
ઓગમેન્ટેડ રીયાલિટી (એઆર)ને આપણે થોડા સમય પહેલાં બહુ ગાજેલી પોકેમોનગો ગેમથી ઓળખતા થયા છીએ, પણ એઆર ટેક્નોલોજી આવી ગેમથી ઘણી વ્યાપક શક્યતાઓ ધરાવતો વિષય છે.
એઆરનો સાવ સાદો, શાબ્દિક અર્થ જોઈએ તો ‘ટુ ઓગમેન્ટ’ એટલે કોઈ પણ બાબતમાં કંઈક નવો ઉમેરો કરવો. આપણી આસપાસના વાસ્તવિક જગતમાં જે ખૂટતી બાબતો અલગ અલગ સ્વરૂપે ઉમેરે તે ઓગમેન્ટેડ રીયાલિટી ટેક્નોલોજી. બીજા શબ્દોમાં, ઓગમેન્ટેડ રીયાલિટી આપણા વાસ્તવિક જગતના વાતાવરણમાં કમ્પ્યુટર દ્વારા પેદા થતો ઓડિયો, વીડિયો, ગ્રાફિક્સ કે જીપીએસ ડેટા ઉમેરીને એક નવો જ અનુભવ સર્જવાની કરામત છે.
આપણે કોઈ સ્થળે હોઈએ ત્યારે તેના સંદર્ભમાં આપણે જોઈતી માહિતી ઓગમેન્ટેડ રીયાલિટીથી કેવી રીતે મળી શકે એ દર્શાવતી ઉપર આપેલી અમદાવાદની તસવીર અને તેમાંની વિગતો કાલ્પનિક છે, પણ આ પ્રકારનો ડેટા સ્માર્ટફોનમાં તો લગભગ આવી જ ગયો છે અને ગૂગલ મેપ્સમાં પણ ટૂંક સમયમાં ઉમેરાય તેવી શક્યતા છે.
કલ્પના કરો કે કોઈ બહુમાળી ઇમારતમાં આગ લાગી હોય અને તેમાં ફસાયેલી વ્યક્તિઓને બચાવવા માટે અગ્નિશમન દળના જવાનો કામે લાગ્યા હોય, તેમને ઇમારતમાં કયા માળે, કયા રૂમમાં કોઈ વ્યક્તિ ફસાયેલી છે તેનું એક્ઝેક્ટ લોકેશન જાણવા મળે તો? એ વ્યક્તિ સુધી પહોંચવાના રસ્તે કયા ભાગમાં આગની કેટલી તીવ્રતા છે એની પણ એમને જાણકારી મળી જાય તો?
કોઈ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બચાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમ આવી ગઈ હોય અને તેઓ એમ્બ્યુલન્સની બારીના કાચ પર ક્લિક કરી, તેને કમ્પ્યુટરના સ્ક્રીનમાં ફેરવી નાખે અને ઇજાગ્રસ્ત વ્યક્તિ વિશે ક્લાઉડમાં સ્ટોર થયેલી મેડિકલ હિસ્ટ્રી જેમ કે તેનું બ્લડ ગ્રૂપ, એલર્જી, ડાયાબિટીસ, કઈ દવાનું રીએક્શન આવે છે, અગાઉની કોઈ ગંભીર બીમારી વગેરે બધી જ માહિતી આંખના પલકારામાં જોવા મળી જાય, તો ઝડપી અને યોગ્ય સારવારથી તે વ્યક્તિ બચી જવાની શક્યતા કેટલી વધી જાય?
તમને એવો સવાલ થયોને કે આવો ડેટા તો સ્માર્ટફોનમાં પણ જોઈ શકાય, એમાં બારીના કાચ પર પ્રોજેક્શનની શી જરૂર છે? તમારો સવાલ સાચો છે, પણ ઉપરના લેખમાં લખ્યા મુજબ, બાઇક ચાલકને તેની હેલમેટના સ્ક્રીન પર જ મહત્ત્વની માહિતી મળી જાય તો? મોટા ઉદ્યોગોમાં મોટાં મશીનોમાં વિવિધ પાર્ટ્સ કઈ રીતે કામ કરી રહ્યા છે અને ક્યાં ખામી સર્જાઈ છે, એ મશીન ખોલ્યા વિના જ જાણી શકાય તો?
