બેટમજી... હવે તમારું હૃદય એકાએક બંધ પડી જશે, તમે ખલ્લાસ થઈ જશો...!


કેયુર આ ભયાનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં જ એકાએક વીજળીવેગી લખલખું તેને ધુ્રજાવી ગયું. તેનો ચહેરો ફિક્કો પડી ગયો, આંખોના ડોળા ફાટી ગયા તે બચાવોની બૂમ પાડવા ગયો પણ ગળામાંથી ચીસ સુધ્ધાં ન નીકળી

કેયુરના હૃદયના ધબકારા એકાએક જ વધવા લાગ્યા, છાતીમાં અચાનક તીવ્ર સણકો ઉપડયો એ સાથે જ એક ભયગ્રસ્ત ફાળ પડી એના શ્વાસોચ્છવાસની ગતિ વધતી ગઈ. શરીરે પરસેવો વળવા લાગ્યો. હાથ પગ કાંપવા લાગ્યા. તે લાચાર, અસહાય, અકલ્પ્ય, ભયગ્રસ્ત દશામાં મુકાઈ ગયો. તેણે અનુભવ્યું કે કદાચ તેનો જીવ નીકળી જશે.

મનોમન પોતાની જાતને ઠપકો આપી તે બબડયો, 'બેટા કેયુર હવે તમે ખલ્લાસ થઈ જવાના, એકલા બહાર નીકળવાનો બહુ અભરખો હતો ને ? તો જુઓ બેટમજી હવે તમારી શું દશા થાય છે ?'

અહીં તો તમારી લાશને ઠેકાણે પાડનાર કોઈ નથી પણ હવે શું થાય ?

આવી ભયભીત દશામાં યમરાજથી બચવા કેયુરે ગાયત્રી મંત્રનું પઠન કર્યું...એ સાથે જ થોડીવારમાં તેને હળવાશનો અનુભવ થયો.

હજી એકાદ મિનિટ માંડ પસાર થઈ હશે ત્યાં તો છાતીમાં ફરી એક જોરદાર ભીંસ અનુભવાઈ, એનો શ્વાસ રૂંધાવા લાગ્યો હૃદયના ધબકારા પડઘમની જેમ ગાજતા રહ્યા, ચારેય દિશાઓ ચક્કર ચક્કર ફરવા લાગી, ગળામાં શોષ પડયો મોઢું એવું સૂકાઈ ગયું કે ગાયત્રી મંત્રનું પઠન કરવું પણ મુશ્કેલ બન્યું.

કેયુરને હવે એવો અહેસાસ થઈ ગયો કે, તેની અંતિમ ક્ષણ હવે આવી ગઈ છે. તેેેણે આસપાસ નજર દોડાવી, કદાચ કોઈ એકલદોકલ રાહદારી મળી જાય તો બચી શકાય તેના હાથ પગ પાણી પાણી થઈ ગયા. કપાળ પરથી, ચહેરા પરથી, છાતીએથી, હથેળીમાંથી પરસેવાના રેલા વહેવા લાગ્યા, આંખે અંધારા આવવા માંડયા. તે ફરીથી મનોમન બબડયો. નિખિલને અત્યારે ફાવે તેમ નહોતું તો તેણે થોડી રાહ જોવાની જરૂર હતી. આમ, એકલા નીકળી પડવાનું દુ:સાહસ કરવાની ક્યાં જરૂર હતી ? આ હાલતમાં ડોક્ટર પાસે પહોંચવું પણ કઈ રીતે ?

કેયુર આ ભયાનક પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાના પ્રયત્ન કરે એ પહેલાં તો એક વીજળીવેગી લખલખું તેના આખા શરીરને ધુ્રજાવી ગયું. તેનો ચહેરો ફિક્કો પડી ગયો આંખના ડોળા ફાટી ગયા. એકાએક તેની નજર આકાશ પર ગઈ તો એણે જોયું કે, એક કાળો પડછાયો ધસમસતો તેની તરફ આવી રહ્યો હતો ''બચાવો, બચાવો''ની છેલ્લી ચીસ પાડવા તેણે મોઢું ઉઘાડયું પણ ગળા પર કોઈ મોટો પથ્થર કોઈએ મૂક્યો હોય અને શ્વાસ ન લઈ શકાય તેવો અનુભવ તેને થયો. ચીસ પાડવાનું તો બાજુએ રહ્યું તેનાથી હળવો સિસકારો પણ નીકળી ન શક્યો.

કેયુરને હવે સમજાયું કે તે ખલ્લાસ થઈ જશે. તે આંખો બંધ કરી સાક્ષી ભાવે મોતનું તાંડવ જોતો રહ્યો તેને યાદ આવ્યું કે આવું તેના જીવનમાં પાંચમી વાર બની રહ્યું છે.

