
વિજ્ઞાાન અને ટેકનોલોજીએ રમતગમતનું ક્લેવર બદલી નાખ્યું છે ગોલ્ફ, ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ જેવી દડાની રમત ગમત સ્પર્ધામાં હાઈ ટેકનોલોજી આવી ગઈ છે
વિવિધ દડાની રમતો તો આપણે પરાપૂર્વથી રમતા આવ્યા છીએ. પરંતુ આજના યુગમાં દડાઓમાં પણ વૈજ્ઞાાનિક અને ટેકનોલોજીની ખૂબીઓ આવી ગઈ છે
સહુ કોઈ જાણે છે દડાની રમતો અનેક છે એટલું જ નહીં પ્રાચીનકાળથી તેવી રમતો રમાતી આવી છે. આજે પણ જુઓ તો ક્રિકેટ, ટેનીસ, ટેબલ ટેનીસ, ફુટબોલ, બાસ્કેટ બોલ, હોકી, બેઝબોલ, સ્કવોશ, બિલિયર્ડ, વોલીબોલ, ગોલ્ફ વગેરે વગેરે અનેક રમતોમાં દડો હોય છે. આપણાં પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ગોકુલમાં શ્રીકૃષ્ણ પણ છુટદડી કે ગેડીદડાની રમતો રમતા હતા. મેક્સિકોના મૂળવતની એવા એઝટેક લોકો રબ્બરના દડાની શોધ કરેલી. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ 'ડમ્બન્ગ' તરીકે ઓળખાતા દડાની શોધ કરી હતી. આપણાં દેશમાં અગાઉ કપડાના ગંઠેલા દડાનો રમવા માટે લોકો ઉપયોગ કરતા હતા. હજારો વર્ષથી દડાની રમતો રમાય છે. દડા અને તેનાથી રમવા માટે વપરાતાં અનેક ઉપકરણોમાં અનેક સુધારા વધારા થયા છે.
એકાદ હજાર વર્ષ પ્હેલાં સુધી તો દડાની રમતો રમવા માટેના મૂળભૂત ઉપકરણો યથાવત રહ્યા છે. ગોલ્ફ, ક્રિકેટ, હોકી, ટેનિસના ઉપકરણો બદલાયા ન હતા. ક્રિકેટ બેટનો સૌથી પહેલો સંદર્ભ ૧૬૨૪માં મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે એક ફીલ્ડર દડાના કેચ કરવા પ્રયત્ન કરતો હોય છે ત્યારે તેને બેટનો ફટકો વાગ્યો અને તે મૃત્યુ પામ્યો. કારણ કે તે બેટ લોખંડનું બનેલું હતું.
૧૯મી સદીના અંત સુધી તો 'એરા' નામના જંગલના એક ઝાડના લાકડામાંથી ટેનિસના રેકેટ બનતા હતા. તેની જાળીની દોરી ઘેટાંની આંત્રનળીમાંથી બનાવવામાં આવતી હતી. બીજા વિશ્વયુધ્ધ પછી તેના બદલે ગાયની આંત્રનળીમાંથી બનાવવામાં આવતી હતી કારણ કે તે સસ્તી પડતી હતી. ૧૯૭૯ સુધી વૈશ્વિકસ્તરે ટેનિસના રેકેટના માપ અને રચના માટેના કોઈ નિયમો ન હતા. તેથી ઘણીબધી શોધખોળો થઇ. ઘણાં જાતના લાકડા અને અન્ય વિકલ્પોના પ્રયોગો થયા.
ટેનિસમાં ટેકનોલોજીના અવનવા પ્રયોગોનો મુખ્ય ઉદેશ શોટની તાકાત વધારવાનો હતો. ૧૯૭૦ના દાયકામાં મોટા પાયે ધાતુના રેકેટ વપરાતા હતા. તેમાં એલ્યુમિનિયમ અને પોલાદનો ઉપયોગ થતો હતો, પરંતુ ટોચના ખેલાડીઓ એવી સંગ્રયિત ફ્રેમને પસંદ કરે છે જેમાં ગ્રેફાઇટનું જુદા જુદા પદાર્થો સાથે મિશ્રણ કરવામાં આવ્યું હોય. આ પદાર્થોમાં સીરામિક્સ, બોરોન અને કેવલર હોય છે. આપણે જાણીયે છીએ કે કેવલરનો ઉપયોગ લખ્તર તરીકે પણ થાય છે. આજના ગ્રેફાઈટ રેકેટનો મુખ્ય ઉદ્દેશ તેની દ્રઢતા છે. અલબત્ત તેનું હલકાપણું મુખ્ય ઉદ્દેશ નથી. કારણ કે રેકેટમાં દ્રઢતા હોય તો તે દડાના સંપર્કમાં આવે ત્યારે તે જે સ્હેજ વિકૃત થતું હોય છે તે થાય નહીં.