આ ઓગમેન્ટેડ રીયાલિટી છે અને આ પ્રકારનો જ તેનો યોગ્ય ઉપયોગ છે, જેને સાકાર કરવા માટે અનેક જુદી જુદી કંપની દિવસરાત એક કરી રહી છે.
અત્યારે ઓગમેન્ટેડ રીયાલિટીના ક્ષેત્રે સૌથી વધુ ગાજી રહેલું નામ છે - માઇક્રોસોફ્ટ. કંપની ‘હોલોલેન્સ’ નામે ગૂગલ ગ્લાસની જેમ આંખો પર પહેરીને ઉપયોગમાં લઈ શકાય તેવાં, હોલોગ્રાફિક કમ્પ્યુટર્સ વિક્સાવી રહી છે, જે ગમે તે સપાટી પર હોલોગ્રામ બતાવી શકે છે. હોલોગ્રામ શબ્દ ગ્રીક શબ્દો ‘હોલોઝ’ (એટલે કે હોલ, સંપૂર્ણ) અને ‘ગ્રામા’ (એટલે મેસેજ, સંદેશ, માહિતી) પરથી બનેલો છે. હોલોગ્રામ એ થ્રી-ડાયમેન્શનલ ઇમેજ છે, જે ફોટોગ્રાફિક પ્રોજેક્શનથી સર્જાયેલી હોય છે.
ગૂગલના ગ્લાસ અને માઇક્રોસોફ્ટના હોલોલેન્સ બંને એક પ્રકારે, આંખો પર પહેરી શકાય તેવાં કમ્પ્યુટર છે, પણ બંનેમાં ખાસ્સો તફાવત છે. ગૂગલ ગ્લાસમાં તેના ગ્લાસ પર જ ડેટાનું પ્રોજેક્શન થતું હતું, જે આપણી નજર સામે હવામાં તરતો હોય એ રીતે જોવા મળે. એક રીતે ગ્લાસ એ સ્માર્ટફોનનું જ જુદું સ્વરૂપ હતો, જેમાં એપ હોય, મેપ હોય, કેમેરા હોય અને ઇન્ટરનેટ માટે સર્ચ હોય. જેમ અત્યારે સ્માર્ટવોચ સ્માર્ટફોનનું ફક્ત એક્સટેન્શન છે એ રીતે. જ્યારે માઇક્રોસોફ્ટના હોલોલેન્સ વર્ચ્યુઅલ રીયાલિટી અને ઓગમેન્ટેડ રીયાલિટી બંનેનું મિશ્રણ કરે છે, એટલે માઇક્રોસોફ્ટ ભારપૂર્વક તેને ‘મિક્સ્ડ રીયાલિટી ટેક્નોલોજી’ કહે છે.
હોલોલેન્સ તેને પહેરનારની મૌખિક સૂચના, આંખના હલનચલન અને હાથના ઇશારા સમજી શકે છે અને તેને મળતી સૂચના મુજબ, સામેની દીવાલને મોનિટરમાં ફેરવી શકે અથવા ટેબલ પર કોઈ બિલ્ડિંગનું ૩-ડી સ્ટ્રક્ચર ઊભું કરી શકે અથવા હવામાં તરતાં ૩-ડી મોડેલ બતાવી શકે છે.
મેડિકલ કોલેજમાં પ્રોફેસરે શરીરની સંરચના સમજાવવી હોય તો એ હોલોલેન્સ પહેરીને ઊભેલા સ્ટુડન્ટ્સની વચ્ચે હવામાં તરતું માનવશરીર સર્જીને શરીરના એક એક અવયવની ખૂબીઓ, ઓડિયો-વીડિયો અને ૩ડી મોશનથી સમજાવી શકે!
માઇક્રોસોફ્ટને હોલોલેન્સ ટેક્નોલોજી વિક્સાવવામાં નાસાની મદદ મળી રહી છે. નાસાના વૈજ્ઞાનિકો હોલોલેન્સની મદદથી મંગળ પર સંશોધન કરતા માર્સ રોવર ક્યુરિયોસિટીને તેઓ પોતે મંગળ પર તેને ચલાવી રહ્યા હોય એવી રીતે કંટ્રોલ કરી શકે તેવી શક્યતા છે.
