અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમ માટે 150થી વધુ બસો ફાળવાતા સ્થાનિક મુસાફરો રઝળ્યા


આણંદ, તા.24 ફેબ્રુઆરી 2020, સોમવાર

અમેરીકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવતા તેઓના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુસાફરોને લઈ જવા સમગ્ર આણંદ જિલ્લામાંથી ૧૫૦થી વધુ બસની ફાળવણી કરવામાં આવતા આજે જિલ્લાના વિવિધ બસ મથકો ખાતે મુસાફરો રઝળી પડયા હતા અને ન છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી હતી. વિવિધ બસ મથકો ખાતેથી ૬૦ ટકાથી વધુ એસ.ટી. બસો રદ કરવામાં આવતા નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો.

વધુમાં મળતી વિગતો મુજબ અમદાવાદ ખાતેના મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપવાના હોઈ ભાજપ દ્વારા ભીડ એકત્રિત કરવા રાજ્યના વિવિધ સ્થળોએથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લોકોને લાવવા-લઈ જવા માટે એસ.ટી. બસો પણ રોકવામાં આવી હતી. આણંદના એસ.ટી. ડેપોમાંથી ટ્રમ્પના કાર્યક્રમમાં ૪૦ બસો ફાળવવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના પેટલાદ, બોરસદ, ખંભાતમાં મળી કુલ ૧૫૦થી વધુ બસો અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મોકલવામાં આવી હતી.

જો કે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવતા આણંદ જિલ્લાના ૭૦૦થી વધુ લોકલ એસ.ટી. બસના રૂટ રદ કરવામાં આવતા આજે મુસાફરોને વાહનો માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આણંદ એસ.ટી. ડેપોના ૭૦૦ તેમજ આઉટ ડેપોના ૩૦૦ મળી કુલ ૧૦૦૦થી વધુ રૂટો ઉપર એસ.ટી. બસો દોડે છે. જો કે અમદાવાદ ખાતેના કાર્યક્રમને લઈને ૬૦ ટકાથી વધુ લોકલ એસ.ટી. બસના રૂટ રદ કરી દેવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

ખાસ કરીને ધંધા-નોકરી અર્થે તેમજ અભ્યાસ અર્થે રોજેરોજ અપડાઉન કરતા મુસાફરો તેમજ વિદ્યાર્થી વર્ગને એસ.ટી. બસો રદ થવાના કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો. આણંદ શહેરના એસ.ટી. ડેપો ખાતે આજે સવારના સુમારે આ અંગે બોર્ડ મુકી જાહેર સુચના પણ આપવામાં આવી હતી અને એસ.ટી. બસો અમદાવાદ ખાતે વડાપ્રધાનના પ્રોગ્રામમાં ફાળવેલ હોઈ કેટલાક લોકલ રૂટ રદ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના રૂટો રદ કરવામાં આવતા ગ્રામજનોને ન છુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડયો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VjJpf1
Previous
Next Post »