છેલ્લામાં છેલ્લી જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેમાં પીઝોઇલેક્ટ્રીક સ્ફટિકોને જોડવાનો સમાવેશ થાય છે. આ સ્ફટિકો એવા છે જ્યારે તેના પર દબાણ કે તણાવ લાગુ પડે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. ઘડિયાળોમાં અને લાઈટરોમાં તેનો ઉપયોગ થાય છે. જ્યારે દડો રેકેટની જાળી સાથે અથડાય છે ત્યારે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત પ્રવાહ હેન્ડલમાં જાય છે. ત્યાં તેનું વિવર્ધન થાય છે અને તે ફ્રેમમાં રહેલી સિરામિક મિશ્રણમાં પાછો વહીને જાય છે, તેનાથી ફ્રેમની દ્રઢતા વધે છે. પરિણામે વધારે તાકાત દડાને ફટકારવામાં મળે છે અને ધુ્રજારી ઓછી થાય છે. અલબત્ત હજુ પ્રથમવર્ગના ખેલાડીઓ છે જે હજુ લાકડાના રેકેટને પસંદ કરે છે.

બીજી દડાની રમત ગોલ્ફ છે. આપણાં દેશમાં તે ધનિકોની રમત ગણાય છે. તેનું ટેકનોલોજી સાથે જોડાણ ટકાવ રહ્યું છે. ગોલ્ફ દડાને ફટકારવા કે ગતિ આપવા જે ઉપકરણ વપરાય છે તેને 'ક્લબ' કહે છે. તેનો દેખાવ એક લાકડી જેવો હોય છે. તેના છેડાને ખાસ આકાર આપેલ હોય છે. શરૂઆતમાં તે 'હોલી' અથવા 'એપલ' વૃક્ષના ભારે અને સખત લાકડામાંથી હાથથી કાપીકૂપીને છોલીને બનાવવામાં આવતા હતા. આમ તે હાથ કારીગરીથી બનાવવામાં આવતા હતાં. ચામડાથી મઢેલા તેના દાંડાનો ઉપયોગ અઢારમી સદી સુધી ચાલ્યો. તે પછી તેની જગ્યાએ ધાતુ વપરાવા લાગી. ધાતુના શિર્ષ ઘણા વખત સુધી સામાન્ય વપરાતાં રહ્યાં. ૧૯૨૦ દાયકામાં પોલાદના દંડને કાયદેસર ગણવામાં આવ્યા.