ત્રણ મહિના પહેલા સ્ટાફ ટ્રેઇનિંગના વર્ગમાં તેને થયેલી બેચેની અને ગુંગળામણનો અનુભવ એટલો ભયાનક હતો કે, ગળે ડૂમો બાઝી જતા તે બાજુમાં બેઠેલા કોઈને પણ પોતાની પીડા વિશે કંઈજ જણાવી શક્યો ન હતો. તેની હાલત જોઈને બધા ગભરાઈ ગયા હતા. પરેસવે રેબઝેબ ફીક્કા પડેલા તેના શરીરને એમ્બ્યુલન્સ વાનમાં તાત્કાલીક સારવાર વિભાગમાં લઈ જવાયો હતો. ત્યાં તેને બ્લડ, એક્સ-રે, કાર્ડિયોગ્રામ વગેરેની તપાસ કરાયા બાદ તેને કોઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડીવારમાં તે સ્વસ્થ થઈ ગયો હતો.

બરાબર બે મહિના પછી કેયુર પોતાનો સ્ટડી રૂમમાં બેઠો બેઠો એમ.બી.એ.ની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને આવો જ હુમલો આવ્યો હતો જેથી સારવાર માટે કાર્ડિયોલોજીસ્ટ પાસે લઈ જવાયો હતો. તમામ રિપોર્ટસ કઢાવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટે કેયુરભાઈને કહ્યું હતું, 'તમારા તમામ રિપોર્ટસ નોર્મલ છે. તમારે કોઈ સારા મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.'

આ સાંભળી કેયુરે ગુસ્સામાં જવાબ આપ્યો હતો કે, 'હું કાંઈ ગાંડો નથી મને તો હૃદયની તકલીફ છે. મારું બરાબર નિદાન કરી સારવાર કરો નહીતર ગમે ત્યારે મારો જીવ નીકળી જશે.'

કેયુરે સાઇકિયાટ્રીસ્ટને મળવાનું ટાળ્યું હતું પરંતુ ત્યાર પછી તો પંદર દિવસમાં આવા બે-ચાર ગભરાટના હુમલા આવી ગયા પણ એને કોઈપણ ડોક્ટરને મળવાનું ટાળ્યું અને પોતાની જાતે જ હિંમતપૂર્વક આમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.

એક રાત્રે તે એકલો ઇવિનંગ વોક માટે બહાર નીકળ્યો તે સમયે હૃદયના દુ:ખાવાનો જબરજસ્ત હુમલો આવ્યો.

પાંચમી વારનો આ હુમલો તીવ્ર હતો. રસ્તો સૂમસામ હતો. ચારેકોર અંધારું હતું ગભરાટમાં ને ગભરાટમાં તેને ગાયત્રી મંત્રનું કેવું સ્મરણ કર્યું હશે તે તો તેને યાદ નથી. ગળામાંથી અવાજ જ ન નીકળતો હોય તેવી દશામાં કેટલો સમય નીકળી ગયો તેની તેને સમજણ ન પડી. કદાચ કલાકોનો સમય વીતી ગયો.

યમરાજથી ફફડતો કેયુર મૃત્યુની રાહ જોઈ ઉભો હતો ત્યાં એક કારની હેડલાઇટ્સ નજીક આવતી દેખાઈ તેણે હાશકારો અનુભવ્યો. કાર નજીક આવતાં જ તેણે હાથ ઉંચો કરી કાર રોડી કારચાલક બારીમાંથી મોઢું બહાર કાઢ્યું કે તરત જ હાંફતા હાંફતા તેણે કહ્યું, 'મારો જીવ નીકળી રહ્યો છે અહીંથી અડધો કિ.મી. દૂર મારું ગામ છે... મને જલ્દીથી ત્યાં લઈ જાવ. થોડોક વધારે સમય જશે તો મારું હૃદય બંધ પડી જશે.'

કારવાળો હેબતાઈ ગયો તેને તરત કેયૂરને ગાડીમાં બેસાડી દીધો ને બે મિનિટમાં ગાડી તેના ઘેર લઈ લીધી.

કેયૂરને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યો ડોક્ટર તપાસ કરી તત્કાળ એક ઇન્જેક્શન આપ્યું અને જાણે ચમત્કાર થયો. કેયૂરનો શ્વાસ હેઠો બેસી ગયો. છાતીનો દુ:ખાવો કયાંક ભાગી ગયો. તેણે પરસેવો લૂછી નાખ્યો હસતો હસતો બેઠો થઈ બે હાથ જોડી બોલ્યો, 'તમે મારો જીવ બચાવ્યો. થોડીક ક્ષણો વધારે નીકળી હોત તો કદાચ મારો જીવ નીકળી જાત... તમે મારા ભગવાન છો.'

