
પરોણાગતિ અને યજમાનગીરીની પ્રથા હવે અગાઉ જેટલી તંદુરસ્ત, નિષ્પાપ અને નિસ્વાર્થ રહી નથી !
માણસમાં એકબીજાને મળવાની ઉત્સુકતાની માત્રા સંબંધોના પ્રકાર પર નિર્ભર છે ! જે પ્રકારના સંબંધો હોય એ પ્રકારની આગતા-સ્વાગતા હોય છે. એમાંથી જ મળવા આવનાર કે જનાર વચ્ચેના સંબંધની સાચી ઓળખ મળે છે ! મિલનની ક્ષણો જેટલી ઉત્સાહિત કરે છે એટલી જ ઉત્તેજિત પણ કરે છે ! અમુક માણસને મળીને આપણને હર્ષનો એહસાસ થાય છે કે આ મિલન માટે જ કદાચ અત્યાર સુધી જીવતો રહ્યો છું. એ મુલાકાત લાંબો સમય ચાલે તો પણ આપણને અધૂરી લાગે છે. આ સ્થિતિ સંબંધની સાચી સાર્થકતા ગણાય ! કેટલાક માણસોનો આપણને ભાર લાગવા માંડે છે.
એ મુલાકાત ટૂંકમાં જ પતાવી દેવાની ગડમથલ એ આવે ત્યારથી જ આપણામાં શરૂ થઇ જતી હોય છે ! મિલન એ મિલન જ હોય છે પરંતુ સ્થળ અને સમય મુજબ એની તાસીર બદલાતી રહે છે ! કોઇ મિલન અગાઉથી આયોજિત હોય છે. એમાં પ્રતીક્ષાની એક એક ક્ષણનું આપણને મૂલ્ય હોય છે. કશી જાણ કર્યા વગર કોઇ પ્રિય વ્યક્તિ ઓચિંતી આવી ચડે છે ત્યારે આનંદ અને અચંબો સામસામે અથડાય છે. ને આવનારને હર્ષભેર વળગી પડવું કે આખેઆખા ઢોળાઇને એના ચરણોમાં ઢગલો થઇ જવું એ વિશે કશું નક્કી થઇ શકતુ નથી. છતાં આપણે ઢોળાઇ જતા હોઇએ છીએ ! ઓચિંતી મુલાકાતમાં જેટલો આનંદ છે એટલો અચંબો છે ને એ અચંબો જ આપણી મુલાકાતને ન્યાલ કરી જતો હોય છે. !
માણસમાં એકબીજાને મળવાની ઉત્સુકતા અને આતુરતા સલામત છે ત્યાં સુધી માનવસંબંધોને આંચ આવવાની નથી ! આ ઉત્સુકતા જ આપણું જીવવું સાર્થક કરે છે. માણસ સંબંધો વગર જીવી શકે નહિ. સંબંધને જાળવી રાખવા મિલન મુલાકાતો જરૂરી છે. સમાજ રચનાની સાથે સાથે શરૂ થયેલી આ પરોણાગતિ અને યજમાનગીરીની પ્રથા હવે અગાઉ જેટલી તંદુરસ્ત, નિષ્પાપ અને નિસ્વાર્થ રહી નથી ! જેનું લૂણ ખાધુ હોય તેના વફાદાર રહેવું માનવી શિરસ્તો હતો. 'સા'બ, મૈ આપકો દગા નહીં દૂગા, મૈને આપકા નમક ખાયા હૈ !' આવી ઇન્સાનિયતના રક્ષકોની સંખ્યા ચિંતાજનક રીતે ઘટવા માંડી છે ! હવે ખાય તેનું ખોદનારની સંખ્યા વધતી જાય છે.
