી, પણ સૌથી વધુ  અનુકુળ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ ઝાઝો નથી થયો. આપણે મહિલા અગ્રણીની વાર્તા કહેવાની છે, એજ એક હેલ્ધી બાબત છે.'

આદર્શ દ્રઢપણે માને છે કે વિચારોમાં પરિવર્તન આવ્યું છે અને તેથી જ તેઓ આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ અને ડિજિટલ સિનેમા જોવા આગળ આવ્યા છે. મનોરંજનમાં વૈવિધ્ય હોય એ લોકોને ગમે છે અને તેને તેઓ આવકારે છે. 'તેઓ વધુ કથાનક માટે ઓપન થયા છે પછી ભલે ને તે પુરુષલક્ષી હોય કે મહિલા- કેન્દ્રીત. અંતે તો તમે જે બનાવશો એ જોવા દર્શકો તો આવશે જ. એ સમજવાની ક્ષમતા અને તેને પચાવવાની તાકાત સામાન્ય માણસમાં  હોવી જોઈએ.'

અશ્વિની ઐયર- તિવારી માટે કોઈ શબ્દો બચ્યા નહોતા આથી તેમણે જાહેર કર્યું, 'હું માનું છું કે મહિલાલક્ષી ફિલ્મ તરીકે આપણે તેને વિભાજિત કરવાનું અટકવું જોઈએ. આપણે પુરુષ નેતૃત્વ ધરાવતી પુરુષ કેન્દ્રીત ફિલ્મ તરીકેનો ટેગ નથી લગાડતા અને એ પણ કંઈ જોખમ માટે નથી. મહિલા જોનરની છે, એમ કહીને તેને તમે નીચી નહીં પાડો. આ તો બધી વાર્તાઓ છે, જેને તમે કહેવા માગો છો- એક જોખમ છે અને તમે એને પુરુષ કે મહિલાની તરીકે જુદા જુદા ભાગમાં વિભાજિત ન કરો. ફિલ્મોને મહિલાની સ્ટોરી કહેવાનું બંધ કરો.'

ફિલ્મસર્જક ઓનિર એ અંગે શંકા વ્યક્ત કરતાં કહે છે કે તમે માત્ર સંખ્યા વધી એમ કહીને તેને કેવી રીતે સુધારી શકો. 'તમે જોરદાર રીતે વધુ કહો તો મને તે પૂર્ણતાની ખાતરી સમુ નથી લાગતું. જો તમે જુઓ, આટલી સંખ્યામાં ફિલ્મો બની અને મજબૂત મહિલા પાત્રો ધરાવતી ફિલ્મો છે. ખરેખર તો એક એવો સમય હતો જ્યારે મુખ્ય પ્રવાહની હિન્દી ફિલ્મોમાં મહિલાના પાત્રો ખૂબ જ  સ્ટ્રોંગ હતા પછી ભલે ને એ ફિલ્મો કહેવાતી. 'મહિલા- કેન્દ્રીત ફિલ્મો નહોય', તેમણે વધુ એક ધારદાર પોઈન્ટ આગળ કર્યો, 'પુરુષ કલાકારો આવી ફિલ્મોમાં કામ કરે એ શક્ય નહોતું, પણ અભિનેત્રીઓ એવી ફિલ્મોમાં કામ કરે છે જે પુરુષ- કેન્દ્રીત કથાનક હોય. આપણે ભાગ્યે એવા, અભિનેતાને ફિલ્મોમાં કામ કરતાં નિહાળ્યો હશે જેમાં મહિલાની સશક્ત ભૂમિકામાં હોય. આપણે સંતુલિત અને યોગ્ય જોનરને રજૂ કરતી ફિલ્મોથી ઘણાં ઘણાં જ દૂર છીએ.'

લેખક જયોતિ કપૂરે આ બાબતમાં વધુ સ્ટ્રોંગ પોઈન્ટ રજૂ કરતાં કહ્યું. 'આપણા દેશમાં ૧૫૦૦થી વધુ ફિલ્મો દર વર્ષે બને છે. આમાંથી ૯૦ ટકા ફિલ્મો અભિનેતાની આસપાસ ઘૂમતા કથાનક પર આધારિત હોય છે. જો એ ફિલ્મો વધુ સારી નથી ચાલતી તો કોઈએ આવો પ્રશ્ન પૂછવો જ ન જોઈએ. કોઈક ફિલ્મ ચાલે અને કોઈક નહીં પણ ચાલે.  અગ્રણીનું જેન્ડર શું છે તેની સાથે કશું લાગતું વળગતું જ નથી. આ જૂનવાણી માઈન્ડસેટ છે અને સંપૂર્ણપણે તર્કસંગત નથી અને આપણે આનાથી આગળ વધવાની જરૂર છે અને સારી અને યોગ્ય કથા કહેવાની ચાલુ રાખવાની જરૂર છે. નિર્માતાઓ સંકળાયેલા હોય છે અને સારી વાર્તાને પીઠબળ આપે છે, પછી ભલે ને તેના ચાલક મહિલા અગ્રણી હોય કે પુરુષ અગ્રણી!'

જોકે ૨૦૨૦માં સ્ત્રીશક્તિની બોલબાલા

ગત વર્ષમાં રિલિઝ થયેલી બે મહિલાલક્ષી ફિલ્મો ભલે બોક્સ ઓફિસ પર વધુ જાદુ પાથરી ન શકી, પણ આ વર્ષે જાન્યુઆરીમાં બકીના શિક્ષણ માટે અભિયાન ચલાવનારી મલાલા યુસુફઝાઈ પર આધારિત ફિલ્મ 'ગુલ માકઈ'ને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યું તો ફેબુ્રઆરીમાં તાપસી પન્નુના અભિનયથી ઓપતી અનુભવ સિંહાની 'થપ્પડે' અસર જન્માવી અને માર્ચમાં જહાન્વી કપૂરની 'ગુંજન સક્સેના' આવશે. કારગિલની યુવતી પરની આ ફિલ્મ રિલિઝ થવાની તૈયારીમાં છે. મે મહિનામાં પરિણીતી ચોપરાની હોલીવૂડ થ્રિલર 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની રિ-મેક આવશે અને એજ દિવસે વિદ્યા બાલનની 'શકુંતલા દેવી' 'માનવ કમ્પ્યુટર' તરીકે ઓળખાતી શકુંતલા દેવી પરની ફિલ્મ પણ પડદે આવશે. જૂનમાં બે મહિલા કેન્દ્રીત ફિલ્મ- 'ઈન્દુ કી જવાની' અને 'થલાઈવી' અને એ પછી સંજય લીલા ભણસાલીની શક્તિશાળી મહિલા 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલિઝ થવાની શક્યતા છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં કેન્દ્રસ્થ ભૂમિકા આલિયા ભટ્ટે કરે છે. આનંદ એલ. રાય નિર્મિત તાપસી પન્નુ અભિનીત 'હસીન દિલરૂબા' અને 'ધડક' આ વર્ષના અંત સુધીમાં રિલિઝ થવાની શક્યતા છે. આમ આ વર્ષે મહિલા- કેન્દ્રીત ફિલ્મો આવતી રહે એવી પૂરી શક્યતા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T5FIbf
Previous
Next Post »