ગૂગલની નવી શરતો .


હમણાં તમે જીમેઇલમાં કે ગૂગલની અન્ય કોઈ સર્વિસમાં લોગઇન થશો તો ઉપરના ભાગે એક નવી સૂચના જોવા મળશે. એમાં જણાવવામાં આવ્યું હશે કે કંપનીએ તેની ‘ટર્મ્સ ઓફ સર્વિસ’ બદલી છે અને આ નવી શરતો માર્ચ ૩૧, ૨૦૨૦થી અમલી બનશે.

આમ તો આપણને ઇન્ટરનેટ પરની કોઈ પણ સર્વિસને ઉપયોગ કરતી વખતે તેની શરતો કે પ્રાઇવસી પોલિસીમાં ઊંડા ઉતરવાની ટેવ હોતી નથી. તેનું એક કારણ એ પણ ખરું કે આ બધું લખાણ ઇંગ્લિશમાં અને એ પણ કાયદાકીય અટપટી ભાષામાં લખેલું હોય છે અને પાછું લાંબુંલચક હોય છે. એટલું બધું વાંચવા સમજવાનો આપણી પાસે સમય ન હોય અને વાંચીએ તો એવું પણ બને કે આપણે એ સર્વિસનો ઉપયોગ કરવાનું જ માંડી વાળીએ! કારણ એ કે મોટા ભાગે આવી શરતોમાં આપણે કાંડાં કાપી આપવાનાં હોય છે. 

જોકે ગૂગલ સ્પષ્ટતા કરે છે કે તેણે તેની શરતોમાં ખાસ કોઈ મોટા ફેરફાર કર્યા નથી, ફક્ત તેની ભાષા બને એટલી સહેલી કરવાનો પ્રયાસ કર્યો છે જેથી આપણે સમજી શકીએ કે આપણે ગૂગલની સર્વિસિસનો કઈ શરતે ઉપયોગ કરી રહ્યા છીએ. ગૂગલ એવી પણ સ્પષ્ટતા કરે છે કે તેની શરતોમાં ફેરફાર થવાથી એ આપણને જે કોઈ સેવાઓ પૂરી પાડે છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. આપણા ડેટાની પ્રાઇવસી સંબંધિત બાબતોમાં પણ કોઈ ફેરફાર થતો નથી. 

સમગ્ર વિશ્વમાં ખાસ કરીને યુરોપના દેશોની સરકારો પોતાના નાગરિકોની પ્રાઇવસી બાબતે વધુને વધુ કડક બની રહી હોવાથી ગૂગલ, ફેસબુક વગેરે કંપનીઓને પોતાની શરતોને વધુ પારદર્શક બનાવવાની ફરજ પડી છે. 

ગૂગલની નવી શરતો જરા ધ્યાનથી તપાસીએ તો તેમાં એક મોટો ફેરફાર એ છે કે હવે તે ગૂગલ ક્રોમ અને ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમને પણ પોતાની મુખ્ય શરતોમાં આવરી લે છે. આનો અર્થ એ થયો કે અત્યારે ગૂગલના કોઈ એકાઉન્ટનો ઉપયોગ ન કરતા પણ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા લોકોને પણ ગૂગલની આ શરતો લાગુ પડશે. આમાં સૌથી મોટી તકલીફની વાત એ છે કે ગૂગલમાં એકાઉન્ટ ખોલાવ્યા વિના ગૂગલની સર્વિસિસનો ઉપયોગ કરતા લોકો ગૂગલ તેમનો ડેટા કેવી રીતે કલેક્ટ કરી શકે અને કેવી રીતે ઉપયોગ કરી શકે તેના પર કોઈ અંકુશ ધરાવશે નહીં. ઉપરાંત ગૂગલ એકાઉન્ટ ધરાવતા લોકોને પ્રાઇવસી સંબંધિત જે સેટિંગ્સ કરવા મળે છે એનો લાભ પણ ગૂગલ એકાઉન્ટ ન ધરાવતા લોકોને મળશે નહીં.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cmqINQ
Previous
Next Post »