તમારૂં જ ખાતા જાયને તમારૂં જ ખોદતા જાય ! અગાઉ બે પ્રકારની મુલાકત હતી. ઓચિંતી મુલાકાત અને આયોજિત મુલાકાત ! હવે એમાં 'ઉડતી મુલાકાત'નો ત્રીજો પ્રકાર ઉમેરાયો છે. ઉડતી મુલાકાતને પરોણાગતિ કે યજમાનગીરીનો દરજ્જો મળ્યો નથી. ગમે ત્યારે મળ્યા અને થોડી જ વારમાં વિખૂટા પડી જવાતુ હતું ! જે સમયને એસ.ટી. બસનું સ્વપ્નુ પણ નહોતું આવ્યું એવા વાહનવિહોણા સમયમાં ગ્રામીણ વિસ્તારમાં કોઇના ઘરે મહેમાન આવે તો ઓછામાં ઓછા ચાર દિવસ તો રોકાય જ, ફરજિયાત રોકાવું પડે! ઘરેથી એ રીતે માનસિક તૈયારી કરીને નીકળ્યા હોય તો ઝટ પાછા વળવાની તાલાવેલી એને ચટકા ભરે નહિ અને આરામથી એ રહી શકતો.
કારણ કે પંદરથી વીસ ગાઉ છેટેના કોઇ ગામમાં ચાલીને ગયો હોય તો થાકીને લોથપોથ થઇ ગયો હોય, આ સ્થિતિમાં એને ઝટ પાછા વળવુ હોય તો પણ પાછો વાળી શકે નહિ, બે દિવસ તો એને થાક ઊતારવા જ રોકાવું પડે! છતાં મહેમાન ત્યારે યજમાનને ભારે પડતો નહોતો! કારણ કે એક બીજાના મહેમાનને સાચવી લેવાની સમજણ કામ કરતી હતી એ અત્યંત સહયોગી થઇ પડતી. તમારા ઘરે આવેલા મહેમાનને આસપાસના નિક્ટના સંબંધીઓ જમવા માટે તેડાવતા હતા. એ અગાઉથી તમારે ત્યાં નોતરૂં થઇ જતા-' કાલે બપોર તમારા મહેમાનનું જમવાનું અમારે ત્યાં રાખ્યું છે. સાંજે વળી બીજે ક્યાંક જમવાનું ગોઠવાયું હોય. આવુ પાંચ છ ઘરોમાં એનું જમણવાર ગોઠવાઇ જતું હતું.
પછી એના ઘરે મહેમાન આવે તો તમારે એને બોલાવવા પડે. આમ પરસ્પર સહયોગથી મહેમાન સચવાઇ જતા હતા. કોઇના મહેમાનને તમે જમવા ન બોલાવ્યો હોય તો તમારે એનો ઠપકો સાંભળવો પડે! આ પરસ્પર સહયોગને કારણે મહેમાનને પણ ઉત્તમ પ્રકારનું જ જમવાનું મળે! ધીમેધીમે એ પ્રથા તૂટવા માંડી. તમે મારા મહેમાનને જમવા ન બોલાવ્યો એટલે હું પણ તમારા મહેમાનને જમાડવાની જવાબદારીમાંથી મુક્ત થઇ ગયો. જેમ પરસ્પર સહયોગ કેળવાયો હતો એમ પરસ્પરની ભાવનાથી જ એ પ્રથા તૂટતી ગઇ, અને મહેમાનને જમાડવાને બદલે ચા પીવા બોલાવવાંમાં આવતાં પછી તો એક ઘરે ચા પીવા જાય ત્યાંથી જ બારોબાર કોઇ બીજો એને તેડી જાય.
આમ ઉપરાછાપરી ચા પીને મહેમાન પણ ઓચાઇ ગયો હોય! હવે તો એ પ્રથા પણ સાવ લુપ્ત થઇ ગઇ, હવે કોઇ કોઇને ચા પીવા પણ ઘરે બોલાવતા નથી! હવે મહેમાનો પણ કોઇને ત્યાં ઝાઝુ રોકાતા નથી. સવારની બસમાં પહોંચે તો બપોરની બસમાં પાછો વળી જાય છે! ટુ વ્હીલર જેવા સાધનો પણ ઘરેઘરે મળે હવે કોઇ કયાંય ચાલીને જતો નથી. ખેતર સુધી પણ ચાલીને જતો નથી. ખેતરમાંય ટુ વ્હીલર લઇને જ જાય છે. અને ચારનો ભારો પર ટૂવ્હીલરની પાછલી સીટ પર લાદીને આવે છે. હવે તો લોકો ચા પણ પૂછી પૂછીને પીવડાવે છે- 'ચા પીશો થોડી થોડી?' એના આ વિવેક સામે આપણે પણ વિવેક કરવો પડે- 'ના ના જવા દોને યાર, ચાની કયાં' માથાકુટ કરવાની? વર્ષો પહેલાં તો ઘણાને એવી પણ આદત હતી કે એને એકલાને ખાવાનું ના ફાવે એટલે કોઇ આવે એની રાહ જુએ પછી ખાય.
