
એક વડીલ મિત્ર રસ્તામાં મળ્યા. કોઈ મળે ત્યારે મુખ્યત્વે 'તબિયત પાણી' કે મોંઘવારીની વાત થાય. પણ આ મિત્રે તો મારી આગળ સીધો બળાપો જ કાઢ્યો કે આપણી સંસ્કૃતિનું થવા શું બેઠું છે ?
કેટલાક લોકોને બીજી બધી બાબતો કરતાં સંસ્કૃતિનું શું થશે ? શું થઈ રહ્યું છે તેની વધારે ચિંતા હોય છે ? એમને પ્રકૃતિની ચિંતા નથી. પ્રકૃતિમાં પ્રદૂષણ કેટલી હદે વધી ગયું છે તે બાબત એમને 'ડોન્ટ કેર' છે. પણ કશુંક એમની નજરે અશોભનીય બને - કોઈ ન્યાતની છોકરી બીજા કોમમાં લગ્ન કરે, કોઇ દલિત લગ્નમાં વરઘોડો કાઢીને જાય તો એમને સંસ્કૃતિ રસાતાળ જતી લાગે છે.
મેં એમને પૂછયું : 'કેમ, સંસ્કૃતિને શું થયું છે ?'
'શું નથી થયું તે પૂછો ને ? એક ભાઈએ સગાસંબંધી મિત્રો વગેરેને આપણા ઉપકરણો દ્વારા જાહેરાત કરી દીધી છે કે મારાં વૃધ્ધ મમ્મી તારીખ ૩૦મી ડિસેમ્બરના રોજ અવસાન પામ્યાં છે. સગા સંબંધી ખરખરો કરવા, મોં મેળો કરવા કે સમભાવ દર્શાવવા આવવા માટે સમય, શક્તિ અને દૂર હોય તો વાહનખર્ચમાં પૈસાનો બગાડ કરે તેના કરતાં - વૉટસએપ પર કે અન્ય રીતે માત્ર શોકાંજલીનો કે સમભાવનો મેસેજ મોકલી દે તો બેસણામાં જવાની જરૂર ના રહે. એમની ટૂંકી શોકાંજલિ પણ અમારે માટે આશ્વાસનરૂપ બની રહેશે.'
એમની વાત પૂરી કરતાં તરત મને કહે કે તમે જ હવે કહો કોઇનાય મરણ પાછળ બેસણું એ તો આપણી પરંપરા છે. આપણી સંસ્કૃતિ તો માણસ મરી જાય તેની પાછળ બેસણું ય નહિ ? ઉપર પહોંચેલા વ્યક્તિને કેવું લાગે ?'
મેં મજાકમાં કહ્યું : 'ઉપર પહોંચી ગયેલી વ્યક્તિ એનું બેસણું છે કે નહિ એ ક્યાં જોવાની છે ? બેસણાંમાં કેટલાય સગાસંબંધીનો ટાઇમ બચી જાય, વાહન ખર્ચ બચી જાય તો બેસણા ના હોય તેમાં ખોટું શું ? સવાલ ખરખરો કરવા જવાનો છે. એક સંદેશો શોકાંજલિનો મોકલી દીધો તો બંને પક્ષને કેવી રાહત થાય ?'
એ ભાઈ જરા ચિમળાઇને કહે : 'અરે, પણ માણસ વ્યક્તિના મૃત્યુથી જરા દુ:ખી હોય તેને આપણે મળીએ તો આત્મીયતા લાગે.'
'જુઓ મિત્ર, આ જમાનામાં મરનાર વ્યકિતનાં સગાસંબંધી પણ રિવાજની ગુલામીને કારણે બેસણું રાખતા હોય પણ એમને ય સ્વજનના મરણ પછી બીજાં કેટલાય વહેવાર સમેટવાના હોય. બે કલાક ક્યારે પુરા થાય તેની રાહ જોતા એ સમય પતે કે તરત ચાદર ખંખેરવા માંડે છે.'
એ મિત્રને મારી દલીલ નાકામિયાબ લાગી. પણ એમના જેવા ગણ્યા ગણાય નહિ તેટલા કેટલાય વહેવારિયા માટે બેસણું અનેક રીતે પસંદ છે. મંદિરે જઇને બેસ્યા કરતાં બેસણામાં બે કલાક મઝેથી વીતે છે. બેસણામાં કંઇ શોખની જ વાતો કરવી પડે એવો નિયમ ક્યાં છે. તમારા મિત્ર કે સંબંધી બેસણામાં મળી જાય તો શોકની વાત પડતી મૂકીને મનપસંદી જાતજાતની વાતો કરીને સમય સારી રીતે પસાર કરી શકાય છે. કેટલાક નિવૃત્ત કે ઘરમાં ગોંધાઈ રહેનારાઓને તો જરા પગ છૂટો કરવાનું અને ઓળખીતા પારખીતા સાથે ગપ ગોષ્ઠિ કરવાનું સાધન છે.
મારા એક અતિવ્યવહારિક મિત્રને તો બેસણાનું એવું બંધન છે, એવો ચસકો છે કે સવારે ઊઠીને સહુથી પહેલા એે બેસણાની જાહેરાત જોઇ લે છે. બેસણાની ક્યારેક કોઇ જાહેરાત ના હોય તો એમનું પેટ પણ સાફ ના આવે એવું બને છે.
બેસણાની જાહેરાતમાં એકાદ બે જણના બેસણાની 'ખબર' એમને માટે 'ખુશખબર' જેવી હોય છે. સવારનો સમય ઘરમાં ડાફળિયાં મારવા કરતાં, બેસણામાં જવાનું મળે તો સવારનું વૉકિંગ પણ થઇ જાય. છાપામાં વાંચવા ના મળી હોય તેવી વાતો કે એવા સમાચાર સાંભળીએ અને બેસણામાં મૃત વ્યકિત એમના સગામાં હોય તો એના વિશે, એના કુટુંબ વિશે, મૃત્યુ પછી એમના બારમા તેરમા વિશે પણ અધિકૃત માહિતી મેળવીને એમનું મન સંતોષ પામે છે.
કોઇકવાર એમના 'સદ્ભાગ્યે' એમના ન્યાતિલાઓમાંથી બેત્રણના બેસણાંની જાહેરાત હોય ત્યારે એમનો દિવસ સુધરી જાય છે.
જે ભાઈએ બેસણાનો રિવાજ જતો કરીને માત્ર ઉપકરણો દ્વારા શોકાંજલિ મોકલવાની વિનંતી કરી એનું જોઇને કદાચ લગ્ન ગાળામાં ય લગ્નોત્સવમાં આવવાનો સમય બચાવવાની જાહેરાત કરે તો પણ મને તરત વિચાર આવ્યો કે લગ્નમાં તો ચાંલ્લો ઉઘરાવવાનો હોય છે. એ કોઇ જતો કરે ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a3RhVV
ConversionConversion EmoticonEmoticon