પરંતુ ક્રિકેટ, બેઝબોલ અને ટેનિસનું નિયંત્રણ કરતી સંસ્થાઓએ ટેકનોલોજીકલ ફેરફારને પ્રતિરોધ કર્યો. ટેબલ ટેનિસમાં તો સખત રૂઢીચુસ્તતા દાખવવામાં આવી. ક્રિકેટ બેટ તો હોકી સ્ટીક જેવા હતા. બોલિંગની નવીનવી ટેકનીકોને કારણે સમાંતર બાજુઓ 'વિલો' બેટ બન્યા. ટેકનોલોજીકલ શોધોથી બેટમાં ફેરફાર કરવાનો ઝનૂનપૂર્વક વિરોધ થતો આવ્યો છે. હવે ક્રિકટે બેટની પ્રમાણિકતા સ્પષ્ટ પણે નિશ્ચિત કરવામાં આવી છે. તે મુજબ લાકડાનું ફલક હોવું જોઇએ અને તેના પર લગાડવામાં આવેલ પદાર્થ ૧.૫૬ મિલિમીટર જાડાઈ વધારે ન હોવો જોઇએ. પરંતુ સદનસીબે બેટનું હેન્ડલ અને બેટનું વજન ખુલ્લુ રાખવામાં આવેલ છે. નેતર અને રબ્બરનું પરંપરાગત બેટનું હેન્ડલ હવે બદલવામાં આવ્યું છે. હવે હેન્ડલ પોલીમરયુક્ત કાર્બન ફાઈબરનું બનાવવામાં આવે છે. તેના પદાર્થનું બંધારણ એવું છે કે બેટના ફલકમા નીચેના ભાગમાં વધારે વજન હોય છે. આજના બેટ્સમેન ડોનાલ્ડ બ્રેડમેનના બેટ કરતાં એક તૃતીયાંશ વધારે વજન ધરાવતા બેટનો ઉપયોગ કરે છે. આધુનિક બેટના હેન્ડલમાં ઘણી કરામત હોય છે. તેમાં ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કીટ હોય છે અને વાઇરીંગ હોય છે. હેન્ડલના નીચલા ભાગમાં મંદક હોય છે જે ધુ્રજારીનું ઉષ્મામાં રૂપાંતર કરે છે. બેટના ફલક પર એક 'સ્વીટ સ્પોટ' હોય છે. આ બેટના ફલકમાં એવું સ્થાન છે જેનાથી દડાને ફટકો મારે તો બહુ ઓછી તકલીફ પડે છે. આ 'સ્વીટસ્પોટ'નું માપ ધુ્રજારી ઘટાડવા માટે ટેકનોલોજી વધારે છે.
મોટાભાગની રમતોમાં દડાનું ભૌતિક વિજ્ઞાાન મહત્ત્વનો ભાગ ભજવે છે. જેની સંપૂર્ણતા ચકાસણી કરવામાં આવી છે તે પૈકી એક ગોલ્ફના દડા છે. ગોલ્ફના દડા સર્વોત્તમ હોય છે અને આરંભના દડા પણ તે વખતની ટેકનોલોજીનો શ્રેષ્ઠ કૃતિ હતા. મલેશિયાના સેપોડિલ્લા વૃક્ષના રસમાંથી બનાવેલા 'ગટ્ટી' દડાઓ એેક ક્રાંતિકારી પ્રયત્ન હતો. 'ગટ્ટી' દડાને 'ગટપર્યા' દડા પણ કહે છે ગટપર્યા એક જાતનું રબ્બર છે. તે પહેલાં કપાવેલા ચામડાના ત્રણ ટુકડાને એક
બીજા સાથે સીવવામાં આવતાં અને તે પછી તાજા ઉકાળેલા હંસ પક્ષીના પીંછાઓ મજબૂતાઈથી ભરીને 'ફેધરિ' દડા બનાવવામાં આવતાં. ઉપર જણાવ્યા પ્રમાણે સીવી લીધા પછી દડાને હથોડા મારી તે ભીનો હોય ત્યારે જ હથોડા મારી આકાર આપવામાં આવતો હતો. તેની અંદરના સુકાતા પીછાંના વિસ્તરણને કારણે તે પાછળથી ખૂબ સખત થઇ જાય છે. આ ફેધરિ દડા સૌ પ્રથમ ગોલ્ફના દડા હતા.
આધુનિક 'હાસ્કેટ' દડા હજુ ૧૦૦ વર્ષો પહેલાં જ શોધાયા. તેનું હાર્દ રબ્બરનું હોય છે. તે નક્કર હોય છે. તેનું ગંઠન રબ્બરના દોરાથી ભરેલું હોય છે. તેને 'બલાટા' નામના ખાડા ખાડાવાળા આવરણમાં પૂરી દીધેલ હોય છે. 'બલાટા' અસ્થિતિસ્થાપક લેટેક્સનો પ્રકાર છે. લેટેક્સ એટલે રબ્બરનું ખીરૂં એવો અર્થ થાય છે. આ દડાને 'ડીમ્પલ્ડ' દડા કહે છે. પ્રાયોગિક ધોરણે વાતિલ (ન્યુમેટિક) દડા બનાવ્યા હતા. પરંતુ હાસ્કેટ દડાનો ફાયદો એ હતો કે તે ગરમીમાં કદી વિસ્ફોટ પામતા નહતા.
