
આપણા ગુજરાતમાં હેલમેટથી કેટલી સલામતી ને કેટલી અસુવિધા એ મુદ્દે સરકાર અને નાગરિકો આમનેસામને આવી ગયા અને આખો મુદ્દો - આપણી સલામતી માટે બહુ મહત્ત્વનો હોવા છતાં - ગૂંચવાઈ ગયો. ત્યારે દુનિયાના બીજા ખૂણે, મોટરસાઇકલિંગ પ્રેમી લોકો હેલમેટમાં સલામતી અને સુવિધા બંનેને સાંકળી રહ્યા છે. આ સુવિધા એટલે હેલમેટ પહેર્યા પછી પણ મૂંઝારો ન થાય એવી સુવિધા નહીં, ઓગમેન્ટેડ રીયાલિટી (એઆર) આધારિત સુવિધા!
આ ઓગમેન્ટેડ રીયાલિટી શું છે એ વિશે તમે નીચેના લેખમાં વધુ જાણી શકશો, પણ અહીં આપણે સીધી આ હેલમેટની વાત જ આગળ વધારીએ.
વિકસિત દેશોમાં બાઇકર્સ પોતાની સલામતી માટે હેલમેટને અનિવાર્ય ગણે છે. બાઇક રાઇડિંગ દરમિયાન તેમને જીપીએસ આધારિત નેવિગેશનની સુવિધા બહુ ઉપયોગી થઈ શકે. આ સુવિધા સ્માર્ટફોનમાં અને કારમાં ઇન્ફોટેઇન્મેન્ટ સ્ક્રીન પર આવી ગઈ છે, પણ બાઇકર્સ માટે તે ઉપયોગી નથી.
થોડાં વર્ષ પહેલાં ગૂગલ ગ્લાસ ખાસ્સા ગાજ્યા હતા, જેમાં જુદી જુદી માહિતી આપણી આંખ સામેના ગ્લાસમાં જ જોઈ શકાય એવી વ્યવસ્થા હતી. ખાસ્સી ગાજવીજ પછી, રોજિંદા જીવનમાં ખાસ ઉપયોગ ન જણાતાં ગૂગલે આ પ્રોજેક્ટ અભેરાઇએ ચઢાવી દીધો, પણ એન્ડ્રયુ આર્ટિશ્ચેવ નામના એક રશિયને આ જ કન્સેપ્ટને બાઇકર્સની હેલમેટમાં ઉમેરી દીધો છે. આગળની વાતમાં એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સને ખાસ રસ પડવો જોઈએ.
એન્ડ્રયુનું કામકાજ વેબસાઇટ્સમાં ઓડિયો-વીડિયોને લગતું હતું, એઆર વિશે તેણે ક્યારેય સાંભળ્યું પણ નહોતું. ‘એડવાન્સ્ડ મટીરિયલ્સ પ્રોસેસિંગ’ વિશેની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એ વિશે જાણ્યું અને સાથોસાથ મિલિટરીના પાઇલોટ્સ માટેની એઆર ફેસિલિટી ધરાવતી ખાસ પ્રકારની હેલમેટ વિશે પણ તેણે જાણ્યું. બાઇકિંગના શોખીન એન્ડ્રયુને લાગ્યું કે સામાન્ય બાઇકર્સ માટે પણ આવી હેલમેટ મળતી હોવી જોઈએ. તેણે પહેલાં સ્ટોર્સમાં અને પછી ઓનલાઇન અમેરિકન, ચાઇનીઝ અને જાપાનીઝ માર્કેટ્સમાં પણ આવી હેલમેટ શોધી. એઆરવાળી હેલમેટ ક્યાંય ન મળતાં, તેણે પોતે એવી હેલમેટ બનાવવાનું નક્કી કર્યું!
એન્ડ્રયુએ ગાંઠનાં નાણાં રોક્યાં અને રશિયન સરકાર તરફથી પણ ફંડ મેળવ્યું. ૨૦૧૩માં તેણે યુટ્યૂબ પર પોતાની હેલમેટનો કન્સેપ્ટ વીડિયો લોન્ચ કર્યો.
તમે ‘આયર્નમેન’ મૂવી સીરિઝના ફેન હો તો તમે જાણતા હશો કે તેમાં આયર્નમેન ‘જાર્વીસ’ નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સિસ્ટમનો ઉપયોગ કરે છે અને તેને જોઇતી બધી માહિતી તેની આંખ સામેના ગ્લાસ પર પ્રોજેક્ટ થાય છે. આ હેલમેટ કંઈક એ જ પ્રકારની છે!
