
આટલા લાંબા અંતર તે કેવી રીતે કાપે છે ? તેમની દિશા કેવી રીતે નક્કી કરે છે ? તેઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અનુસરે છે ? તેઓ સૂર્યના પ્રકાશને અનુસરે છે ?
ના જૂક, મૃદુ, નમણાં કીટકો અનેક કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે તે માન્યામાં આવે તેમ નથી. તેમ છતાં તે સાચું છે. પ્રવાસી પક્ષીઓથી આપણે અજાણ નથી. ગુજરાતનું નળસરોવર પ્રવાસી પક્ષીઓના શિયાળુ મુકામ માટે જગવિખ્યાત છે. છેક સાઈબિરીયા જેટલે દૂરથી શિયાળામાં નળસરોવર ખાતે લાખો પક્ષીઓ આવીને મુકામ કરે છે, ગુજરાત, ભારત અને દુનિયામાં અનેક સ્થળો છે જ્યાં ઋતુ પ્રમાણે પ્રવાસી પંખીઓની આવનજાવન થતી હોય છે તેમની અજીબો ગરીબ દુનિયા છે. પ્રવાસી કીટકો (માઈગ્રેટરી ઇન્સેક્ટસ) વિશે આપણે ઓછું જાણીએ છીએ. તેની દુનિયા પણ અદ્ભૂત છે. તે અંગે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે.
એક તો એ કે આટલા લાંબા અંતરનો પ્રવાસ આટલા નાજૂક કીટકો કેવી રીતે કાપે છે ? તે પોતાના પ્રવાસની દિશા કેવી રીતે નક્કી કરે છે ? તેઓની નૌનયનની વ્યૂહરચના કેવી રીતે નક્કી કરે છે ? તેઓ જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા પરથી પોતાના પપ્રવાસની દિશા જાણતા હોય તો તેઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે પારખે છે ? તેઓ સૂર્યપ્રકાશ પરથી પોતાના પ્રવાસની દિશા નક્કી કરતાં હોય તો સૂર્ય ઓજલ થઇ જાય ત્યારે પોતાની દિશા કેવી રીતે જાળવી શક્તા હશે ?
દક્ષિણ ઇંગ્લેન્ડના ગાઢ જંગલમાં નીચે પડેલા સડેલા પાંદડાના થરની નીચે દબાઈને પડેલ કોશેટોમાંથી સુંદર રીતેગડીવાળેલ કીટક સિલ્વર-વાય (Silver-Y) નીકળવા મથામણ કરતું જોઈ શકાય છે. તે ઉલ્ટા અંગ્રેજી મૂળાક્ષર 'વાય' (Y) આકારનું પાંખવાળું રૂપેરી રંગનું ફુદડા જેવું કીટક છે. કીટકો ઇંડારૂપે પેદા થાય છે. ઇંડામાંથી પુખ્ત કીટક થવા માટે તે જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય છે. કોશેટો આવી અવસ્થા છે. તેમાંથી ઉપરોક્ત કીટક રૂપાંતરમાંથી નીકળે છે. કોશેટોમાંથી મથામણ કરી બહાર નીકળતા કીટક માટે તમે એવું કલ્પી પણ ન શકો કે તે દક્ષિણ દિશામાં છેક ઉત્તર આફ્રિકા સુધી સફર કરશે. આ એવું ઉડકણું કીટક છે કે જેની જીંદગી એકથી બે અઠવાડિયાની છે તેના માટે આ અંતર ઘણું લાબું કહેવાય. પરંતુ આ તો કુદરતનો કરિશ્મો છે. આ એકલ દોકલ કિસ્સો નથી.
