ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા


તાજેતરમાં જ્યોતિષીઓનું એક સંમેલન મળી ગયું. આ કળિયુગમાં તો દિવસે દિવસે માનવજીવન પર દુ:ખો વધી રહ્યાં છે. ભવિષ્ય ભાખનારા જ્યોતિષીઓ અને હથેળીની રેખાઓ વિષે ચિંતા કરનારા ગૃહસ્થીઓ એમ બધા ભેગા મળ્યા હતાં. મીનીસ્ટર હોય કે બડો નાગરિક હોય પણ આવા લોકોને ય જો ચૂંટણી લડવાની હોય તો અહિં ઉપસ્થિત એવા ભવિષ્ય ભાખનારાઓએ સમડીની નજરે હથેળીની રેખાઓનો અભ્યાસ કરવો પડે, આમ જોઈએ તો સુખ-દુ:ખ એ મનનું કારણ છે. એક જૂની કવિતા અત્રે યાદ આવે છે....''સુખ-દુ:ખ મનમાં ન આણીએ-ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે....રઘુનાથના જડિયા...'' મતલબ કે રામને પણ અયોધ્યાનું રાજ છોડવું પડેલું...અરે, વનવાસ દરમિયાન સીતાજીનું હરણ થયું.

સાધુના વેષમાં રાવણ ભીક્ષા માગવા સીતાની પર્ણ કૂટી પાસે આવેલો અને છળકપટ કરી સીતાનું અપહરણ કરી ગયો. આ બધુ જન્મની સાથે જ વિધાતાએ નક્કી કરી નાંખેલું હોય છે. પછી તે કદિ મીથ્યા થતું નથી. અહિં આવનારાઓ ઉદાસ દેખાતા હતા. જો તક મળી જાય અને અમે સાથે લાવેલા દીકરાઓની જન્મપત્રિકા કોઈ ઉકેલે તો ખબર પડે. આવી આશા સાથે સવારથી સાંજ સુધી સાથે ઘેરથી ટીફીન બાંધીને લાવેલા કે ઘેર જતા મોડું થશે જ આવું વિચારતા દુ:ખી પાત્રો, પોતાનો વારો ક્યારે આવે એની પ્રતીક્ષા કરતા કરતા ''ટીફીન ઉઘાડવાનો'' પણ ટાઇમ જતો રહ્યો હતો.

અત્રે દૂરથી આવેલા જ્યોતિષીઓ તો ભાખી રહ્યા હતા કે મકરસંક્રાંન્તિની કુંડળી જોતા રાજકીય ગરમીનો પારો ''છત્રભંગ'' કરશે. એમાં દુ:ખી લોકોના હાથની રેખાઓ જોવા તો આખો દિવસ થઈ જાય. અખબાર સવારે ઘેર આવતાં અને પાના ઉઘાડતા અંદરથી જ્યોતિષીઓના વીઝીટીંગ કાર્ડ ઝાડ પરથી પાંદડા ખરે એમ ખરી પડે છે. પ્રેમ-વિવાહ, લવમેરેજ, સામી પાર્ટીને ઉધાર આપેલી મોટી રકમ સલવાઈ ગઈ હોય આવા સંખ્યાબંધ પ્રોબ્લેમ ઉકેલવા જ્યોતિષીઓ અને નાગરિકો છેક મોડી સાંજ સુધી હથેળીની રેખાઓ કે જન્મકુંડળીની ભવિષ્ય વાણી અહિં શું ભાખશે એ જાણવાની ઇંતેજારી દરેકના દુ:ખી ચહેરા પર વંચાતી હતી...કોઈ રડતા હતા ત્યારે આ પંડિતો એમને આશ્વાસન આપતા હતા કે તમે તો શું ભલભલા પૈસાવાળા કૌભાંડોના ભેખડે ભરાયા છે !!! ગોચરમાં શનિનું પરિવર્તન આવું સૂચવે છે...બાપ !!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bILua5
Previous
Next Post »