વેંતિયાઓ: કુટુંબ કે કસબાના સિકંદરો

આ 'નાના' માણસો અને 'મોટા માણસો'ની ભ્રમણાઓ ગજબની છે. નાના કે મોટા હોવાની વાત અત્યંત સાપેક્ષ છે, પાણીમાં કરાતી આકૃતિ જેવી ક્ષણિક હોવા છતાં માણસ એનાં ભ્રામક મૃગજળ પાછળ સતત દોડતાં અણમોલ માનવજન્મ ખતમ કરી કાઢતો હોય છે.

અને મજા એ છે કે બધો જ ખેલ નજરનો હોય છે, દ્રષ્ટિનો હોય છે. બધી જ તકલીફ મુખ્યત્વે એક જ વળગણમાંથી ઊભી, થાય છે. આ વળગણ છે : અન્યનું પ્રમાણપત્ર, અન્યનો સંદર્ભ ! બીજાંને 'બતાવવા' પાછળ આપણે અણમોલ જિન્દગીની ક્ષણોનો કેટલો ગુનાહિત વ્યય કરીએ છીએ તેની મોટેભાગે સુધબુધ રહેતી નથી.

જીવન એટલું બધું પરિવર્તનશીલ છે કે તમે જેને પ્રતિસ્પર્ધી માનો છો, જેને પ્રભાવિત કરવા આકાશ-પાતાળ એક કરો છો, એ વ્યક્તિઓ જ બદલાઈ જાય છે. તમે જેને વિરાટ પડકાર માનતા હતા, તે તો એક નાનકડા જણનો 'મોટો, ખોખલો' પડછાયો માત્ર નીકળે છે. જેને મગરમચ્છ સમજીને મારવા માટે તમે ભવાની તલવાર ઉગામી એ જણ તો સાવ અળસિયું નીકળે છે, ને તમે ભોંઠા પડો છો. તમને સવાલ થાય છે : આ મગતરાંના કાલ્પનિક પડકારનો સામનો કરવા મેં શું શું હોમી નાખ્યું !

જિન્દગીનું આ છેતરામણું રહસ્ય જેટલું સ્પષ્ટ સમજાય જેટલી સતત એની સભાનતા રહે તેટલા તમે ઝાંઝવામાંથી બચો, આત્મવંચનામાંથી બચો.

વત્તે ઓછે અંશે આપણે સૌ આપણા કાલ્પનિક પડકારો, આપણી કાલ્પનિક અને કામચલાઉ સિધ્ધિઓનાં નાનકડાં ઠકરાણાં રચીને જીવતા રહીએ છીએ. એમાં આપણે જ આપણી ઠકરાતની સરહદો ઊભી કરીએ છીએ. પછી અચૂક એ ખોબા જેવી સલ્તનતની સરહદોમાં 'દુશ્મનો'ની ઘૂસણખોરી થાય છે. કોઈ વિશાળ બંગલાનો માલિક પરદેશ જાય, ને પછી એના કંપાઉન્ડમાં ઘૂસણખોરી થાય એવું જ કાંઇક બને છે. વાત અહીં અટકતી નથી, પછી તો પેલા 'ગેરકાયદે' ઘૂસણખોરના વિસ્તારમાં અન્યો ઘૂસણખોરી કરે છે, ને વર્ષો વહેતાં રહે છે, ને આ કાલ્પનિક કુરુક્ષેત્રનાં ધીંગાણાં ચાલતાં રહે છે.

આ નાનકડાં પ્રભાવક્ષેત્રો, આ નાનકડા 'દરબાર', આ નાનકડી ઠકરાતો ભલે કાલ્પનિક રહેતી, છતાં તત્કાલીન સમય પૂરતી તો એ નક્કર વાસ્તવિક્તા હોય છે. તમે ક્યાંક પત્રકાર તરીકે, પ્રોફેસર તરીકે કે સામાન્ય ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. ત્યાંનાં અત્યંત ધૃણાસ્પદ, છીછરાં, સતત ચાલતાં સ્ટાફરૂમ રાજકારણે તમને એ નોકરી છોડવા મજબૂર કર્યા. હવે તમે અતિઉચ્ચપદે, આન્તર્રાષ્ટ્રીય કક્ષો, કદાચ યૂનોનાં હેડક્વાર્ટર્સમાં બિરાજમાન છો. તમને ક્યારેક વિચાર આવે : ૧પેલાં મગતરાં, પેલો શાહ, પેલો ગાંધી, પેલો ધોળકિયા, પેલો મગન હજૂ ત્યાં જ સડી રહ્યા છે પણ અહીં તમારે એ ભૂલવું ન જોઇએ કે દ્રષ્ટિ વિશાળ બને તો આ આન્તર્રાષ્ટ્રીય કક્ષાની, અત્યારની યૂનોની ઉચ્ચપદની નોકરીપણ છેવટે તો નાનકડીને કામચલાઉ ઠકરાત જ છે ને ! પ્રશ્ન વાસ્તવિક્તા સ્વીકારવા સાથે, દરેક પરિસ્થિતિની ક્ષણભંગુરતા, સાપેક્ષ ક્ષુલ્લકતા, કામચલાઉ નાના-મોટાઈની સભાનતાનો છે. આ સભાનતા જ તમારી સમજ ને ત્રિ-પરિમાણીય (મલ્ટીડાયમેન્શનલ) બનાવે, તમને સુખ કે દુ:ખથી પાગલ બનતા અટકાવે. પેલા ગામને ચોરે બેસતા, ખોવાયેલાં રજવાડાંની યાદોમાં અટકેલા ખખડધજ ઠાકોર જેવી કરુણ હાલતમાંથી બચાવે.

વેંતિયા લોકોનું કુરુક્ષેત્ર 'સોફ્ટ ટાર્ગેટ' પર હોય, એ લોકો, સોબર, અનુકંપાશીલ, સહિષ્ણુ કુટુંબીઓને 

પ્રભાવિત કરવા સતત પ્રયાસ કરે. એ લોકોને ખંજવાળ ઊપડે ત્યારે શાબ્દિક કટાક્ષોનાં કેન્દ્ર પણ છેવટે કુટુંબીઓ કે કસબાના લોક હોય. જ્યારે માણસ આમ વર્તે ત્યારે મનોવૈજ્ઞાાનિક રીતે એની આંતરિક સરહદો છતી થઇ જાય. 'નબળો ઘણી બૈરી પર શૂરો'વાળી કહેવત યાદ છે ને ? આપણું 'ટાર્ગેટ-ક્ષેત્ર' શું છે ? આપણાં 'કુરુક્ષેત્ર'ની 'સાઇઝ' કેવડી છે ? છેવટે આપણે કોના તબોટા ઝંખીએ છીએ ? કારણ કે હકીકતમાં જેને આપણે પ્રભાવિત કરવા ફાંફા મારીએ તે લોકોથી જ આપણે પ્રભાવિત હોઈએ છીએ, અને આપણાં એ હવાતિયાં જ 'લિટમસ-ટેસ્ટ' છે કે આપણે વેંતિયા રહેવા સર્જાયા છીએ કે 'વિરાટ' બનવા !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PoM2rT
Previous
Next Post »