ખંભાતમાં તોફાનો બાદ વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ કરનારા બે સામે ફરિયાદ


આણંદ, તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગત રવિવારના રોજ થયેલ બે કોમ વચ્ચેના અથડામણ બાદ ગતરોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સઘન પેટ્રોલીંગ વચ્ચે કેટલાક વિસ્તારોમાં બજારો ખુલવા પામ્યા હતા. જો કે આજરોજ ખંભાત શહેર પોલીસે સોશ્યલ મીડીયામાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ થાય તેમજ દ્રેષભાવના જાગે અને જાહેર શાંતિનો ભંગ થાય તેવી ઓડીયો ક્લીપ વાયરલ કરનાર બે શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ખંભાત શહેરમાં ગત તા.૨૩મી ફેબુ્રઆરીના રોજ બે જૂથ વચ્ચે અથડામણ થતા મામલો બીચક્યો હતો અને સમગ્ર ખંભાત શહેરમાં તેની અસર સાથે તોફાન ફાટી નીકળ્યા હતા. 

જેને લઈ હિન્દુ સંગઠનો દ્વારા મંગળવારના રોજ ખંભાત બંધનું એલાન અપાયું હતું. જે દરમ્યાન કેટલાક વિસ્તારોમાં છમકલા થતાં પૂર્વ ધારાસભ્ય સહિત ૧૮ વ્યક્તિઓ અને અન્ય ત્રણ વ્યક્તિ મળી ૫૦૦ માણસોના ટોળા વિરૂધ્ધ બે અલગ-અલગ ગુના નોંધાયા હતા. આ દિવસો દરમ્યાન થયેલ તોફાનો અને છમકલા સંદર્ભે મંગળવારના રોજ કેટલાક શખ્શોએ મોબાઈલ ફોનમાં સોશ્યલ મીડીયાના માધ્યમથી કોમી તંગદીલી ફેલાય અને દુશ્મનાવટ સાથે દ્રેષભાવના ફેલાય તેવી ઓડીયો ક્લીપ ફરતી કરી હતી.

આ ઓડીયો ક્લીપને લઈને એકબીજા સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થવાની સાથે બે કોમ વચ્ચે ઘર્ષણ થાય અને ધિક્કાર તેમજ દ્રેષભાવના ઉત્પન્ન થવાની સાથે લોકોમાં ભયની લાગણી પ્રવર્તે અને જાહેર શાંતિના ભંગની સાથે લોકોમાં ગેરસમજ પેદા થાય તેમજ ખંભાત શહેરની શાંતિ ડોહળાવાની સાથે અન્ય છમકલા તેમજ તોફાનોના બનાવ બને અને એકબીજાની લાગણી દુભાય તેવુ બનવાની સંભાવનાને લઈને આણંદ એસઓજી પી.આઈ. વી.કે.ગઢવીએ ઓડીયોક્લીપ ફરતી કરનાર શખ્શો વિરૂધ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3927wCR
Previous
Next Post »