વોલ્વો કંપની પોતાના કાર શોરૂમ્સમાં લોકો આ ટેક્નોલોજીની મદદથી કારની અંદર બહારની ખૂબીઓ વર્ચ્યુઅલ સ્વરૂપે જોઈ શકે અને તેનાં સેફ્ટી ફીચર્સ તપાસી શકે એવા પ્રયાસમાં છે. ઓડી અને હ્યુન્ડેઇ કંપનીએ કારનાં યૂઝર મેન્યુઅલ્સ પણ ઓગમેન્ટેડ રીયાલિટી ટેક્નોલોજીથી વિક્સાવવાનું શરૂ કરી દીધું છે.
તેમ છતાં, આ બધી થોડી દૂરની વાત લાગતી હોય તો જાણી લો કે આપણા અમદાવાદના અમુક બિલ્ડર્સે પણ લોકોએ તેમની સ્કીમ જોવા માટે લોકેશન પર આવવું પડે તેના બદલે તેમને ઘેર બેઠાં વર્ચ્યુઅલ રીયાલિટી હેડસેટની મદદથી હજી આકાર લઈ રહેલા પ્રોજેક્ટમાં તેમનું ‘તૈયાર ઘર’ બતાવવાનું શરૂ કરી દીધું છે!
વાત વર્ચ્યુઅલ રીયાલિટીની હોય કે ઓગમેન્ટેડ રીયાલિટીની, ડિજિટલ જગતની અત્યારે થોડી આભાસી લાગતી દુનિયા વાસ્તવિક બનવાને હવે બહુ વાર નથી!
વર્ચ્યુઅલ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રીયાલિટીનો તફાવત સમજીએ
વર્ચ્યુઅલ રીયાલિટી એટલે એવી ટેક્નોલોજી જે આપણે ઘરમાં હોઈએ તોય ક્રિકેટના ભરચક સ્ટેડિયમમાં હોઈએ એવો આભાસ કરાવે. આ ટેક્નોલોજી આપણી આસપાસનું વાતવારણ ભૂલાવીને તદ્દન નવી સ્થિતિમાં પહોંચી ગયાનો અનુભવ કરાવે છે. અત્યારે ગેમિંગમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
ઓગમેન્ટેડ રીયાલિટીમાં આપણી આસપાસની વાસ્તવિકતા સાથેનો આપણો સંપર્ક જળવાઈ રહે છે અને તેમાં ડિજિટલ ઇન્ફર્મેશન ઉમેરાય છે. ઉપર જણાવેલી હેલમેટ કે ગૂગલ ગ્લાસ તેનું ઉદાહરણ છે.
મિક્સ્ડ રીયાલિટીમાં ટેક્નોલોજીનાં આ બંને પાસાંની વધુ ભેળસેળ થાય છે! માઇક્રોસોફ્ટ હોલોલેન્સ તેનું ઉદાહરણ છે.
ઓગમેન્ટેડ રીયાલિટી ટેકનોલોજીનાં મૂળ ઘણાં જૂનાં છે
દૂરગામી અસરો ધરાવતી મોટા ભાગની ટેક્નોલોજીની શરૂઆત અને આખી દુનિયા તેના પ્રભાવમાં આવે એ બે તબક્કા વચ્ચેનો સમયગાળો લાંબો હોય છે. આજે આપણે જે સ્વરૂપે ઇન્ટરનેટનો ઉપયોગ કરી છીએ તેની શરૂઆત ૧૯૮૦ના દાયકામાં નેટવર્ક્સના નેટવર્ક્સથી થઈ ને વર્લ્ડ વાઇડ વેબના પ્રારંભ સાથે ઇન્ટરનેટનો વ્યાપ વધતો ગયો, પણ એક રીતે જોઈએ તો ઇન્ટરનેટનાં મૂળ છેક ૧૯૫૦ના દાયકામાં છે, જ્યારે ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ વિકસવાની શરૂઆત થઈ. એમ, ઓગમેન્ટેડ રીયાલિટીનાં મૂળ સામાન્ય રીતે ૧૯૬૮માં ગણાય છે, જ્યારે ઇવાન સધરલેન્ડ નામના એક સંશોધકે માથે પહેરી શકાય એવી એક ડિસ્પ્લે સિસ્ટમ વિકસાવી હતી અને તેની મદદથી કમ્પ્યુટર જનરેટડે ગ્રાફિક્સ જોઈ શકાતાં હતાં. ત્યારથી આજ સુધીમાં આ ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32uRFKB
ConversionConversion EmoticonEmoticon