પ્રવાસી પતંગિયા અને કીટકોને સિલ્વર-વાયની જેમ પ્રવાસી પંખીઓ જે અંતરો સફર કરે છે તેને હરિફાઈમાં ઉતર્યા ગણાય તેવા અંતરો કાપવા કીટકોને તો ચાલાક વ્યૂહરચના કરવી પડે. પ્રશ્ન એ છે કે તેઓ આટલા લાંબા અંતરો કેવી રીતે કાપી શકે છે ? આ જવાબ જાણવો જરૂરી છે. કારણ કે આ કીટકના જન્મચક્રમાં તે કોશેટો અવસ્થામાં પહોંચે તે પહેલા ઇયળ (લાર્વા) અવસ્થામાં હોય છે. ઇંડામાંથી ઇયળ, ઇયળમાંથી કોશેટો અને કોશેટોમાંથી કીટક એમ રૂપાંતરણ થાય છે. તેની ઇયળો અનાજના પાક, ફળોના પાક વગેરેને નુકસાન કરે છે આજે જ્યારે ગ્લોબલવોર્મિંગના કારણે જુદા જુદા સ્થળને આબોહવામાં બદલાવ આવી રહ્યો છે ત્યારે આપણે જાણવાની જરૂર છે કે ભવિષ્યમાં તેને ખેતરમાં ઉભા પાકનું ભોજન કરવું અનુકુળ પડશે ? આપણે જાણીયે પાકને હાનિ કરતાં કીટકોની વૃધ્ધિ આબોહવા પર ઘણી આધારિત હોય છે.
એક લેપિડોપ્ટેરા નામની (પીંગડાવાળી) ચાર પાંખોવાળી) પતંગિયાની જાતના કીટક થાય છે. પ્રવાસી લેપિડોપ્ટેરા ઉંચે લગભગ એક કિલોમીટરથી વધારે જાય છે. તેમને માટે આ રોજીંદી બાબત છે. આટલા ઉંચે જઇ પ્રવાસ કરતા કીટકોનો અભ્યાસ કરવો મુશ્કેલ છે તેનાં નમૂના હવાઈ જહાજમાં પકડાય જાય કે રેધર્ડ હીલિયમ બલૂન (હાલમાં અમદાવાદમાં કાંકરિયાતળાવ ખાતે મનોરંજન હેતુથી ટેધર્ડ હીલિયમ બલૂન રાખેલ છે ટેધર્ડ એટલે બાંધેલુ હીલિયમ બલૂન કહી શકાય) દ્વારા પકડાય જાય તો તેના પરથી આ કીટકના પ્રવાસની ઝલક મળે. પરંતુ આ ઘણી ખર્ચાળ રીત છે. વળી લાંબા સમય સુધી આ રીતે અભ્યાસ થઇ શકે નહીં. રાત્રે તો આ રીતે અભ્યાસ થઇ શકે નહી. આ કીટકો તો રાત્રે જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે.
પરંતુ ઇંગ્લેડની કીટક વૈજ્ઞાાનિકોની ટીમે આ રીતે ઉડ્ડયન કર્યા વિના અવલોકન લેવાનો રસ્તો શોધી કાઢ્યો છે તેઓ બે જુદા જુદા સ્થળે આવેલા રડાર રાત અને દિવસ નિરીક્ષણ કરે છે. જે કીટકો રડાર કિરણાવલિમાંથી પસાર થાય છે તે રડાર કિરણાવલિના સંકેતોને પાછા ફેંકે છે. ઉપર મુજબ હવાઈ જહાજ કે હીલિયમ બલૂન દ્વારા પકડાયેલ કીટકો પૈકી એક એકને ભેગા કરવા કરતાં સારી માહિતી આપે છે. આપણે જાણીએ છીએ કે રડાર મથકેથી રેડિયો તરંગોને છોડવામાં આવે છે. તે તેના માર્ગમાં આવતી અડચણ પરથી પાછા ફેંકાય છે. રડાર મથકે તેને ઝીલીને તે અડચણ વિશે જાણી શકાય છે.