'તો મારી એક વાત માનો. તમારી બીમારીને સમજવાની અને સ્વીકારવાની તમારે જરૂર છે. તમારો કાર્ડિયોગ્રામ, ઇકો એન્જિયોગ્રાફી બધું જ નોર્મલ છે તમારે મનોચિકિત્સકની જરૂર છે.'

કેયુરે એ દિવસે વાત માની લીધી. આટલી મુશ્કેલીમાં વારંવાર વેઠવા કરતા તેનું યોગ્ય નિદાન કરાવવું સારું.

કેયુરને જે થાય છે તે, 'ધ્રાસ્કો પડવો', 'ફાળ પડવી', 'હૃદય બંધ પડી જશે તેવું લાગવું', 'ગળે ડૂમો બાઝી જવો' ગભરાટના એકાએક હુમલા આવવા એ 'પેનિક ડિસઓર્ડર' નામનો રોગ છે.

ગભરાટનો આવો હુમલો વ્યક્તિને કોઈ અગમચેતીના ચિન્હો વગર એકાએક થઈ શકે છે. એને કોઈ પણ રીતે અટકાવી શકાતો નથી. બાહ્ય પરિસ્થિતિ ખાસ વિપરીત ન હોય તો પણ તેને ચિંતા અને ભયની લાગણી અત્યંત તીવ્ર થાય છે. ઘણીવાર તો ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ અને દરદીની તેની ચિંતા અને ભયની લાગણીને તથા તેને થતી તકલીફ વચ્ચે કોઈ સંબંધ જણાતો નથી. કોઈ ચોક્કસ કારણ વિના પણ દર્દીને આવો હુમલો એકાએક શરૂ થઈ શકે છે.

ક્યારેક નાનું સરખું કારણ હોય તો પણ દરદીને ગભરાટના હુમલા શરૂ થઈ જાય છે. બંધ જગ્યા, ભીડભાડવાળી જગ્યા, એકલા મુસાફરી કરવાનું કે બહાર નીકળવાનું થાય તો ગભરાટની જરાક અમથી લાગણીમાંથી તીવ્ર પેનિક એટેક આવે છે. આવો તીવ્ર હુમલો પાંચથી વીસ મિનિટ જેટલો ચાલે છે. ત્યાર પછી બેચેની, ડર અને ગભરામણ થોડા કલાકો કે દિવસો સુધી ચાલે છે.

પેનિક એટેકની અવગણના કરવી યોગ્ય નથી. આવા બે હુમલા વચ્ચેના સમયગાળા દરમ્યાન પણ દર્દીને ચિંતા રહે છે. ગમે તે ઘડીએ રોગનો હુમલો એકાએક આવવાની ભીતિ રહ્યા કરે છે જેે સ્થળોએ જવાથી પેનિક એટેક આવે છે તે સ્થળોએ જવાનું જ વ્યક્તિ ટાળવા માંડે છે. ધીરે ધીરે આવા સ્થળોની સંખ્યા વધતી જાય છે.

વારંવાર પેનિક એટેક્સ આવવાથી ડીપ્રેશન થવાની શક્યતા વધી જાય છે. ક્યારેક વ્યક્તિ ગુટકા, મસાલા, સિગરેટ, દારૂ, ચરસ અને ગાંજાનો નશો કરીને ગભરામણમાંથી બચવાનો પ્રયત્ન કરે છે. વ્યસન અને ભયના કારણે ઘરના ખુણામાં ભરાઈ રહેવાની વૃત્તિને કારણે આ રોગ ગંભીર સમસ્યા પેદા કરી શકે છે.

પેનિક એટેક્સનું યોગ્ય નિદાન અને સારવાર સમયસર કરાવવી જરૂરી છે. દવાઓ ઉપરાંત આરટીએમએસ, કોગ્નીટીવ, બિહેવીયર થેરેપી, ડિસેન્સીટાઇઝેશન, બ્રીધીંગ એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટની ટેકનિક રોગને કાબૂમાં લાવવા માટે ઉપયોગી પુરવાર થાય છે. આવા હુમલા દરમ્યાન મોતના મુખમાં પહોંચવાની થતી અનુભૂતિ ભયાનક હોય છે. જેને આવો અનુભવ થાય તેને જ તેની સાચી વેદના સમજાય છે.

ન્યુરોગ્રાફ :

તમારી 'સેલ્ફ ઇમેજ' બળવાન બનાવો તમારી જાતને એક નિષ્ફળ વ્યક્તિ ન ગણાવો. તમારી લઘુતા અને અસલામતીની ગ્રંથિ દૂર કરશો તો ચિંતા અને ગભરાટના હુમલા તમને પરેશાન નહીં કરે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SCrBd6
Previous
Next Post »