એન્ડ્રયુના મતે, બાઇકર્સ જ્યારે બાઇક ચલાવી રહ્યા હોય ત્યારે તેમને કોઈ કાગળના નક્શા, જીપીએસ ડિવાઇસ કે નેવિગેશન સિસ્ટમ મદદરૂપ થાય નહીં કેમ કે તેમણે બધું ધ્યાન બાઇક ચલાવવામાં જ આપવું પડે. આના ઉપાય તરીકે ચાલુ બાઈકે, બાઇક ચાલક વોઇસ કમાન્ડ આપે અને એ અનુસાર તેમને નજર સામે જ નક્શો દેખાય અને તેમણે ક્યાંથી ક્યારે વળવાનું છે તેનું માર્ગદર્શન મળી રહે તો કામ ઘણું સહેલું થઈ જાય!
બાઇક ધૂમ સ્પીડે આગળ વધી રહી હોય ત્યારે અચાનક ચાલકની નજર સામે નકશો આવી જાય એ તો કોઈને પણ જોખમી લાગે, પણ ડેવલપર્સ કહે છે કે જે તે સમયના અજવાળા અને આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખીને ચાલકને યોગ્ય લાઇટિંગ સાથે જ, તેની નજર અવરોધાય નહીં એ રીતે નક્શો અને અન્ય વિગતો જોવા મળશે.
આ હેલ્મેટમાં એક જાયરોસ્કોપ અને ડિજિટલ કમ્પાસ પણ સામેલ છે, ચાલક ડાબી-જમણી તરફ માથું ઘુમાવે તો તે દિશાને અનુરૂપ સૂચના તેને જોવા મળશે! આ આખી કરામત એન્ડ્રોઇડની મદદથી, ૩૦૦૦ એમએએચની બે બેટરી પર ચાલશે, જે એક આખો દિવસ નિરાંતે ચાલશે. વોઇસ કમાન્ડ, આજુબાજુનાં સ્થળોનું સર્ચિંગ વગેરે કામકાજ વગેરે માટે ‘ન્યુઆન્સ’ નામની એક કંપનીની મદદ લેવાઈ રહી છે, જેણે એપલના સિરીના ડેવલપમેન્ટમાં મોટો ભાગ ભજવ્યો છે.
અલબત્ત, એ ખાસ નોંધવા જેવું છે કે અત્યારે હજી આ હેલ્મેટ પ્રોટોટાઇપના તબક્કે છે અને તેનું પ્રી-બુકિંગ થઈ રહ્યું છે.
એક અમેરિકન સ્ટાર્ટઅપે ‘સ્કલી’ નામે ‘વિશ્વની પહેલી મોસ્ટ ઇન્ટેલિજન્ટ’ હેલમેટનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, લોકોએ તેનું પ્રીબુકિંગ પણ કરાવ્યું અને પછી તે કંપની જ સમેટાઇ ગઈ (અલબત્ત, હવે એ જ પ્રોજેક્ટ ફરી આગળ વધી રહ્યો છે). બીએમડબલ્યુ કંપનીએ પણ ‘હેડ-અપ ડિસ્પ્લે‘ (એચયુડી) પ્રકારની હેલમેટ લોન્ચ કરી છે. તાઇવાનની એક કંપનીએ ‘જાર્વીસ’ નામે જ એચયુડી હેલમેટ લોન્ચ કરી છે.
એન્ડ્રયુની કંપનીએ ૨૦૧૯ સુધીમાં, પોતાની હેલમેટની ફુલ ફંક્શનલ પ્રોટોટાઇપ તૈયાર કરી લીધી છે અને યુએસએ, યુરોપ અને જાપાનમાં જરૂરી સેફ્ટી સર્ટિફિકેટ્સ મેળવી લીધાં છે અને હવે તેનું પ્રોડક્શન, માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન શરૂ થવાની શક્યતા છે. અચ્છા, હેલ્મેટની કિંમત? અત્યારે તો કંપની ફંડિંગ મેળવી રહી છે એટલે કિંમત છે ૧૫૦૦ ડોલર, ત્યાર પછી એક હેલ્મેટ વેચાશે ૨૦૦૦ ડોલરમાં, એટલે કે એ કિંમતમાં આપણે ત્યાં લગભગ બે નવી બાઈક આવી જાય!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wcDj5j
ConversionConversion EmoticonEmoticon