આજે કોઈ આવ્યું હોય એ જાય પછી જમવા બેસે છે ! હવે મહેમાનને રોકાઈ જવાનો આગ્રહ પણ કોઈ કરતું નથી, અગાઉ ચાર દિવસ રોકાઈ ગયેલા મહેમાનને પાંચમા દિવસે પણ રોકી રાખવા માટે મહેમાનની થેલી જ સંતાડી દેવામાં આવતી હતી. આજે આવું કરનાર મૂર્ખા ગણાય ! આ વાત વર્તમાન પેઢીને ગળે ઊતારવાનું અઘરું છે ! જો કે એન.આર.આઈ.ને બે દિવસ રોકાય એવો આગ્રહ ક્યાંકયાંક જોવા મળે છે. એ માટે પણ નિકટનાં સંબંધ હોવા જરૂરી છે.
ઘણી જગ્યાએ નિકટના સંબંધીમાં પણ લોકોને કોઈપણ બહાને મોઢું ફેરવવાનું આવડી ગયું છે. અગાઉના લોકો મહેમાનને જમાડવા માટે ઘરમાં કંઈ પણ ન હોય ને હાથમાં પૈસા ન હોય તો એકાદ તાંબા પિત્તળનું વાસણ વેચીને પણ મહેમાનને હેતથી જમાડવામાં આવતા હતા. વાસણ વેચાઈ જવાનો અફસોસ થવાને બદલે પ્રસંગ સચવાઈ ગયો હોવાનો આનંદ થતો હતો. રાજકપુરની ફિલ્મમાં એક ગીત આવે છે.
મહેમાં જો હમારા હોતા હૈ / વો જાન સે પ્યારા હોતા હૈ !
ખરેખર આ ભાવના આપણામાં છે! ગુજરાતના માથે અબજો રૂપિયાનું દેવું હોવા છતાં અમેરિકાના પેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સિત્તેર લાખ લોકો ઊભા કરી દેવાની સરકારે બાંહેધરી આપી કે નહિ ? સિત્તેેર લાખ માણસોનું ટોળું તો ટ્રમ્પે એના પોતાના દેશમાં પણ જોયું નથી ! ખુદ મોદીજીએ પોતે પણ સિત્તેર લાખ માણસોનો ઝમેલો જોયો નથી ! પણ ટ્રમ્પ તો આપણા મહેમાન કહેવાય, અને મહેમાન માટે પ્રાણ પાથરી દેવાએ આપણી પારંપારિક લાક્ષણિકતા છે. એક વાત છે. ટ્રમ્પ માટે આપણે ગમે તેટલું કરીએ તો પણ પરસ્પર વેપાર અંગેના કરાર પર સહી કરતી વખતે ટ્રમ્પ એવું કહેવાના નથી. ' મિસ્ટર મોદી યૂ ડોન્ટ વરી ! મૈને આપકા નમક ખાયા હૈ !
કાળા ધોળા વાદળો છે,
લાલ પીળી સાંજ છે,
કાબરી ચીતરી હવા છે,
ભુખરી ભુખરી સાંજ છે.
દોસ્તીમાં હું બધાને શી રીતે વહેંચી શકું
મારી પાસે તારા પૂરતી એક મુઠ્ઠી સાંજ છે,
જિદ ન કર તું એને ખોતરવાની નખ તૂટી જશે
ક્યાંય કિરણ જડશે નહિ,
આ સાંજ નકરી સાંજ છે !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c4ERiq
ConversionConversion EmoticonEmoticon