તેવી રીતે અહીં તે કીટક સાથે અથડાયને પરત થાય છે ત્યારે 'બ્લીપ' ધ્વનિ આપે છે. રડાર પરનો દરેક બ્લીપ કીટક કેટલી ઉંચાઈએ છે ? તેની ઝડપ કેટલી છે ? તે કઈ દિશામાં સફર કરી રહેલ છે ? તેના શરીરની ગોઠવણ કેવી છે ? તે બધા એક હારમાં ગોઠવાયેલા છે ? તેમનો આકાર કેવો છે ? તેમનું કદ કેટલું છે ? તેમની પાંખ ફફફડાવવવાની આવૃત્તિ (ફ્રીક્વન્સી) છે ? તેવા પ્રશ્નોના ઉત્તર આપે છે. રડાર સાવ ૧૫ મિલિગ્રામના વજન જેટલા વજનના કીટકને પારખી શકે છે. આ વજન પ્રવાસી કીટકોના વજન કરતાં ક્યાંય ઓછું છે. પ્રવાસી કીટક ૫૦૦ મિલિગ્રામના હોય છે અને તે ૧૨૦૦ મીટર ઉંચાઈએ ઉડતા હોય છે. કીટકની જાતિ તેના કદ, આકાર અને પાંખ ફફડાવાના દર પરથી જાણી શકાય છે.
ઇંગ્લેન્ડના ઉપરોક્ત કીટક વૈજ્ઞાાનિકે છેલ્લા સાત વર્ષનો રડાર ડેટા પ્રસિધ્ધ કર્યો છે તેમાં ૧૦૦,૦૦૦ કરતાં વધારે કીટકોની માહિતી આપી છે. તે અવલોકનો બતાવે છે કે પ્રવાસી કીટકો પોતાને પસંદગીની દિશામાં વાતા પવનને પારખવાના નિષ્ણાત હોય છે. તેમને જે દિશામાં સફર કરવી હોય તેની નજીકની કે તે દિશામાં જે રાત્રિએ પવન વાતો હોય ત્યારે તે દિશામાં સફરે ઉપડે છે. આવી રાત્રિએ સિલ્વર-વાય જેવા કીટકો એવા પવનને પકડે છે ને જમીનની ઉપર કલાકના ૯૦ કિલોમીટરની ઝડપે વાતો હહોય છે. તે ઘણી ઉંચાઈએ સૌથી વધારે ઝડપથી વાતા પવનને શોધી કાઢે છે. તે કીટકો પોતાનો ખૂણો એવી રીતે બદલાવે છે કે બાજુમાંથી આવતા પવનથી પોતાની દિશા બદલાય ન જાય.
આ વ્યૂહ અપનાવીને કીટક માત્ર પવનમાં ખેંચાઈને ગયા હોત તેના કરતાં ૪૦ ટકા વધુ દૂર જાય છે.
પતંગિયાના કિસ્સામાં ઓછો ધસારો હોય છે. રંગબેરંગી માદાપતંગિયા 'સિલ્વર-વાય' કીટક જેટલું અંતર કાપે છે. પરંતુ પુખ્ત પતંગિયા અઠવાડિયાઓ સુધી જીવે છે જ્યારે સિલ્વર-વાય જેવા કીટક કેટલાક દિવસો જીવે છે, રંગબેરંગી માદા પતંગિયા અને તેને સંબંધિત રીઅર એડિમરલ નામે ઓળખાતી પતંગિયાની જાતિયો તે કીટકો કરતાં જમીનની વધારે નજીક રહી ઉડે છે તે ખાસ કરીને પવન કરતાં પોતાની પાંખોની શક્તિ પર મુખ્યત્વે આધાર રાખે છે. લેપિડેપ્ટોરાનો પ્રવાસના અંતરના માનાંકને ઉત્તર અમેરિકાના મોનાર્ક બટરફ્લાઇ નામના પતંગિયા પ્હોંચી વળે છે. તે આશરે ૬૯૦૦ કિલોમીટર એક વર્ષમાં ફરે છે.
