ગુરુના ગુરુ એકલવ્યનો એક પ્રત્યક્ષ મૌનપાઠ


નીચેથી ધસમસતું પાણી, ઉપર પાતળા થડનો પુલ. એ ઝાડ પુલનું કામ આપે. તે પર થઈને અલ્લક-દલ્લક લોકો સામે કિનારે પહોંચે - સાવધાનીથી

સ્થિર ભૂમિમાં સ્થિરતા રાખે, એમાં શે મોટી વાત? નિશાન ચૂકે નહિ લપસણિયામાં, એ ખરો તીરંદાજ

થોડું માન વધ્યું, થોડુંક ગુમાન આવ્યું. પછી તો ગુમાન અને અભિમાન જ રહ્યાં. બીજલ જાતે જ કહેતો : 'જે ગુરુજી કરી શકે તે હું પણ કરી શકું.' આગળ ઉપર તે કહેવા લાગ્યો : 'જે ગુરુજી ન કરી શકે, તે પણ હું કરી શકું.'

અંગૂઠા વગરના એકલવ્યે તીરંદાજીની વિવિધ કળા હાંસલ કરી હતી. ગુરુ દ્રોણને એક અંગૂઠો દાનમાં આપ્યા બાદ તો તે વધુ અચ્છો તીરંદાજ બન્યો હતો. અગાઉ તેનો મુખ્ય આધાર અંગૂઠો હતો. હવે એ કોઈ પણ આંગળીને પ્રમુખ આંગળી બનાવી શકતો. એટલું જ નહિ, બેસીને, આડા પડીને, સૂઈને પગના અંગૂઠા વડે, પણ નિશાનબાજી કરી શકતો. ઝાડ પરનો તે અચ્છો નિશાનબાજ હતો.

તેણે જિંદગીભર આ જ કાર્ય કર્યું : પોતાના આદિવાસી સાથીઓને વિવિધરંગી તીરંદાજી શીખવવાનું.

બીજાઓને તીરંદાજી શીખવી શીખવીને એકલવ્ય જાતે જ ગુરુ બની ગયો. શિષ્યમાંથી ગુરુ બનેલા એ અનુભવી બાણવીર પાસે કંઈક અવનવા દાવ હતા.

પોતાના શિષ્યોને એકલવ્ય આ બધા જ દાવપેચ શીખવતો. હોંશે હોંશે, અનેક તીરંદાજ શિષ્યો તૈયાર થવા લાગ્યા. આદિવાસીઓનું નામ અચ્છા તીરંદાજોમાં સામેલ થવા લાગ્યું.

પણ શિષ્યો તો શિષ્યો છે. હર પ્રકારના શિષ્યો હોવાના જ. એક શિષ્ય ખરેખર હોશિયાર હતો. ફાંકડો નિશાનેબાજ. અમુક ચોક્કસ અંતરેથી તીર ઝાડમાં મારવામાં આવતું. એ જ તીરને તરત બીજા તીરથી વીંધી નાખવામાં આવતું. અગાઉ ખૂંપેલા તીરને વીંધવા કે ઉખાડવામાં તીરંદાજીની ચાલાકી દેખાઈ આવતી.

ઝાડમાંનાં વીંધેલા તીરને તરત જ વીંધવામાં બીજલ હોશિયાર બની ગયો. સહુથી આગળ નીકળી ગયો. ગમે તેટલી સ્પર્ધા યોજો તો પણ તે જ પહેલો રહેતો.

'બીજલ પહેલો' એવી ખ્યાતિ થઈ હતી. સાથે સાથે બીજલમાં અભિમાન આવ્યું હતું.

બીજા કહેતાં : 'બીજલ પહેલો.'

હવે એ જાતે જ કહેવા લાગ્યો : 'બીજલ પહેલો.'

બીજા કહેતાં : 'બીજલ અનોખો.'

એ જાતે પણ કહેતો : 'બીજલ અનોખો.'

થોડું માન વધ્યું, થોડુંક ગુમાન આવ્યું.

પછી તો ગુમાન અને અભિમાન જ રહ્યાં. બીજલ જાતે જ કહેતો : 'જે ગુરુજી કરી શકે તે હું પણ કરી શકું.'

આગળ ઉપર તે કહેવા લાગ્યો : 'જે ગુરુજી ન કરી શકે, તે પણ હું કરી શકું.'

ગુરુજી એકલવ્ય સુધી આ વાત ન પહોંચે એમ બને કે?

