ટેકટિપ્સ: જુદાં જુદાં ડિવાઇસ, પ્રોગ્રામ્સ કે સર્વિસની નાની મોટી ગૂંચવણો ઉકેલતી વાતોલેપટોપમાં ટચપેડ ડિસેબલ કરો


લેપટોપમાં માઉસનું કામ આપતું ટચપેડ એક એવી સુવિધા છે જે ઘણા લોકોને એકદમ માફક આવી જાય છે, તો ઘણા લોકોને માઉસ વિના બિલકુલ ચાલતું નથી.

આવા લોકો લેપટોપ સાથે રોજિંદું માઉસ કનેક્ટ કરીને કામ કરવાનું પસંદ કરે છે. આ રીત તો સહેલી છે, પણ માઉસ કનેક્ટ કર્યા પછી પણ ટચપેડ ઇનેબલ રહે તો ભૂલથી તેના પર આંગળી જતાં ભૂલો થવાનો સંભવ રહે.

સારો વિકલ્પ એ છે કે આપણે જ્યારે પણ લેપટોપમાં વધારાનું માઉસ કનેક્ટ કરીએ ત્યારે ઇનબિલ્ટ ટચપેડ આપોઆપ ડિસેબલ થઇ જવું જોઈએ.

વિન્ડોઝ-૧૦માં એવું કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી વિન્ડોઝ સેટિંગ્સમાં જાઓ. તમે વિન્ડોઝ કી+આઈ પ્રેસ કરીને પણ સેટિંગ્સમાં જઈ શકો. તેમાં ડિવાઇસીસ વિકલ્પ પર ક્લિક કરો. તેમાં ડાબી પેનલમાં ટચપેડ પર ક્લિક કરો. હવે જમણી તરફ ‘લીવ ટચપેડ ઓન વ્હેન એ માઉસ ઇસ કનેક્ટેડ’નું ટીક દૂર કરી દો. 

હવે જ્યારે પણ લેપટોપમાં માઉસ કનેક્ટ કરશો ત્યારે ટચપેડ બંધ થઇ જશે અને માઉસ દૂર કરતાં ટચપેડ ફરી એક્ટિવ થઇ જશે. કેટલીક લેપટોપ કંપની ટચપેડ માટે અલગ સોફ્ટવેર આપે છે, સામાન્ય રીતે તેનો આઇકન સ્ક્રીન પર જમણી તરફની ટ્રેમાં જોવા મળે છે. તેને ડબલ ક્લિક કરીને તેના સેટિંગ્સમાં જઈ શકાય.

સ્માર્ટફોનમાં કર્સર સહેલાઈથી ફેરવો

સ્માર્ટફોનમાં, વોટ્સએપમાં કે અન્ય જગ્યાએ ટાઇપિંગ કરતી વખતે કંઈક ભૂલ થતાં કે લખાણમાં કોઈ ફેરફાર કરવા માટે તમારે કર્સરને આમતેમ ફેરવવાની જરૂર પડતી હશે. ટચ સ્ક્રીન પર આંગળીથી કર્સરને ફેરવવું બહુ સગવડભર્યું નથી, પરંતુ ‘જીબોર્ડ’ કીબોર્ડ તેનો બહુ સરળ ઉપાય આપે છે. તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં જીબોર્ડ કીબોર્ડ ન હોય તો તેને ઇન્સ્ટોલ કરી લો.

હવે જ્યારે પણ તમારે લખાણમાં કર્સરને આગળ પાછળ ફેરવવું હોય ત્યારે લખાણ પર આંગળી ફેરવવાને બદલે કીબોર્ડમાં સ્પેસબાર પર આંગળી ફેરવો - તમારું કામ બહુ સહેલું થઈ જશે!

જીબોર્ડના કીબોર્ડ પર ગૂગલના લોગો પર ક્લિક કરતાં ટેક્સ્ટ એડિટિંગનું એક બટન જોવા મળશે. તેના પર ક્લિક કરીને તમને લખાણમાં કર્સરને આમતેમ ફેરવવા ઉપરાંત બધી જ ટેક્સ્ટ સિલેક્ટ કરવી, એક ક્લિકથી લખાણની શરૂઆતમાં કે અંતે પહોંચી જવું તથા લખાણ કોપી કે પેસ્ટ કરવાના વિકલ્પ પણ મળશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3afVJkI
Previous
Next Post »