રવિવારે કોમી છમકલા બાદ ખંભાતમાં કડક પેટ્રોલિંગ : તોફાની તત્ત્વો ભૂગર્ભમાં


આણંદ,તા.24 ફેબ્રુઆરી 2020, સોમવાર

આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાત શહેરમાં ગતરોજ થયેલ કોમી છમકલા બાદ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં રેપીડ એક્શન ફોર્સ તૈનાત કરી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ સમગ્ર શહેરમાં અંજપાભરી શાંતિ પ્રવર્તી રહી છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં જાણે કરફ્યુ લાદવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. 

આ અંગે ખંભાત શહેર પોલીસે ગઈકાલ મોડી રાત્રે ચાર અલગ-અલગ ગુનાઓ નોંધી ૯૪ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા ગત રાત્રે કોમ્બીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસની ધરપકડથી બચવા તોફાની તત્વો સ્થળાંતર કરી ગયા હોવાના અહેવાલ સાંપડયા છે.

વધુમાં મળતી વિગતો મુજબ તાલુકા મથક ખંભાત શહેરમાં જુની અદાવતને લઈને બે દિવસ પૂર્વે શહેરના ભોઈ બારી વિસ્તારમાં તંગદીલી વ્યાપી જવા પામી હતી. બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો. જો કે જે તે સમયે પોલીસ અને સ્થાનિક અગ્રણીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. પરંતુ રવિવાર બપોરના સુમારે અચાનક જ બે કોમના જૂથો વચ્ચે અથડામણ થતા કોમી ભડકો થયો હતો. શહેરના અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને એકબીજા ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. દરમ્યાન તોફાની તત્વોએ કેટલીક દુકાનો તેમજ મકાનોમાં આગચંપી કરી વાહનોની તોડફોડ કરી હતી.

દરમ્યાન આ ઘટનાના પડઘા શહેરના ભોઈબારી પીરજપુર ભાવસાર વાડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ પડયા હતા અને બંને કોમના ટોળા સામસામે આવી જઈ એકબીજા ઉપર હુમલો કર્યો હતો. શહેરમાં થયેલ કોમી રમખાણમાં ૫૦થી વધુ મકાનો સહિત મોટરસાયકલ, કાર જેવા વાહનોમાં આગચંપી કરી હોવાના અહેવાલ સાંપડયા છે. બીજી તરફ તોફાની તત્વોને કાબુમાં લેવા માટે પોલીસ તત્વો દ્વારા ટીયરગેસના ૩૦થી વધુ સેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ આઈ.જી. સહિતના ઉચ્ચઅધિકારીઓને થતા ઉચ્ચઅધિકારીઓ સહિતનો કાફલો ખંભાત ખાતે દોડી ગયો હતો અને મામલો થાળે પાડયો હતો. ગઈકાલ મોડી રાત્રિના સુમારે ખંભાત શહેર પોલીસે શહેરના અકબરપુર, મદારનગર, ભોઈબારી, પીરજપુર, ભાવસારવાડ તથા લાલ દરવાજા વિસ્તારમાં થયેલ કોમી રમખાણોમાં કુલ ૯૪ આરોપીઓ સહિત બંને કોમના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

નવાબી નગરમાં ગતરોજ થયેલ કોમી તોફાન બાદ આજે સમગ્ર શહેરમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને શહેરના અકબરપુર વિસ્તારમાં જાણે કરફ્યુ લાદવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ ધરપકડની બીકે કેટલાક સ્થાનિકો સ્થળાંતર કરી ગયા હોવાના અહેવાલ સાંપડયા છે. હાલ પોલીસ દ્વારા શહેરમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. રેપીડ એક્શન ફોર્સની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે.

આરોપીઓ જામીન પર છૂટયાના બે-ત્રણ દિવસમાં ફરી ભડકો

સંવેદનશીલ ગણાતા ખંભાત શહેરના અકબરપુર વિસ્તારમાં થોડા સમય અગાઉ પણ કોમી તોફાનનો બનાવ બન્યો હતો અને બંને કોમના ટોળાએ એકબીજા ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાની આગ માંડ શાંત પડી હતી ત્યાં રવિવારના રોજ ફરીથી કોમી તોફાન ફાટી નીકળતા શહેરમાં ભારે તંગદીલી વ્યાપી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલ કોમી તોફાનોમાં બે પક્ષે સામસામી ફરિયાદો નોંધાયા બાદ પોલીસ દ્વારા ૫૦થી વધુ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે આ આરોપીઓ બે-ત્રણ દિવસ પૂર્વે જ જામીન ઉપર છુટયા બાદ અચાનક પુનઃ કોમી ભડકો થતાં કેટલાક તોફાની તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓ નગરમાં ચર્ચાઈ રહી છે.

બીજા કોમી છમકલા બાદ પૂર્વયોજિત કાવતરાની શંકા

તાલુકા મથક ખંભાત શહેરમાં છેલ્લા એક માસમાં બીજી વખત કોમી ભડકો થતા આ કોમી તોફાનો પૂર્વ આયોજીત કાવતરું હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે. કેટલાક ધાર્મિક સંગઠનો દ્વારા છેલ્લા એક સપ્તાહથી ખાનગી રાહે મીટીંગ કરી લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા. કેટલાક રાજકીય નેતાઓના પીઠબળને લઈને આવા તત્વો શહેરની શાંતિ ડહોળી રહ્યા હોવાનો સૂર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. આ કોમી રમખાણોમાં એસિડ બલ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.

તોફાનોના પગલે હૃદયરોગના હુમલાથી વૃદ્ધના મોતની ચર્ચા

તાલુકા મથક ખંભાત શહેરને તોફાની તત્વોએ રવિવારના રોજ બેથી ત્રણ કલાક સુધી બાનમાં લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાન, મકાનોમાં તોડફોડ તથા આગચંપી કરી ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું. 

દરમ્યાન શહેરના અકબરપુર વિસ્તારમાં એક ૬૨ વર્ષીય વૃધ્ધનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ સાંપડયા છે. જો કે આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જ્યારે એસિડ બલ્બના હુમલામાં એક યુવાન ગંભીર રીતે દાઝી ગયો હોવાનું પણ જાણવા મળેલ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલ કોમી તોફાનોમાં ૧૫થી વધુ વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uryaG9
Previous
Next Post »