ઇ.સ. ૧૭૦૦ પછી ક્રિકેટના દડામાં પણ તે જ ટેકનોલોજીને અનુસરવામાં આવી છે. બુચમાંથી બનાવેલા ગોળાકાર સખત હાર્દ ફરતે ચામડાનું પડ સીવવામાં આવેલ હોય છે. તે પ્રમાણભૂત રહ્યા. આખી ૧૯મી સદી સુધી તેમાં કોઈ બદલાવ આવ્યો નહીં. ક્રિકેટના દડાનો રંગ હંમેશા લાલ રાખવામાં આવતો હતો. થોડા વર્ષો પહેલાં તો માત્ર ટેસ્ટ મેચ જ રમાતી હતી. વન-ડે કે ૨૦-ટ્વેન્ટી રમાતી ન હતી. ડે એન્ડ નાઇટ મેચો પણ ન હતી. તે વખતે ક્રિકેટના દડાનો રંગ લાલ રાખવાનુ કારણ એ છે કે પ્રકાશના બીજા બધા રંગો કરતાં લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે. તેથી તે દૂર સુધી વીખેરાયા વિના પ્હોંચી શકે છે. આપણે જાણીયે છીએ કે બધા જ ભય સૂચક સંકેતો લાલ રંગના જ હોય છે. કારણ કે તે દૂરથી પણ સ્હેલાઇથી જોઈ શકાય છે. ક્રિકેટના વિશાળ મેદાનમાં લાલ રંગનો દડો સ્હેલાઇથી ઓળખાય છે. પરંતુ હવે ડે એન્ડ નાઇટ મેચો શરૂ થતાં તેમાં ફેરફાર થયો છે.
ફુટ બોલ પણ દડાની રમત છે. ઇતિહાસકારો માને છે કે ફુટબોલની રમત માનવસભ્યતા જેટલી જુની છે. આજે પણ ફૂટબોલની વૈશ્વિક સ્પર્ધા પાછળ લોકો ગાંડા થઇ ગયા હોય તેમ વર્તે છે અને ખેલાડીઓ ઝનૂનપૂર્વક ખેલે છે. થોડા મહિનાઓ પહેલા દક્ષિણ આફ્રિકામાં ફુટબોલ વૈશ્વિક સ્પર્ધા યોજાઈ ગઈ તે આપણે જાણીએ છીએ, જો કે આ રમતમાં ભારત હજુ ઘણુ પાછળ છે. ચીનાઓ અને દક્ષિણ અમેરિકનો ગોળાકાર જેવી વસ્તુને લાત મારી રમતા હતા. પરંતુ ૧૮૬૨માં પ્રથમ રબ્બરની બ્લેડર (હવા ભરીને ફુલાવી શકાય તેવી રબ્બરની કોથળી જેને ટયૂબ પણ કહે છે) અમલમાં આવી ત્યારે એક રમત તરીકે તેને ગંભીરતાથી લેવામાં આવી.
ફુટબોલની રમતને 'સોકર'ની રમત પણ કહે છે. તે પહેલાં ફૂટબોલ ફૂલાવેલ પ્રાણીની બ્લેડર હતા. તેની બહારના ભાગમાં ચામડાનું પડથી તે રક્ષિત હતી. શરૂઆતના ફુટબોલ 'ગોળાકાર' ન હતા કારણ કે બ્લેડર ગોળાકાર ન હતી. તે સ્હેજ લંબગોળ હતા. આજે પણ તેનો ઉપયોગ અમેરિકન ફૂટબોલ અને 'રગ્બી'ની રમતોમાં થાય છે. પરંતુ ૧૮૩૨ સુધી કોઈ નિયમો ન હતા. ૧૮૭૨માં ઇંગ્લેન્ડનું ફુટબોલ એસોસીયેશન નિયમો બનાવી રહ્યું હતું, આશ્ચર્યની વાત છે કે ઘણા વર્ષો સુધી ફુટબોલના દડામાં બહુ ઓછા ફેરફાર થયા છે.