અમેરિકન મોનાર્ક બટરફ્લાઈ અમેરિકા અને કેનેડાના કીટકો છે. જ્યારે તે વિસ્તારમાં પાનખર ઋતુ હોય છે એટલે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર નજીક આવે છે ત્યારે હજારોની સંખ્યામાં મોનાર્ક બટર ફ્લાઈ દક્ષિણ તરફ પ્રવાસ કરે છે અને લગભગ ૩૫૦૦ કિલોમીટર પ્રવાસ કરી ફ્લોરિડા, કેલિફોર્નિયા અને મેક્સિકો પ્હોંચે છે. ત્યાંથી પાછા ફરે ત્યારે કુલ અંતર ૬૯૦૦થી ૭૦૦૦ કિલોમીટર થાય છે. ખૂબીની વાત એ છે કે તે તેની એક જ પેઢીમાં આખો પ્રવાસ કરે છે. બીજી કેટલીક જાતિઓ છે જે આટલા લાંબા પ્રવાસ પૂરો કરવા તેની એક કરતાં વધારે પેઢીઓ વીતાવે છે.
ખૂબીની વાત એ છે કે મોનાર્ક બટર ફ્લાઈ ૭થી ૮ મહિના જ જીવે છે. તે દક્ષિણમાં લાંબી મુસાફરી કરી છેક મેક્સિકોના મધ્યભાગમાં પ્હોંચે છે અને ત્યાં શિયાળા દરમ્યાન શીતનિદ્રામાં રહે છે. ત્યારબાદ વસંતઋતુમાં (માર્ચ, એપ્રિલ, મે)માં ઉત્તર તરફ પ્રવાસ કરે છે વચ્ચે અમુક અમુક જગ્યાએ તે પ્રજનન માટે વિરામ કરે છે ત્યાં નવી પેઢી 'જવાબદારી' સંભાળવા તૈયાર થઇ જાય છે.
આવા કૃત્યો પ્રશ્ન ઉભો કરે છે કે ખૂબ ઉંચે ઉડતા કીટકોને ખબર કેમ પડે કે તેઓ ક્યાં જઇ રહ્યા છે ? એવું લાગે છે કે તેમનામાં દિક્ સૂચક રહેલ છે. પરંતુ તે કેવી રીતે રહેલ છે તે વિવાદાસ્પદ છે.
વળી તે સૂર્યની સ્થિતિ પર આધારિત છે. એટલે કે તે સૂર્ય દિક સૂચક (સનકમ્પાસ) છે કે ચુંબકીય દિક્ સૂચક (મેગ્નએટિક કમ્પાસ) છે. અલબત્ત કીટકો પ્રકાશ તરફ ઉડે છે તે જાણીતું છે. તેવું જ પતંગિયાનું છે. પરંતુ તે પૂરી વાર્તા નથી. કારણ કે પતંગિયા માત્ર સ્વચ્છ આકાશવાળા સૂર્યપ્રકાશવાળા દિવસે જ સફર કરતાં નથી. વળી કીટકો તો રાત્રે સફર કરતા હોય છે.
તજજ્ઞાોના સંશોધન મુજબ સ્થાનિક સ્તરે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાવવાથી પતંગિયાની વર્તણુક પણ બદલાય છે. દાખલા તરીકે મોટા પાંજરામાં કીટકો છુટા મૂકેલ હોય અને તેના ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલ્ટાવવામાં આવે તો તે પોતાના પ્રવાસની સામાન્ય દિશાથી ઉલ્ટી દિશામાં ઉડવા લાગે છે. આથી આપણે એવું માનવા પ્રેરાઇએ કે પ્રવાસી કીટકો ચુંબકીય ક્ષેત્રની દિશા પરથી પોતાના પ્રવાસની દિશા નક્કી કરે છે. પરંતુ તે સંપૂર્ણ સાચું નથી. કારણ કે આ રીતે નિયંત્રણમાં રાખેલા કીટકો પૈકી કેટલાક મૂળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ તે તો વિરૂધ્ધ દિશામાં ઉડવાનું ચાલુ રાખે છે. આમ તે પ્રવાસની દિશા નક્કી કરવા ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે કે નહીં તે અનિશ્ચિત રહે છે. અલબત્ત એ બતાવી શકાય કે તેઓ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે સંવેદિત છે.
