
નડિયાદ, તા.24 ફેબ્રુઆરી 2020, સોમવાર
મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની પ્રાથમિક શાળા પાસે આવેલ એક ફેક્ટરીમાંથી છોડાતા વાયુને કારણે વિદ્યાર્થીઓની હાલત બગડતા હોબાળો મચ્યો છે. આ અંગે શાળાના આચાર્ય, શિક્ષકો તથા પંચાયત સભ્યોએ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી સત્વરે ફેક્ટરી બંધ કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.
આજે સવારે અગીયાર વાગ્યાના અરસામાં આ ફેક્ટરીમાંથી ગેસ છોડાતા બે થી ત્રણ વિદ્યાર્થીઓની તબિયત લથળી હતી. ફેક્ટરીમાંથી અચાનક ગેસ છોડાતા બેથી ત્રણ બાળકો બેભાન થઇ ગયા હતા અને આંખમાં બળતરા થવા લાગી હતી. આથી રોષે ભરાયેલા શાળાના આચાર્ય અને શિક્ષકોએ હલ્લાબોલ કર્યો હતો. અને તાકીદે આ ફેક્ટરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી.ઉપરાંત ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો અને શાળાના સ્ટાફે મહેમદાવાદ તાલુકાના મામલતદારને લેખિતમાં અરજી કરી સત્વરે પગલાં ભરવાની માંગ કરી છે.
વરસોલા ગામની પ્રાથમિક શાળામાં અંદાજે ૪૧૮ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામના અને આસપાસના નાના નાના ગામોમાંથી અહીં વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. શાળામાં કુલ ૧૨ શિક્ષકો પોતાનું શિક્ષણકાર્ય સંભાળી રહ્યા છે. ખાત્રજ - નડિયાદ રોડ ઉપર વરસોલા ગામની આ પ્રાથમિક શાળાની નજીકમાં લગભગ ૩૦૦ મીટરના અંતરે દર્સ ફાર્મા નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં દવાની ગોળીઓના રોમટીરીયલ જેમાંથી અવાર નવાર કોઇ વાયુ છોડવામાં આવે છે. જ્યારે જ્યારે આ વાયુ છોડાય છે ત્યારે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આંખોમાં બળતરા થાય છે.
ઉપરાંત આવું થવાથી વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં પણ વિક્ષેપ પડે છે અને અભ્યાસ બગડે છે. આ સમસ્યા અંગે છેલ્લાં ત્રણ વર્ષથી શાળાનો સ્ટાફ તથા પંચાયત સભ્યોએ ગામના સરપંચને ે મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ તેને પણ ઘણો સમય વિત્યો છતાં કોઇ ઉકેલ આવેલ ન હોવાથી ગ્રામજનો રોષે ભરાયા છે.
3 વર્ષથી સમસ્યા છે પણ કોઈ નિવેડો આવતો નથી
વરસોલા પ્રાથમિક શાળાના આચાર્ય અને ગ્રામ પંચાયતના રાજુભાઇનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુંકે આ સમસ્યા છેલ્લાં ત્રણ વર્ષથી છે. આ અંગે અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. તેમ છતાં અહીં કોઇ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળા આવતા નથી, કોઇ તપાસ થતી નથી કે ફેક્ટરી બંધ થવાની કોઇ કાર્યવાહી થતી નથી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/398oIGE
ConversionConversion EmoticonEmoticon