બ્લેડર અને તેના ફરતેના ચામડાના કવર વચ્ચે કપડાનું એક પડ ઉમેરવા સિવાય ખાસ કોઈ ફેરફાર થયા નથી. કમાવેલા ગાયના ચામડામાંથી સીવેલા ૧૮ વવિભાગના બહારના કવરને બદલવા સિવાય કોઈ ફેરફાર થયો નથી. આધુનિક બદલાવમાં એકબીજા સાથે ભીડાયેલ તકતીઓથી બહારનું કવર બનેલ છે. મુખ્ય સમસ્યા ચામડાનો દડો ભેજવાળા વાતાવરણમા કે ભીનાશ વાળા મેદાનમાં પાણીને શોષે છે તે છે. તેનાથી તે ભારે થઇ જાય છે અને તેને માથું મારવું જોખમી થઇ જાય છે. આપણે જાણીએ છીએ કે ફુટબોલની રમતમાં ઘણીવાર ખેલાડી દડાની સાથે માથું ભટકાવી ખેલતા હોય છે.
આધુનિક દડામાં સીધી લીટીમાં ગતિને પસંદ કરવામાં આવે છે. દડાની સપાટી પર નાના ખાડાઓની સંખ્યા, માપ અને તેમની વચ્ચેની જગ્યા તેમજ દડાના હાર્દના વજન પર દડો કેટલું અંતર કાપશે તે આધાર રાખે છે. પોલીયૂરેથેઇનના બહારના ભાગવાળો દડો ત્રણ સ્તરીય દડો નીચી ઉડાન ભરતો અને ધીમું ચક્રણ કરતો દડો હોય છે.
જ્યારે ભૌતિકવિજ્ઞાાનીઓ ફુટબોલ પર કામ કરવા લાગ્યા ત્યારે ફૂટબોલની રમતો પર નિયંત્રણ રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા-ફિફા-એ ફૂટબોલનું પ્રમાણભૂત માપ, તેમાની હવાનું દબાણ, આકારની જાળવણી અને વજન જેવી લાક્ષણિકતાઓ સ્થાપિત કરી. તેણે તો જે દ્રવ્યોમાંથી ફૂટબોલ બનાવી શકાય તેનું પણ નિયમન કર્યું.
સૌ પ્રથમ પોલીયૂરેથેઇનનો સંશ્લેષિત દડો ૧૯૮૬માં વર્લ્ડકપમાં ઉપયોગમાં લેવાયો હતો. તે ભેજ શોષે ત્યારે તેના વજનમાં થતો વધારો ૧૦ ટકાથી વધારે ન થવો જોઇએ. પરંતુ ૨૦૦૬ વર્લ્ડ કપમાં આ વધારો ૦.૧ ટકાથી વધુ થયો ન હતો. દડો ઓછો ભેજ શોષે તે માટે તેની પાણીની પ્રતિરોધકતામાં સુધારો કરવામાં આવ્યો હતો. તે માટે ચકતીઓનું જોડાણ કરવા પરંપરાગત શીવણના બદલે ઉષ્મીય રીત (થર્મલ બોન્ડીંગ)નો ઉપયોગ કરવામાં આવેલ. આજનો અતિ ઉદવિકસીત પ્રથમ વર્ગના ફુટબોલની સપાટીના અંતરાય તેની અને બુટ વચ્ચેનું ઘર્ષણ મહત્તમ કરે છે.
સામાન્યત: ફુટબોલની સપાટી ૩૨ ષટકોણાકાર ચકતીઓને જોડીને બનાવવામાં આવે છે. પણ ૨૦૦૬માં જર્મનીમાં યોજાયેલ વર્લ્ડ કપમાં માત્ર ૧૪ ચકતીઓને સંખ્યા જોડીને ફુટબોલ બનાવવામાં આવેલ. તેથી પણ આગળ ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકામાં, વર્લ્ડ કપ સ્પર્ધામાં આઠ ચકતી જોડીને 'જાબુલીની' બોલ વપરાયો હતો. આ દડાની સપાટીની સંરચના એવી હોય છે કે દડો ઉડાન સરળતાથી ભરે છે. દડાનો ઘાટ ગોળાકાર હોય છે. તેની ચક્તીઓને સીવેલી નથી હોતી પરંતુ ઉષ્મીય રીતથી જોડેલી હોય છે. તે પોતાનો આકાર જાળવી રાખે છે. તે એક સાંધા વગરનો ગોળો બને છે.
આમ વિવિધ રમતોમાં વપરાતાં દડાઓની ટેકનોલોજીએ આશ્ચર્ય થાય તે પ્રમાણમાં તેમાં ફેરફારો કર્યા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HWdLMw
ConversionConversion EmoticonEmoticon