એક 'લીફકટરએન્ટ' નામનું કીટક થાય છે. તે શરીરમાં મેગ્નેટાઇટ સ્ફટિકો હોય છે. મેગ્નેટાઇટનું રાસાયણિક નામ 'આર્યન ઓકસાઇડ' છે. આ કીટક પોતાને 'ઘેર' જવા તેનામાં રહેલ મેગ્નએટિક કમ્પાસનો જરૂર ઉપયોગ કરે છે. તેની મદદથી તે ઘરની દિશા જાણે છે. આમ આ એક વધુ પરિણામ છે જે સૂચવે છે કે કીટકોમાં મેગ્નેટિક કમ્પાસ હોય છે.
બીજુ એક એવું સંશોધન ચાલી રહ્યું છે જે મુજબ પતંગિયા અને કીટકો 'ક્રિપ્ટોક્રોમ્સ' નામના પ્રકાશગ્રાહી (ફોટો રીસેપ્ટર) હોય છે. ક્રિપ્ટોક્રોમ્સ તેના પર પડતાં પ્રકાશને ગ્રહણ કરે છે. તે પક્ષીઓમાં તો હોય છે. અન્ય કીટકોમાં હોય છે અને છોડવાઓમાં પણ હોય છે. ફળમાખી તેના ક્રિષ્ટોક્રોમ્સનો ઉપયોગ ચુંબકીય ક્ષેત્રને પારખવા કરે છે.તેવી રીતે મોનાર્ક બટર ફ્લાઇ પણ તે રીતે ચુંબકીય ક્ષેત્રને પારખી શકે. પરંતુ આ ક્રિપ્ટોક્રોમ્સની ચુંબકીય સંવેદિતા કામ કરે છે જ્યારે તેને ભૂરા પ્રકાશથી પ્રદિપ્ત કરવામાં આવે. અલબત્ત તેનું કારણ હજુ અસ્પષ્ટ છે.
પતંગિયા તો પોતાની દિશા જાણવા માટે સૂર્યનો ઉપયોગ કરતાં હોય તે જાણીતું છે. જ્યારે સૂર્ય પંખો થઇ ગયો હોય ત્યારે પણ તેનું સ્થાન તો જાણી શકાય છે. સૂર્યાસ્ત થયા પછી પણ બે કલાક સુધી સૂર્યપ્રકાશ તો દ્રષ્ટિગોચર થતો હોય છે. તેથી વૈજ્ઞાાનિકને શંકા છે કે કીટક જ્યારે સાંજ પછી ઉડવાનું શરૂ કરે છે. સૂર્યાસ્ત પછીનો પ્રકાશ (ધુ્રવીભૂતપ્રકાશ)નો ઉપયોગ તેના દિક્સૂચકને ગોઠવવા કરે છે. રાત્રિ દરમ્યાન દિક્ સૂચકનું કાર્ય મેગ્નએટિક કમ્પાસ કરે છે.
એક અન્ય પ્રવાસીકીટકનું નામ 'ડ્રેગન ફ્લાઈ' છે. ગુજરાતીમાં ઘણા લોકો તેને 'વાણિયો' કહે છે જાળી જેવી પાંખોની જોડવાળી લાંબાકારની માખી જેવું તે ઉડકણું કીટક છે. તેની એક જાતિને 'ગ્લોબરિસ્કપર' કહે છે દરેક ઓક્ટોબરમાં લાખોની સંખ્યામાં તે માલદિવ ટાપુઓ પર આવવા લાગે છે. વર્ષના અંતે આ બધી ડ્રેગન ફ્લાઈ ઉડી જાય છે અને મે મહિનામાં ટૂંક સમય માટે તે પરત આવે છે. અહીં પ્રશ્ન થાય કે તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ?
