
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) થકી થતી આવકમાં સતત ઘટાડા બાદ નવેમ્બર માસમાં તેમાં વધારો થવા પામ્યો છે. સતત ત્રણ માસની પીછેહઠ બાદ નવેમ્બરમાં તે છ ટકાની વૃધ્ધિ સાથે એક લાખ કરોડની સપાટી કુદાવી તો ગયું છે. પરંતુ આ વધારો આગામી સમયમાં જારી રહેશે કે કેમ તે અંગે ખુદ સરકાર જ અવઢવભરી સ્થિતિમાં મુકાઈ જવા પામી છે.
ગત માસ દરમિયાન દિવાળીના તહેવારના કારણે તેમાં વધારો થયો હોય તેવું ગણિત મૂકાઈ રહ્યું છે. તો બીજી તરફ આઠ રાજ્યોએ નાણામંત્રીને ફરિયાદ કરી છે કે જીએસટીના બદલામાં રાજ્યોને વળતરરૂપે જે રકમ નિયમિત રીતે મળવી જોઇએ તે ઘણા લાંબા સમયથી રિલીઝ ન થતા આ રાજ્યોની નાણાંકીય તંદુરસ્તી ખરડાઈ છે.
ઊદ્ભવેલ આ પપ્રતિકૂળ સ્થિતિના કારણે આ આઠ રાજ્યોમાં રોજિંદા કામકાજ પર પ્રતિકૂળ અસર જોવા મળી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આ રાજ્યો બિન ભાજપ શાસિક રાજ્યો છે. અને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે તેવું કેટલાક લોકો માની રહ્યા છે. જે હોય તે પણ આ મુદ્દો લોકશાહી માટે ગંભીર મુદ્દો ગણી શકાય.
આમ, વિવિધ મોરચે ઉદ્ભવેલ દ્વિધાભરી સ્થિતિ વચ્ચે આગામી તા. ૧૮ ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની મળનારી બેઠકમાં કરમાળખાની સર્વગ્રાહી સમીક્ષા કરાય તેવી સંભાવના છે. આ બેઠકમાં વેરામાંથી બાકાત રખાયેલી ચીજ વસ્તુઓ, જીએસટી અને કમ્પેનસેશન રેટ તેમજ આવક વધારવાના મુદ્દે ચર્ચા વિચારણા થશે.
ઉપલબ્ધ માહિતી મુજબ સરકાર દ્વારા વિવિધ રાજ્યોના જીએસટી વડાને જીએસટીની આવક વધે તે માટેની દરખાસ્ત રજૂ કરવા જાણ કરાઈ છે. આ બાબતનો સીધો અર્થ એ થાય કે આગામી સમયમાં કેટલાક ચીજવસ્તુઓ પરનો અસરકારક જીએસટી દર વધી શકે છે.
આગામી બેેઠકમાં કદાચ કેટલીક ચીજો પર જીએસટી વધારવો પડે તેવું બની શકે છે. અગાઉ, કાઉન્સિલની મોટાભાગની બેઠકોમાં દરોમાં કાપ પર ફોકસ રહેેતું હતું. તેને બદલે વખતે દરોમાં વધારાનો નિર્ણય લેવાય તેવી ચર્ચા છે. કેટલીક ચીજો જેને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે તેને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે તેવી પણ શક્યતા છે.
કેન્દ્ર સરકાર જીએસટીની આવકોમાં વધારો ઇચ્છે છે. રાજ્યોને વળતરરૂપે રકમ વધારે અને સમયસર મળે તેમાં રસ છે. ટૂંકમાં દરોમાં વધારા માટે સૌ લગભગ સંમત છે. રિઝર્વ બેન્કના એક અહેવાલ અનુસાર મે ૨૦૧૭માં દેશમાં અસરકારક જીએસટી દર ૧૪ ટકા હતો. પરંતુ તે પછી શ્રેણીબધ્ધ ઘટાડા અને કેટલીય ચીજોને મુક્તિ અપાતાં હવે આ દર ઘટીને સરેરાશ ૧૧.૬ ટકા થઇ ગયો છે. તેના કારણે સરકારને વર્ષે બે લાખ કરોડની આવકનો ફટકો પડી રહ્યો છે.
કેેન્દ્રએ રાજ્યોને એવું વચન આપ્યું છે કે જીએસટી કલેકશન ગ્રોથમાં વર્ષે ૧૪ ટકા કરતાં વધારો ઘટાડો થાય તો પોતે તેટલું નુકસાન રાજ્યોને ભરપાઈ કરી આપશે. પરંતુ તે માટે પણ સરકાર પાસે વધુ આવક હોવી જોઇએ. પંરુત તેની વસુલાત નીચી જ રહી હોવાથી સરકાર મુંઝવણમાં મુકાઈ ગઈ છે.
જીેસટીમાં વધારાનું પગલું બહુ અપ્રિય હશે એ નક્કી છે. જીએસટીના કારણે વેપારઉદ્યોગોને માઠી અસર પડી છે અને વર્તમાન મંદીમાં તે પણ એક કારણબૂત ફેકટર છે. આ સંજોગોમાં જીએસટીના દરોમાં વધારાના આકરા પ્રત્યાઘાતો માટે સરકારે તૈયાર રહેવું પડશે.
આ કવાયતથી વાકેફ સુત્રોના જણાવ્યા મુજબ કાઉન્સીલ દ્વારા હતી જે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓને ટેક્સમાંથી બાકાત રખાઈ છે તેના પર ટેક્સ અમલી બનાવવા માટે કવાયત હાથ ધરાઈ છે. આ ઉપરાંત હાલ જે ચીજ વસ્તુઓ પર પાંંચ ટકાનો સ્લેબ અમલી છે તે પૈકી કેટલીક ચીજવસ્તુઓનો દર વધારીને ૬ ટકા કરાય તેવી સંભાવના છે.
ટૂંકમાં સરકાર જીએસટીની આવક વધે અને તેમના પક્ષે સૌ સારા વાના થાય તે માટે કેટલીક ચીજવસ્તુઓના જીએસટીમાં વધારો કરે તેવી શક્યતા છે. આમ, આગામી સમયમાં ગ્રાહકોના ખિસ્સા પર બધુ દબાણ આવે તેવી સંભાવના છે...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LBKA3z
ConversionConversion EmoticonEmoticon