એક વરસાદનો દિવસ. પાણી પડીને રહી ગયું હતું. નાળું ઓળંગવા માટે એક ઝાડ ગોઠવી દેવામાં આવ્યું. નાળાની મોટી જગા, નીચેથી ધસમસતું પાણી, ઉપર પાતળા થડનો પુલ. એ ઝાડ પુલનું કામ આપે. તે પર થઈને અલ્લક-દલ્લક લોકો સામે કિનારે પહોંચે-સાવધાનીથી.

ગુરૂ એકલવ્ય અને શિષ્ય બીજલને એ વૃક્ષ-પુલ પરથી  પસાર થવું પડયું.

પહેલાં ગુરુ જવા લાગ્યા. થોભી ગયા ગુરુ વૃક્ષ-પુલ અથવા થડ-પુલ કે થાંભલા-પુલની વચમાં. ખેંચ્યું તીર. દૂરના એક ઝાડમાં ખૂંપી ગયું એ તીર.

અને એ તીર ખૂંપી જાય તે સાથે જ સણસણતું ગુરુનું બીજું તીર છૂટયું. પહેલાં તીરને વીંધી ગયું એ તીર. બંને તીર હેઠાં પડયાં.

ગુરુજી એકલવ્ય પાતળા પલળેલા પુલ પર થઈને સામે કિનારે પહોંચી ગયા.

પાછળ આવવા લાગ્યો બીજલ. ગુરુ એકલવ્ય કહે : 'બીજલ! મારા પરમ પ્રિય શિષ્ય! તું પણ આ કળામાં પાવરધો છે જ. ઝાડમાં ખૂંપેલા તીરને તું પણ તારા તીરથી વીંધી જ શકે છે. એ કરામત વૃક્ષ-પુલ પરથી અજમાવી દે. થવા દે એક જોવા જેવો પ્રયાસ.'

નીચે ધસમસતું પાણી. માંડ પગ જ પસાર થઈ શકે એવો સાંકડો પુલ. લીસી જગા. બધું જ લીસું, અસ્થિર, તરવરતું અને ટળવળતું.

એકાગ્રતા આવે જ કેવી રીતે?

અને એકાગ્રતા વગરનું નિશાન વળી કેવું?

છતાં ગુરુએ એ કરામત કરી બતાવી હતી. પોતે પણ એ કળા બતાવવી જ રહી.

ધૂ્રજતા, હાલતા, પુલની મધ્યમાંથી બીજલે તીર છોડયું. દૂરના વૃક્ષમાં ભખ્ખ કરતું તીર પેસી ગયું.

એ તીરને તીરથી વીંધવા, બીજું તીર તેણે છોડયું. એટલે કે તે છોડવા ગયો. એમાં તે નિષ્ણાત હતો. તો પણ કોણ જાણે શું બન્યું?

પોતે જ અસ્થિર બની ગયો. નીચેનાં દોડી જતાં પાણી, ઝરમરિયું વાતાવરણ, ચીકણી પગ હેઠળની પકડ, હાલતું થડ અને હાલતો પુલ.

ધૂ્રજી આંખ, ધૂ્રંજ્યું નિશાન, ધૂ્રજ્યું વાતાવરણ, ધૂ્રજ્યું ધનુષ્ય, ધૂ્રજ્યું તીર, ધૂ્રજ્યો તે જાતે.

પડયો પાણીમાં. બીજું તીર ક્યાં ગયું તેની ય ખબર પડી નહિ. અરે, છૂટયું કે નહિ, તે ય તે જાણી કે કળી શક્યો નહિ.

'ગુરુજી... ગુરુજી...ઓ...ઓ...'

ગુરુ એકલવ્યે તેને હાથ ખેંચી કિનારે લીધો. તેને લૂછીને સ્વસ્થ કર્યો. તેના હાથમાં પલળેલું ધનુષ્ય આપ્યું.

ચાલવા માંડયું. આગળ ગુરુ, પાછળ શિષ્ય. લીસી-ચીકણી, લપસણી ભૂમિમાંય ગુરુનાં સ્થિર પગલાં. શિષ્યને સંભાળીને ચાલવાની પેરવી.

ગુરુના ખભા પર મક્કમ ધનુષ્ય.

શિષ્યના હાલતા ખભા પર ડગમગતું ધનુષ્ય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wDG0NJ
Previous
Next Post »