એક જીવવિજ્ઞાાનીએ તેનો ૧૪ વર્ષનો ડેટા એકઠો કરી એક વાદ આપ્યો છે. આ કીટકો તાજા પાણીના ખાબોચિયામાં પેદા થાય છે અને ઋતુ પ્રમાણે વરસાદને અનુસરે છે. ઓગસ્ટથી ઓક્ટોબર દરમ્યાન ભારતથી માલદિવ મારફતે પૂર્વ આફ્રિકા જાય છે અને કેટલાક મહિના પછી તે જ માર્ગે પાછા ફરે છે આમ જવા આવવાનો પ્રવાસ લગભગ ૧૭૫૦૦ કિલોમીટર થશે. જો ઉપરોક્ત માલદિવ સ્થિત જીવવિજ્ઞાાનીનો વાદ સાચો હોય તો ગ્લોબર સ્કિપરનો પ્રવાસ કોઈ પણ કીટક કરતાં વધારે થશે. તેની એક પેઢી દરમ્યાન જ આ મેરેથોન પ્રવાસ તે પૂરો કરે છે.
આ ઉપરાંત એકપ્રકારની મધમાખી પણ લાંબો પ્રવાસ કરે છે. તેવી જ રીતે ખેતરોના પાકને ઊજાડતા તીડના પ્રવાસથી તો આપણે પરિચિત છીએ.
આપણે જાણીએ છીએ લાંબા પ્રવાસ કરવામાં કીટકો એકલા નથી. પક્ષીઓ પણ કરે છે. પરંતુ કીટકોને પ્રવાસી પક્ષીઓની સરખામણીમાં એક મોટો ફાયદો છે. પ્રવાસી પક્ષીઓની નર-માદાની જોડીએ પ્રજનન માટે બે ત્રણ વખત આબોહવા તેમજ અન્ય રીતે યોગ્ય જગ્યાએ જમીન પર ઉતરવું પડે છે. જો યોગ્ય જગ્યા ન મળે તો તેમની આપતિનું ભાવિ અંધકારમય થઇ જાય છે. આબોહવાનો બદલાવ આવી રહ્યો છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. તેની સરખામણીમાં પતંગિયા અને કીટકોની પ્રજનનનો વ્યૂહ ઘણો ખડતલ છે. તેના લીધે પતંગિયા અને કીટકો આબોહવા બદલાવનો સામનો કરી શકે છે. તેમને માટે આ સાલની યોગ્ય જગ્યા ગઇસાલની હોય તે જરૂરી નથી.
પતંગિયા અને કીટકો પ્રજનન માટે ક્યાં ઉતરવું તે નક્કી આબોહવા અને હરિયાળી જોઇને નક્કી કરતાં નથી પરંતુ જ્યારે તે પ્રજનન કરવા યોગ્ય વયે પ્હોંચે ત્યારે તે ઉતરી પડે છે. આમ તેમની ઉતરાણની જગ્યા યોગ્ય ન હોય અને પ્રજનન કરવામાં નિષ્ફળ જાય તો પણ બહુ જ મોટી સમસ્યા ઉભી થતી નથી. જ્યાં સુધી તેમનામાના થોડાક કીટકો ક્યાંક સફળ થાય તો પણ પૂરતું છે કારણ કે નર અને માદા એક જોડી હજારો ઇંડા મૂક્તી હોય છે.
તેમાથી પેદા થતાં અનેક બચ્ચાં પ્રવાસ કરી અવાસ્ય પ્રદેશ કરીને જતાં મૃત્યુ પામે તે શક્ય છે પરંતુ એવી સંભાવના પૂરતી છે તે પૈકી સેંકડો વધારે યોગ્ય જગ્યાએ ઉતરાણ કરશે. કીટકોના બચ્ચાં પૈકી એક ટકો પણ બચી જાય તો તેમની જાતિ ટકાવવા પૂરતું છે. જ્યારે પ્રવાસી પંખીઓ તો બેથી ત્રણ બચ્ચા પેદા કરે છે. તે બચે નહીં તો તેમના વંદા અને અંતે જાતિ લુપ્ત થઇ જાય. તેથી જ કદાચ પ્રવાસી કીટકો વધારે સામાન્ય જોવા મળે છે જ્યારે પ્રવાસી પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38GRkGO
ConversionConversion EmoticonEmoticon